'ગોવર્ધન-લીલા' રહસ્ય .
વૃં દાવનમાં એક દિવસ બાળ કૃષ્ણ વૃંદાવનવાસીઓને કોઇક અનોખા ઉત્સવની તૈયારી કરતાં જુએ છે. કુતૂહલવશ કૃષ્ણ નંદબાબાને પૂછે છે કે આ કયા ઉત્સવની તૈયારી ચાલે છે ? નંદબાવા કહે છે કે આ 'શકમહ' નામના ઉત્સવની તૈયારી થઇ રહી છે. સૌ ભેગા મળી ઇન્દ્રદેવની પૂજા અને યજ્ઞા કરવાના છીએ. ઇન્દ્ર મેઘોના અધિપતિ છે. તે આપણા પર કૃપા કરીને આકાશમાંથી જલ વરસાવે છે. એ જલથી સૌને જીવનદાન મળે છે. એટલે દર ર્સે પરંપરા અનુસાર તેમની પૂજા ત્થા યજ્ઞા કરવામાં આવે છે. કૃષ્ણ તો અંતર્યામી છે. બધું જાણે છે.
પણ તે કોઇપણ જાતની વિનય-વિવેક વગરની પરંપરાના સખત વિરોધી છે. તે કહે છે (સુખં દુઃખં ભયં ક્ષેમં કર્મણૈવાધિપદ્યતે ભગવત: ૧૦ઃ૨૪ઃ૧૩) જીવ પોતાના કર્મ અનુસાર સુખ, દુઃખ, ભય અને કલ્યાણ પ્રાપ્ત કરે છે. પ્રાણીઓ માટે કર્મ જ શ્રેષ્ઠ છે. તે ખોંખારીને કહે છે. (કરર્મૈવ ગુરૂરીશ્વર: ૧૦ઃ૨૪ઃ૧૭) કર્મ જ ગુરૂ છે અને કર્મ જ ઇશ્વર છે. કર્મ કરનારને તેનું યોગ્ય ફળ મળે જ છે. પણ કર્મ ન કરનારને ઇશ્વર પણ ફળ આપી શકતા નથી. જો દરેક પ્રાણી પોત-પોતાના કર્મ અનુસાર જ ફળ ભોગવતાં હોય તો (મહેન્દ્રઃ કિં કરિષ્યતિ: ૧૦ઃ૨૧ઃ૨૩) આ ઇન્દ્રને આમાં શું લેવા દેવા હોઈ શકે ? ઇન્દ્ર ખુદ પણ પ્રાણીઓના કર્મ-ફળથી વધારે કસું જ ન આપી શકે.
કૃષ્ણ નંદબાવાને કહે છે. આપણેે રાજા નથી. આપણી પાસે કોઇ રાજ્ય નથી. આપણે તો સાધારણ વનવાસી-ગોવાળો છીએ. આપણા જીવનનો સાચો આધાર તો આપણી ગાય-માતા અને આ ગિરિરાજ પર્વત છે. કૃષ્ણએ ખૂબ ભાવથી દરેકને સમજાવ્યા. જો કે, વાત પરંપરા વિરોધી હતી છતાં દરેકને કૃષ્ણની વાત સાચી લાગી. છતાં વિશ્વાસ પેદા કરવા તેમણે ગિરિરાજ પર્વત ઉપર એક વિશાળ દેહાકૃતિ ધારણ કરી અને કહ્યું - ''જુઓ, હું ગિરિરાજ-ગોવર્ધન છું.લ્લ' વૃજવાસીઓએ ગાયોને લીલું ઘાસ ખવડાવ્યું અને ઇન્દ્રયજ્ઞા માટે ભેગી કરેલી સામગ્રીથી ગોવર્ધનની પૂજા કરી. ભાત-ભાતની વાનગીથી અન્નકૂટ ધરાવ્યો. પરિક્રમા કરી. ચારેબાજુ આનંદોત્સવ છવાઈ ગયો.
પણ જ્યારે ઇન્દ્રને આ વાતની ખબર પડી કે તેમની પૂજા બંધ કરવામાં આવી છે ત્યારે તે ક્રોધિત થયા. તેમના અહંકારને ચોટ પહોંચી. અભિમાન ઘવાયું. તેમણે મેઘોના સંવર્તક નામના ગણને વૃજ પર ચઢાઈ કરવા મોકલ્યો. વીજળીઓ ચમકવા લાગી. આકાશમાં ભયંકર ગર્જના થવા લાગી. પ્રચંડ આંધી ઊઠી. વૃજવાસીઓ આ તોફાનથી ડરી ગયા, કંપી ગયા. ઠંડીથી ધ્રુજવા લાગ્યા. આકાશમાંથી એવો વરસાદ વરસ્યો કે ચારેબાજુ પાણી જ પાણી દેખાવા લાગ્યું. આવી પરિસ્થિતિમાં સૌની નજર કૃષ્ણ પર પડી. તેમને કૃષ્ણ પર શ્રદ્ધા હતી. વિશ્વાસ હતો. સૌ કૃષ્ણની શરણે આવ્યા. કૃષ્ણએ તેમને સાંત્વન આપ્યું (''સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ ચ યાચતે । અભયં સર્વભૂતેભ્યો દદામ્યેતદ્ વ્રતં મમ ।।'') - એકવાર જે મારા શરણમાં આવીને 'હું તમારો છું' એવી ભાવભરી પ્રાથના કરે છે તેને હું સર્વ બુરી દશામાંથી ભયમુક્ત કરી દઉં છું. આ મારૂં વ્રત ે. વચન છે.
ખરેખર કૃષ્ણ ઇન્દ્રનો ગર્વ ઉતારવા માગતા હતા. કૃષ્ણ માને છે કે દેવતા ગમે તેવો હોય તે સત્યપ્રધાન હોવો જોઇએ. તેનામાં ઐશ્વર્ય કે પદનું અભિમાન ના હોવું જોઇએ. જો ભૂલથીય તેનામાં અહંકાર પેદા થઇ જાય તો તેમના કલ્યાણ માટે કૃષ્ણ તેમનો ગર્વભંગ કરે છે.
કૃષ્ણએ બિલાડીના ટોપની માફક ગોવર્ધન પર્વત ઉપાડી લીધો સૌ વૃજવાસીઓ પોતપોતાની ગાયો ને ઘર-વખરી લઇ પર્વત નીચે કૃષ્ણના સાનિધ્યમાં આવી ગયા. ચારે બાજુ પાણી જ પાણી. સાત દિવસ સુધી મૂશળધાર વરસાદ વરસ્યો. કૃષ્ણએ સાત દિવસ સુધી ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચકી રાખી સૌની રક્ષા કરી. કૃષ્ણની યોગમાયાનો આવો પ્રભાવ જોઈ ઇન્દ્રનો અહંકાર ઊતરી ગયો. વરસાદ બંધ થયો. પાણી વહી ગયું. ઊઘાડ નીકળ્યો. કૃષ્ણએ ક્ષણવારમાં ગોવર્ધન પર્વત યથાસ્થાને ગોઠવી દીધો. કૃષ્ણની આ ગોવર્ધન-લીલા જોઇ સૌ ગામવાસીઓ ચકિત થઇ ગયા. એટલું જ નહિ ગાય ને ગોવર્ધન-પર્વતની સાથે સાથે કૃષ્ણના કપાળ ઉપર તિલક કરી આરતી ઉતારી. ગર્વભંગ થતાં જ ઇન્દ્ર કૃષ્ણને શરણે આવ્યો અને પોતાનાથી થયેલા અપરાધની ક્ષમા માંગી. વારંવાર નમસ્કાર કર્યા.
આ ગોવર્ધન-લીલાનું રહસ્ય સમજવા જેવું છે. (૧) શુભ કર્મનું ફળ સારૂં જ મળે છે. કર્મફળ આપવામાં ખુદ ઇશ્વર પણ ફેરફાર નથી કરી શકતા. જીવ-માત્રનું કર્મ ઇશ્વર કરતાંય શ્રેષ્ઠ છે. (૨) રજોગુણની પ્રેરણાથી સૃષ્ટિનું સંચાલન થઇ રહ્યું છે. (દા.ત. કોઇની કૃપા વગર જ ઋતુ પ્રમાણે વરસાદ વરસે છે.) તેમાં ઇશ્વરની કોઇ વિશિષ્ટ શક્તિ કામ નથી કરતી. (દશમસ્કંદ: ૧૩ઃ૧૪ઃ૧૫) (૩) મનુષ્યએ પોતાના નિવાસસ્થાનનું ત્થા પોતાના પાલનહારનું સન્માન કરવું અને પૂજા કરવી. (૪) સામાન્ય જીવ તો ઠીક પણ જો દેવતા પણ અહંકાર કરે અને પોતાના પદનો અનૈતિક ઉપયોગ કરે તો તેમને પણ દંડ મળે જ છે.
દિવાળી પછી કારતક સુદ એકમથી નવુંવર્ષ શરૂ થાય છે. આ દિવસે કૃષ્ણ મંદિરમાં ગૌ.પૂજા કરી ગિરિરાજ ગોવર્ધનની પૂજા-અર્ચના થાય છે. શ્રદ્ધાળુ પરિક્રમા કરે છે. ભાત-ભાતની સામગ્રી વડે અન્નકૂટ ધરાવવામાં આવે છે. શ્રદ્ધાળુઓ કૃષ્ણની ચરણ-વંદના કરી આશીર્વાદ લે છે અને એકબીજાને શુભેચ્છા પાઠવી નૂતન-વર્ષનો આરંભ કરે છે. સૌના મનમાં એક જ શુભેચ્છા જાગે છે.
નૂતન વર્ષાભિનંદન....સાલ મુબારક....
- સુરેન્દ્ર શાહ