Get The App

જે સભામાં અધર્મથી ધર્મ અને અસત્યથી સત્યને હણવામાં આવે છે ત્યાં રહેલા સભાસદો હણાયેલા જ કહેવાય

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
જે સભામાં અધર્મથી ધર્મ અને અસત્યથી સત્યને હણવામાં આવે છે ત્યાં રહેલા સભાસદો હણાયેલા જ કહેવાય 1 - image


- ।। શ્રીકૃષ્ણ ઉવાચ ।।-ગૌતમ પટેલ

- જે સભામાં અધર્મથી ધર્મ અને અસત્યથી સત્યને હણવામાં આવે છે ત્યાં રહેલા સભાસદો હણાયેલા જ કહેવાય

ભગવાન શ્રીકૃષ્ણ કૌરવોની સભામાં પહોંચ્યા. તેઓશ્રીએ પ્રભાવશાળી ભાષણ આપ્યું જેનો સાર છે -

જેમ ઉનાળો પૂર્ણ થાય અને વાદળ ગરજે તેવા ધીરગંભીર અવાજે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહેવાનું શરૂ કર્યું.

હે રાજન્ ! વીરોનો નાશ ન થાય તે રીતે કૌરવો અને પાંડવોમાં શાન્તિ થાય એ માટે માંગણી કરવા હું અહીં આવ્યો છું.

મારે વધારે કાંઈ કહેવાનું હોય નહીં જાણવા જેવું બધું આ બાબતમાં આપ સ્વયં જાણો જ છો. આ આપનું કુળ શ્રેષ્ઠ છે તે જ્ઞાન અને ચારિત્ર્યથી સંપન્ન છે અને બધા જ ગુણોથી યુક્ત છે. કુકુ કુળમાં અનુકંપા, કારુણ્ય-કરુણતા, આર્જવ-કોમળતા, ક્ષમા, સત્ય વગેરે રહેલાં છે તેથી અન્ય કુળ કરતાં એ ચઢિયાતું છે. પણ આપના આ દુર્યોધન વગેરે પુત્રો ધર્મ અને અર્થને પાછળ નાંખી નૃશંસની જેમ વર્તી રહ્યા છે. તે આ અશિષ્ટ-શિષ્ટાચાર વિનાના, મર્યાદા રહિત અને લોભથી હણાયેલા ચિત્તવાળા છે અને પોતાના જ સંબંધી એવા પાંડવો સાથે અયોગ્ય વર્તન કરી રહ્યા છે. આથી તેઓ ઘોર આપત્તિરૂપ અને પૃથ્વીનો વિનાશ કરનારા બની જશે.

હે ભરતશ્રેષ્ઠ ! આ લોકોને શાંત પાડવા આપ સમર્થ છો. આપ આપના પુત્રોને વશમાં લો હું પર એટલે બીજા એવા પાંડવોને વશમાં રાખીશ. આપ રાજા છો. શાસન કરો છો તેથી તેઓ આપની આજ્ઞા માનવા બંધાયેલા છે. આમાં આપનું અને પાંડવોનું એમ બન્નેનું હિત સમાયેલું છે. આપ ધર્મ અને અર્થની મર્યાદામાં રહો પછી પાંડવો પણ આપના સહાયક થશે. તેઓની સાથે ભીષ્મ, દ્રોણ વગેરે પણ હોય પછી આપને જીતવા માટે ઈન્દ્ર સહિત બધા દેવતાઓ પણ શક્તિમાન બની શકશે નહીં.

આ પછી આપ પુત્ર કે પૌત્રોની સાથે સુખેથી આપના રાજયમાં બાકીનું જીવન વીતાવી શકશો. બાકી યુદ્ધમાં તો બન્ને પક્ષનો ક્ષય થશે. પાંડવોને હણીને તમને શું સુખ મળશે, હે રાજા ! એ મને કહો. પાંડવો શૂરવીર, શસ્ત્રધારી અને યુદ્ધમાં વિશારદ છે અને તેઓ પણ તમારા જ છે માટે તેઓનું આપ રક્ષણ કરો.

બીજી બાજુ યુદ્ધ થશે તો આ પ્રજાનો વિનાશ થશે. આપ પ્રજાનું રક્ષણ કરો. પાંડવો પિતા વિહોણા હતા ત્યારે એક પિતા જેવા તમેજ એમનું પાલનપોષણ કર્યું છે. તેઓએ તેર વર્ષ સુધી દુ:ખ ભોગવ્યું છે. પછી ભગવાન સભા અને સભાસદોને કેન્દ્રમાં રાખી કેટલું વૈશ્વિક સત્ય ઉચ્ચારે છે.

જે સભામાં અધર્મથી ધર્મ અને અસત્યથી સત્યને હણવામાં આવે છે ત્યાં રહેલા સભાસદો હણાયેલા જ કહેવાય. માટે અહીં રહેલા રાજાઓ જ કહે કે શું કરવું યોગ્ય છે. જો અહીં સત્યનો સ્વીકાર થશે તો મૃત્યુના પાશથી સહુ મુક્ત થશે આપ પણ ક્રોધને વશ ન થાવ.

આપે જ તે પાંડવોને પૂર્વે ઈન્દ્રપ્રસ્થમાં પ્રસ્થાપિત કર્યા હતા. ત્યાં રહેતા તેઓએ રાજસૂય યજ્ઞા કર્યો. પૃથ્વીના બધા રાજાઓને વશ કર્યા. તેઓ ત્યારે પણ આપની કોઈ અવગણના કરી નથી. એ પછી સભામાં કૃષ્ણા એટલે દ્રૌપદીની દશા થઈ તે આપ જાણો છો. છતાં ક્ષત્રિયના ધર્મને યુધિષ્ઠિર વળગી રહ્યા હતા. માટે -

હું તો તમારું અને તેઓનું એમ બન્ને પક્ષનું શ્રેય-કલ્યાણ ઈચ્છું છું. ધર્મમાંથી, અર્થમાંથી અને સુખમાંથી તમે પ્રજાનો નાશ કરાવશો નહીં. 

અર્થને અનર્થ અને અનર્થને અર્થ માનનારા અને લોભમાં અત્યંત વ્યાપ્ત થયેલા તમારા પુત્રોનો હે રાજા ! તમે નિગ્રહ કરો. પાર્થો એટલે પૃથા અર્થાત્ કુન્તીના પુત્રો આપની સેવા માટે તત્પર છે અને તેઓ દુશ્મનોનું દમન કરવા માટે સમર્થ છે. માટે આપને જે પથ્ય-આચરવા યોગ્ય જણાય તેવું આચરણ કરો.

ભગવાન શ્રીકૃષ્ણની ધૃતરાષ્ટ્રની સભામાં પ્રવેશ પછી જે વાણી છે તે અનેક રીતે રાજદૂતને શોભે તેવી છે. અહીં આરંભમાં પોતાના અહીં આવવાના પ્રયોજનને ફક્ત એક જ શ્લોકમાં પણ ખૂબ જ સારગર્ભિત વાણીમાં દર્શાવ્યું છે. હું તો કુરુઓનું અને પાંડવોમાં શાન્તિ કરવા માટે આવ્યો છું અને તેનાથી વીરોનો વિનાશ અટકશે. ટૂંકું અને ટચ પણ સઘળું સ્પષ્ટ કરી દીધું. આ થયું નું પ્રથમ રહસ્ય.

પછી કુરુઓના વંશના ગુણોનું વિસ્તૃત વર્ણન છે. આ કુળ બધા રાજાઓના કુળોમાં શ્રેષ્ઠ છે. એથી એ સર્વગુણ સંપન્ન છે. અનુકંપા, કારુણ્ય, ક્ષમા, સત્ય વગેરેમાં છે. આ એક માનસશાસ્ત્રીય સત્ય છે કે કોઈના પૂર્વજોનું કે કુળનું વર્ણન કરીએ તો એ વ્યક્તિને અવશ્ય ગમે. શ્રીમદ્ ભાગવતમાં પણ ભગવાન વામનરૂપે બલિ પાસે પહોંચે છે ત્યારે આરંભમાં બલિના પૂર્વજોના વખાણ કરે છે. આ રીતે તમે સામાને તમારી વાત સાંભળવા માટે તત્પર કરી શકો છો. આજે પણ ડીપ્લોમેટ જાય તો સહુથી પહેલાં પોતાના અને સામાના સંબંધો પરાપૂર્વના છે એ ભૂતકાળથી જ આરંભ કરે છે. આ પદ્ધતિ આજ પણ એટલી જ આવકાર્ય રહી છે.

આપ આવા મહાન કુળમાં છો માટે મારે કાંઈ વિશેષ કહેવાનું ન હોય. એમ વખાણ કરી પછી મૂળ વાત ઉપર આવે છે અને દુર્યોધનના લક્ષણો વર્ણવે છે એ તો ધર્મ અને અર્થને પાછળ નાંખીને વર્તી રહ્યો છે પરિણામે એ સમગ્ર પૃથ્વીનો વિનાશ કરાવશે. યુદ્ધનો ભય દર્શાવ્યો. એનું નિયમન કરવું આપને માટે શક્ય છે એમ કહીને ધૃતરાષ્ટ્રને વિચારતા કરી મૂક્યા.

જો બન્ને એક થાય. પાંડવો જ તમારું રક્ષણ કરે તો ઈન્દ્ર વગેરે દેવો પણ તમને હરાવી ન શકે. આ વાતમાં સંધિથી થતાં ફાયદા દર્શાવ્યા. પછી થોડીક લાગણીને સ્પર્શતી વાત કરી કે પાંડવો પણ તમારા જ પુત્રો છે એનું તમે રક્ષણ કરો. આ પછી સભાસદોના ગુણદોષ દર્શાવી જ્યાં ધર્મ અધર્મથી હણાય કે સત્ય અસત્યથી પરાજિત કરાય એ સભા નથી. એના સભાસદોને માટે એ કિર્તીકર નથી.

અંતમાં હું પાંડવોનું નહીં તમારું શ્રેય કરવા આવ્યો છું. કૃપા કરી આપ ધર્મ અને અર્થની બાબતમાં પ્રજાનો નાશ ના કરશો. પાંડવો તો આપની સેવા કરવા તૈયાર છે. માટે જે આચરવા માટે સહુથી વધુ ઉત્તમ હોય તે પ્રમાણે આચરણ કરો.

આમ યુક્તિયુક્ત, સારગર્ભ, વ્યવસ્થિત અને કર્તવ્ય-અકર્તવ્યના તારતમ્યને દર્શાવતી શ્રીકૃષ્ણની વાણી એ પ્રસંગે અત્યંત અનિવાર્ય હતી અને એની રીતિ-વૃત્તિ-પ્રવૃત્તિ તો આજ પણ શાણા રાજપુરુષો ઉપયોગમાં લે છે. આ છે વિશેષતા.

- ગૌતમ પટેલ


Google NewsGoogle News