mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રેરણાવચનો

- પ્રગટ ગુરૂહરિના 87મા જન્મદિને કોટિ કોટિ વંદન

- પ્રગટ ગુરૂહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની તા. 11/09/2020ને શુક્રવારે 87મી જન્મજયંતી છે. યુગવિભૂતિ મહંત સ્વામી મહારાજને એમના પ્રાગટયદિને હૃદયપૂર્વકના કરોડો વંદન...

Updated: Sep 3rd, 2020

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રેરણાવચનો 1 - image


અહીં એવી સાધુતાની અને સાધુતાના શિખર સમાન મહાપુરૂષની વાત છે. જેમાં તમામ શાસ્ત્રોનો અર્ક મધમધે છે. આ સાધુના કોઈ સાધનાની ફલશ્રુતિ નહીં, પરંતુ ગુરૂકૃપા અને જન્મજાત બ્રાહમી સ્થિતિની પરિચાયક છે. નામ છે - સ્વામી કેશવજીવનદાસજી. પરંતુ સૌના હૈયે ગુંજતું નામ એટલે મહંત સ્વામી મહારાજ. જેમની આંખોમાં, જેમના સાંનિધ્યમાં, જેમના સમગ્ર વ્યક્તિત્વમાં, રોમરોમમાં સાધુતા નીતરે છે. 

લોકમાનસ ઉપર વ્યક્તિનો પ્રભાવ ત્યારે જ પડી શકે જ્યારે વ્યક્તિના વાણી અને વર્તનમાં તલમાત્રનો ફેર ન હોય અને સંતપણું રગરગમાં વ્યાપ્ત હોય, વાણી, વર્તન અને વ્યવહારમાં એકસૂત્રતા ધરાવતા પૂ. મહંત સ્વામીનું જીવન વર્ષોથી એક સરખું રહ્યું છે. પૂ. મહંત સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં નિયમધર્મ, ભક્તિ, વિનમ્રતા, પ્રેમ, ક્ષમા, ઉદારતા, સરળતા વગેરે અનેક ગુણવૈભવનું દર્શન થાય છે, અને તેથી જ તો એમના મુખમાંથી નીકળેલા વાણી કે શબ્દ બ્રહ્મવાક્ય બનીને અન્ય માનવીના હૈયામાં સોંસરવા પ્રત્યાયિત થઈ શકે છે. પૂ. મહંત સ્વામી મહારાજના કેટલાક પ્રેરણાવચનો અત્રે પ્રસ્તુત છે. જેનું જીવનમાં આચરણ કરી ધન્ય થઈએ...

બીજાની મહેરબાનીની અપેક્ષા કરતા પોતાના ગુણોની મદદથી આગળ વધવું સારૂં છે.

ફક્ત સકારાત્મક દૃઢ, નિશ્ચય જ કોઈપણ જાદુઈ ઔષધિ કરતા ચમત્કારિક છે.

જીવનમાં દંભ ન કરીએ તો સદા સુખી રહેવાય.

ચિંતામણી, પારસમણી ને કલ્પવૃક્ષ કરતા દાસપદ ઊંચું છે. શ્રેષ્ઠ છે, અધિક છે.

બધાને દિવ્ય જોશો તો જ અક્ષરધામમાં જવાશે.

સંપ હોય ત્યાં ભગવાન વસે છે. માટે ઘર-પરિવારમાં, સમાજમાં અને સત્સંગમાં સંપ રાખવાનો છે.

અહમ્, મમત્વ મૂકીને સેવા-ભક્તિ કરી લેવી.

ઈશ્વરના સાચા ભક્તને દુઃખી કરનાર જરૂર શિક્ષાને પાત્ર બને છે.

તમારા હૃદયને કચરાપેટી ન બનાવશો. જો તમે બધાની ભૂલો જ શોધતા રહેશો તો તમારું હ્ય્દય કચરાપેટી બની જશે અને લોકો તેમાં કચરો ઠાલવતા જશે.

પ્રગટ ગુરૂહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની તા. ૧૧/૦૯/૨૦૨૦ને શુક્રવારે ૮૭મી જન્મજયંતી છે. યુગવિભૂતિ મહંત સ્વામી મહારાજને એમના પ્રાગટયદિને હૃદયપૂર્વકના કરોડો વંદન...

- કિશોર ગજ્જર

Gujarat