Get The App

જીવનમાં ક્રિયાન્વિત થાય તે જ સાચી વિદ્યા

Updated: Sep 3rd, 2020


Google NewsGoogle News
જીવનમાં ક્રિયાન્વિત થાય તે જ સાચી વિદ્યા 1 - image


ગુરૂદ્રોણે યુધિષ્ઠિરનો છાતી સરસો લગાવી દીધો અને કહ્યું કે, 'વત્સ ! સાચા અર્થમાં તું વિદ્યાને પામ્યો છે. જ્ઞાાનનું ફળ ક્રિયા છે. આચરણનો ધર્મ જ સાચો ધર્મ છે. જીવનમાં ક્રિયાન્વિત થાય તે જ સાચી વિદ્યા.     

વિ દ્યાવાનનું સમકિત જ્ઞાાન દુઃખને પચાવવાની શક્તિ આપે છે.

શાસ્ત્રા પર માત્ર ભાષણ કરવાં કે સાંભળવાથી મુક્ત નબનાય, એ તો માત્ર વાચાજ્ઞાાન છે. તેને જીવનમાં ઉતારી વિવેકયુક્ત આચરણ જ માનવીને બંધનમુક્ત બનાવી શકે. આ સંદર્ભે વેદોમાં કહ્યું છે કે, क्रियावान एव ब्रह्माविंदा वरिष्ठ - આત્મવંતાઓમાં ક્રિયાવાન આત્મવંતા શ્રેષ્ઠ છે. વેદોએ આત્મવિદ્યાને ક્રિયાની કસોટી પર કસેલ છે.

મહાભારતના એક પ્રાચીન પ્રસંગમાં આ ઉક્તિનું સત્ય અભિપ્રેત છે.

ગુરૂ દ્રોણાચાર્ય કૌરવો અને પાંડવોને સરખી રીતે વિદ્યાઓ શીખવતા હતા. એક દીવસ તમામ શિષ્યોની વચ્ચે બેસીને તેઓએ ઉપદેશ આપ્યો કે, 'મનુષ્યોએ કદી ક્રોધ ન કરવો, ક્રોધ કરવાથી વિવેક નાશ પામે છે અને વિવેકશૂન્ય મનુષ્યો યથાર્થ નિર્ણય લઈ શકતા નથી.'

શિષ્યોને તેમણે આ પાઠ, બીજે દિવસે યાદ કરીને લાવવા કહ્યું, નિયત સમયે બીજા દિવસે દ્રોણાચાર્યે નવો સ્વાધ્યાય શરૂ કરાવતાં પહેલાં બધાને સંબોધન કરી કહ્યું કે, 'કાલનો પાઠ તમે યાદ કરીને લાવ્યા ?' લગભગ બધાને હા કહી, પરંતુ યુધિષ્ઠિર ચૂપચાપ નતમસ્તકે બેઠા હતા. આચાર્ય સમજી ગયા. તેથી તેમણે કહ્યું 'ઠીક છે, કાલે યાદ કરી લાવજે.'

બીજે દિવસે ગુરૂએ પૂછયું, 'યુધિષ્ઠર, આજ તો તું પાઠ યાદ કરીને આવ્યો જ હોઈશ ?' પરંતુ યુધિષ્ઠિરનો પ્રત્યુત્તર આજ પણ નકારાત્મક હતો. ગુરૂએ રોષપૂર્ણ અવાજે કહ્યું, મૂર્ખ ! ત્રણ દિવસમાં એક પંક્તિ યાદ ન કરી શક્યો ? તો શરમ આવવી જોઈએ. આજે ક્ષમા કરું છું, કાલે અવશ્ય યાદ કરીને આવજે.'

ત્રીજે દિવસે પણ યુધિષ્ઠિરે કહ્યું, 'ગુરૂદેવ ! આ પાઠ મને સંતોષકારક રીતે હજુ યાદ નથી રહ્યો.' ગુરૂજીએ ગુસ્સામાં આવી યુધિષ્ઠિરને એક જોરદાર તમાચો માર્યો અને પછી કાન પકડીને કહ્યું કે, 'હવે તો બરાબર યાદ રહ્યો ને ?'

પીડાને સહેતાં સહેતાં ધીમેથી યુધિષ્ઠિર બોલ્યા, 'હા ગુરૂદેવ ! હવે બરાબર યાદ આવી ગયો છે.' ગુરૂજી કહે, 'મને ખબર ન હતી કે તને મારવાથી જ પાઠ યાદ રહે છે !'

હવે યુધિષ્ઠિરે શાંતિ અને ધીરજથી કહ્યું, 'ગુરૂદેવ ! વાત એમ નથી, પરંતુ આપે કહેલું ને કે મનુષ્યે ક્યારેય ક્રોધ ન કરવો જોઈએ. પહેલે દિવસે મને શંકા હતી કે આપ મને ઊંચા અવાજે પૂછશો અને મને ક્રોધ આવી જશે, બીજે દિવસે પણ મને વિશ્વાસ ન હતો. ત્રીજે દિવસે આપ માર-પીટ કરો અને કદાચ મને ક્રોધ આવી જાય, પરંતુ આવા વિષમ સંજોગોમાં પણ મને ક્રોધ ન આવ્યો, હું સમતામાં રહી શક્યો એટલે હવે હું ચોક્કસ કહી શકું કે મને પાઠ યાદ રહી ગયો છે.'

ગુરૂદ્રોણે યુધિષ્ઠિરનો છાતી સરસો લગાવી દીધો અને કહ્યું કે, 'વત્સ ! સાચા અર્થમાં તું વિદ્યાને પામ્યો છે. જ્ઞાાનનું ફળ ક્રિયા છે. આચરણનો ધર્મ જ સાચો ધર્મ છે. જીવનમાં ક્રિયાન્વિત થાય તે જ સાચી વિદ્યા. શુદ્ધ વિદ્યા આત્માને નિર્મળ રાખે છે.'

- ગુણવંત બરવાળિયા


Google NewsGoogle News