'' ઉપકારના ઉઝરડા ના પડવા જોઈએ '' .
- દુર્યોધન અને શકુનિ પાંડવોને હેરાન કરવા તેમને મારી નાખવા જે જે કપટી યોજનાઓ ઘડે તેમાં કર્ણ સાથ આપતો ગયો. યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક હોય, લાક્ષગૃહની ઘટના હોય, પાંડવોમાં અંદરોઅંદર ફાટ પાડવાની યોજના હોય કે દ્રૌપદીના ચીરહરણનો પ્રસંગ હોય...
ધૃતરાષ્ટ્ર-પુત્રો અને પાંડવોની અસ્ત્રવિદ્યા શિક્ષા પૂર્ણ થઈ ત્યારબાદ રાજકુમારોની અસ્ત્ર સંચાલનની કલાનું પ્રદર્શન યોજાયું. સૌ રંગભૂમિમાં એકઠાં થયાં. એક પછી એક રાજકુમારો પોતપોતાની અસ્ત્રકલા પ્રસ્તુત કરવા લાગ્યા. જ્યારે અર્જુને ખડ્ગ ધનુષ્ય અને ગદા દ્વારા વિવિધ દાવ રજૂ કર્યા ત્યારે ત્યાં હાજર રહેલા સૌએ તેના ભરપૂર વખાણ કર્યા. અર્જુન પણ મનોમન ખુશ થયો. એ જ વખતે કર્ણએ અચાનક રંગભવનમાં આવી અર્જુનને પડકાર ફેંક્યો. 'પાર્થ થત્ તે કૃતં કર્મ... માત્મના વિસ્મયંગમ : '(આદિપર્વ ૧૩૫-જી) હે કુંતીપુત્ર હમણા તેં જે અસ્ત્રવિદ્યાના દાવ રજૂ કર્યા એવા... અરે, તેનાથી પણ વધુ સારા દાવ હું રજૂ કરી શકું છું. માટે તારા આવા સામાન્ય પરાક્રમ પર ગર્વ ના કર ! ' ખરેખર કર્ણએ પોતાની અસ્ત્રવિદ્યા રજૂ કરી સૌને ચકિત કરી દીધા. કર્ણના આગમનથી સૌથી વધારે દુર્યોધન પ્રસન્ન થયો. તેને ખુશી એ વાતની થઈ કે વાહ.. અર્જુનને પડકારનાર અહીં કોઈ છે. તેણે કર્ણને ગળે લગાવી દીધો. ત્યાર પછી અર્જુન અને કર્ણ વચ્ચે ઘણો વાદ-વિવાદ થયો. બન્ને વચ્ચે લડાઈની પરિસ્થિતિ ઉભી થઈ. તે વખતે કૃપાચાર્ય આગળ આવ્યા. બન્નેને શાંત પાડયા. તેમણે કર્ણને કહ્યું,' ત્વમપ્યેવં મહાબાહો માતરં પિતરં કુલમ... હે કર્ણ. અર્જુન કુંતીપુત્ર પાંડવ છે. રાજકુમાર છે. તું કોણ છે ? તારા માતા-પિતા અને કુળનો પરિચય આપ. કારણકે અર્જુન જેવો રાજકુમાર નીચકુળ અને હીન આચાર વિચારવાળા લોકો સાથે યુધ્ધ નથી કરતો. કર્ણનું માથું ઝૂકી ગયું. ચહેરો ઊતરી ગયો. શું જવાબ આપે ? વરસાદના પાણીથી પલળીને કમળનું ફૂલ મુરઝાઈ જાય એમ તેનું મોં મુરઝાઈ ગયું.
દુર્યોધને કર્ણની આ કટોકટીની ક્ષણનો ફાયદો ઊઠાવ્યો. તેણે બધાની વચ્ચે અપમાનિત થતા કર્ણની આંગળી પકડી લીધી. કર્ણને તાત્કાલિક અંગ દેશનો રાજા બનાવી ત્યાં જ રંગભૂમિ પર તેનો અભિષેક કર્યો. કર્ણ ગદ્ગદ થઈ ગયો. એક રાજકુમાર કશી જ ઓળખાણ વગર બધાની વચ્ચે તેને રાજા બનાવી દે! તેના જીવનની આ આનંદદાયક ઘટના હતી. દુર્યોધન ચતુર હતો. કુનેહબાજ હતો. તેણે આ અહેસાનના બદલામાં તેની પાસે મિત્રતા માંગી. કર્ણ ત્યારે એવી સ્થિતિમાં હતો કે તે દુર્યોધનના ઉપકાર પાછળ છૂપાયેલી સ્વાર્થી ખંધાઈ જોઈ ના શક્યો. મિત્ર બનાવી દુર્યોધને આંખેઆખા કર્ણને પોતાના કાબૂમાં લઈ લીધો. આ મિત્રતા કેવી હતી ? બધું સહન કરીને જાતનો ભોગ આપીને, સત્યનિષ્ટ રહીને મિત્રને વફાદાર રહેવું. દુર્યોધન સાચું કરે કે ખોટું, ધર્મ આચરે કે અધર્મ તેની પડખે ઉભા રહેવું. 'અત્યંતમ્ સખ્યમ્ ' આજીવન મૈત્રી નિભાવવી. એક સધ્ધર, શક્તિશાળી માણસ બીજા માણસને વાપરે, પોતાના સ્વાર્થ માટે ચલણી સિક્કાની માફક તેનો ખર્ચ કરે એના જેવું બીભત્સ કૃત્ય આ દુનિયામાં બીજું કોઈ ના હોઈ શકે. ભોળો અને નિષ્પાપ કર્ણ દુર્યોધનના ઉપકાર હેઠળ દબાઈ ગયો.
ત્યારપછી દુર્યોધન અને શકુનિ પાંડવોને હેરાન કરવા તેમને મારી નાખવા જે જે કપટી યોજનાઓ ઘડે તેમાં કર્ણ સાથ આપતો ગયો. યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક હોય, લાક્ષગૃહની ઘટના હોય, પાંડવોમાં અંદરોઅંદર ફાટ પાડવાની યોજના હોય કે દ્રૌપદીના ચીરહરણનો પ્રસંગ હોય.. દરેક વખતે કર્ણએ દુર્યોધનને સાથ આપવો પડયો. આડકતરી રીતે તેણે અધર્મ આચરણ કરતા દુર્યોધનને સમજાવવા પ્રયત્ન કર્યો પણ વ્યર્થ ! દરેક વખતે તે દોસ્તીના દાવે લાચાર બન્યો. તેના સ્વાભિમાન તેના આત્મગૌરવ તેની જાત પ્રત્યેની વફાદારી પર વારંવાર ઉઝરડા પડતા ગયા. તે પીડાતો દુઃખી થતો. એકાંતમાં પોતાના નસીબને કોસતો. તેના આત્માની ઉન્નતિ સ્થગિત થઈ ગઈ. પણ શું થાય ?
મનથી કરેલો ઉપકાર લાકડાના ટુકડા જેવો હલકો હોય છે. જેને કોઈ ડૂબાડી શકતું નથી. પણ પોતાનો સ્વાર્થ સિધ્ધ કરવા બદલો લેવા-જાણી જોઈને ઉતાવળમાં કરેલો ઉપકાર પથ્થર જેવો ભારે હોય છે. જેને કોઈ તારી શકતું નથી. માણસે સાવધાન રહેવાની જરૂર છે. જીવનમાં દરેકને એકબીજાની જરૂર પડે છે. એ જરૂરિયાત વખતે. અહેસાન લેતી વખતે ઉપકાર લેતી વખતે સમજી લેવું કે તેનાથી સ્વાભિમાનને ઠેસ ના પહોંચે. આત્મગૌરવને ગીરવે ના મૂકવું પડે. એવો કોઈ ઉપકાર ના લેવો જેની કિંમત જીવનભર ચુકવવી પડે. ભલે બધું જ જતું રહે સ્વાભિમાન ના જવું જોઈએ.
તૈત્તિરીય ઉપનિષદમાં યાજ્ઞાવલ્કયના આત્મગૌરવની સુંદર કથા આવે છે. યાજ્ઞાવલ્કય હજારો શિષ્યોના ગુરૂ વિદગ્ધ શાકલ્ય પાસે જ્ઞાન મેળવતા હતા. તેમણે ગુરૂ પાસે ઋગ્વેદનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તે ગુરૂના માનીતા શિષ્ય હતા. એકવાર રાજા આનર્તની ખોટી માગણી- ખોટી આજ્ઞા-માનવાનો તેમણે ઇન્કાર કર્યો. શાકલ્ય ભલે જ્ઞાની રહ્યા પણ તે રાજાના હુકમના દબાણમાં રહેતા. તેમણે યાજ્ઞાવલ્કયને શાંતિથી સમજાવ્યો. જો રાજા તને જ બોલાવે છે. તારા જ હાથે વિધિ કરાવવા ઇચ્છે છે. તારે જવું જોઈએ. રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન આપણાથી ના થાય. છતાં યાજ્ઞાવલ્કયે તેમની વાત ના માની. તેમણે ગુરૂજીને કહ્યું- ગુરૂજી સુપ્રિય ભલે રાજા હોય. તે જ્ઞાનથી ઉચ્ચ ના હોઈ શકે ! મને તેમનો અન્યાયી હુકમ માન્ય નથી. તેનાથી મારૂં સ્વાભિમાન હણાય છે.' ત્યારબાદ ગુરૂજીએ ધમકી આપી. છતાં યાજ્ઞાવલ્કય અડગ રહ્યા. છેવટે ગુરૂજીએ યાજ્ઞાવલ્કપને આશ્રમમાંથી કાઢી મૂક્યા એટલું જ નહિ શ્રુરિકા મુંડ કલ્પથી મંત્રેલું જળ પીવડાવી ઋગ્વેદનું સંપૂર્ણ જ્ઞાન ઓકાવી દીધું. છતાં પણ... બધું ત્યજીનેય યાજ્ઞાવલ્કય ખુશ હતા. તેમણે સ્વાભિમાન અને આત્મગૌરવની રક્ષા કરી હતી. તે ઉપકારના ભાર નીચે દબાવ્યા વિના જીવવા માંગતા હતા. અને જીવ્યા.
ઉપકાર કે અહેસાન આશીર્વાદ જેવો પવિત્ર હોવો જોઈએ. કોઈના પર કરેલા અહેસાનની વાત દરિયાની રેત પર લખવા જેવી ક્ષણિક હોવી જોઈએ. તેને શિલાલેખ ઉપર કોતરાવી જીવનભર યાદ ના રખાય. જે માણસ પોતે કરેલા અહેસાનનો બદલો લેવાનો વિચાર કરે છે તે ખરેખર કરાતા અહેસાનનું અપમાન કરે છે. (ક્રમશઃ)
- સુરેન્દ્ર શાહ