ગણપતિ બપ્પા મોરિયા .
- જય ગણેશ દયાનીધિ સકલ વિઘ્ન દૂર કર હમારે....
- 'ગણેશ-પુરાણ' મુદ્ગલ પુરાણની કથાઓ અનુસાર, માતા પાર્વતીએ સ્નાનચૂર્ણની માટીનાં પિંડમાંથી એક પ્રતિમા બનાવેલી. જેમાં પ્રાણત્ત્વ સંચાર કરીને એક સંતાન પુત્રનું સર્જન કર્યું.
- આ વ્રત કથાને લીધે આજેપણ 'ગણેશોત્સવ' રાજસી ઠાઠથી ધામધૂમથી ઉજવાય છે. ગણેશ ચતુર્થીએ ગણપતિજીની પાર્થિવ માટીની મૂર્તિની વાજતે- ગાજતે પધરામણી કરી સ્થાપના કરાય છે.
ભા દરવા સુદ-ચોથ એ મહાસિદ્ધિ વિનાયકી ચોથ કહેવાય છે, જે છે 'વિઘ્ન હર્તા' દાદા ને વહાલ કરવાનો અવસર આ દિવસે ગણેશજીન પ્રાદુર્ભાવ થયેલો, એ તો ગણોનાં અધિપતિ છે, એટલે જ 'રાષ્ટ્ર નેતા' લોકમાન્ય તિલકે ગણપતિને 'રાષ્ટ્રીય દેવતા' રૂપે વધાવીને 'ગણેશોત્સવ' પ્રારંભ કર્યો.
જટાધારી શિવ દેવોના દેવ 'મહાદેવ' કહેવાયા, તો એમના પુત્ર 'ગજાજન'ને 'રાષ્ટ્ર નાયક' નાં જેવું ગણપતિનું બિરુદ મળ્યું. હસ્તિમુખ ગણપતિ તો ઓમકારના પ્રતિક સમાન છે. તેમની આકૃતિ પણ 'ઓમ' નું સ્મરણ કરાવે છે. જેમ પ્રત્યેક મંત્રનો પ્રારંભ 'ઓમ' થી થાય છે. તેમ સર્વે શુભ-માંગલિક કાર્યોનો શુભારંભ ગણેશજીનાં પૂજન-અર્ચનથી થાય છે.
'ગણેશ-પુરાણ' મુદ્ગલ પુરાણની કથાઓ અનુસાર, માતા પાર્વતીએ સ્નાનચૂર્ણની માટીનાં પિંડમાંથી એક પ્રતિમા બનાવેલી. જેમાં પ્રાણત્ત્વ સંચાર કરીને એક સંતાન પુત્રનું સર્જન કર્યું. એ ભાદરવા માસની સુદ ચોથ હતી. એક સમયે ક્રોધમાં આવીને પિતા શંકરે પોતાના પુત્રને અજાણતાં જ 'ગજાજન' એટલે કે હાથીના મુખવાળા કરી નાખ્યા. ત્યારે માતા પાર્વતીએ કુરુપ- અને કઢંગા બની ગયેલા પુત્રને જોઈને દુઃખ થયું. તેમણે પતિ આગળ વેદના વ્યક્ત કરી. એ વખતે શિવજીએ વરદાન આપ્યું.' દેવી પાર્વતી' આ આપણો પુત્ર ગણોનાં ગણપતિ થઈને આધિપતિ થશે. સંસારમાં કોઈ શુભ-મંગલ કાર્ય ગણેશની વિઘ્નહર્તા તરીકે સર્વપ્રથમ પૂજા કરીને પ્રારંભ કરવામાં આવશે. તેમણે પુત્રની પ્રાગટયતિથિને 'સંકષ્ટ હર' ચતુર્થીરુપે પ્રતિષ્ઠિત કરતાં પિતા શિવે કહ્યું, 'હે ગજાજન ! તારો જન્મ ભાદરવા સુદ ચતુર્થીએ, શુભ ચંદ્રદય વેળાએ થયો છે. તેથી દરેક માસની સુદ અને વેદ ચતુર્થીએ તારું પૂજન-વ્રત કરનારા સર્વ વિઘ્નોમાંથી મુક્ત થઈને પોતાની સર્વ મનોકામના સિધ્ધ કરશે.
ગણેશજીનો જન્મ ચંદ્રોદયવેળાએ થયેલો. વળી શિવજીનાં મસ્તકનાં ચંદ્રનો અંશ શ્રી ગણેશનાં મસ્તકે શોભે છે. શ્રી ગણપતિવ્રત ચોથનાં ચંદ્રનું દર્શન મંગળકારી મનાયું છે. પરંતુ ભાદરવા સુદ ચોથનું દર્શન વર્જ્ય મનાતું હતું.
આ વિષેની એક પૌરાણિક વ્રત કથા જાણીતી છે. એક વાર ચંદ્રે ગણેશજીના બેઢંગ શરીરની ખડખડાટ હસીને મશ્કરી કરી. આથી ગણેશજીએ ચંદ્રને શાપ આપ્યો કે ભાદરવા સુદ ચોથને દિવસે ચંદ્રને જોશે તો તેને કલંક લાગશે, એના પર આપત્તિ આવશે. શાપનાં નિવારણ માટે દેવોની વિનંતીથી બ્રહ્માજીએ ઉપાય બતાવ્યો. ભાદરવા સુદ ચોથે, ગણેશજીની મૂર્તિની સ્થાપના કરીને તેની પૂજા-આરતી ઉપાસના કરવી. નૈવેદ્યમાં લાડુ ધરાવીને છેલ્લે મૂર્તિનું વાજતે-ગાજતે નદીમાં વિસર્જન કરવું. આવું કરવાથી ચંદ્ર શાપ મુક્ત થશે, અને એનાં દર્શન થઈ શક્શે.
આ વ્રત કથાને લીધે આજેપણ 'ગણેશોત્સવ' રાજસી ઠાઠથી ધામધૂમથી ઉજવાય છે. ગણેશ ચતુર્થીએ ગણપતિજીની પાર્થિવ માટીની મૂર્તિની વાજતે- ગાજતે પધરામણી કરી સ્થાપના કરાય છે. ત્યાં ષોડશોપચાર પૂજન- અર્ચન કરી, મંગલ- આરતી ઉતરાય છે. અનંત ચૌદશનાં રોજ ભારે ધામધૂમથી નદી-સમુદ્રમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.
વર્તમાનની અભૂતપૂર્વ કટોકટીનાં કપરાકાળમાં વિઘ્નહર્તા, સંકટનો નાશ કરનારા, ગણેશજીને આપણે આ ગણેશચતુર્થીએ પ્રાર્થના કરીએ કે,
'સુખકર્તા, દુઃખહર્તા વાર્તા વિઘ્નાસી,
હે વિઘ્નેશ્વરાય, સંક્ટ હરો, સંક્ટ હરો.
- પરેશ અંતાણી