'ગોવર્ધન-લીલા' .
કૃ ષ્ણ વૃંદાવનમાં અનેક પ્રકારની લીલાઓ કરી રહ્યા હતા ત્યારે તેમની ઉંમર સાતેક વરસની હતી. એકવાર વૃંદાવનવાસી કશીક તૈયારી કરી રહ્યા હતા. ત્યારે કુતૂહલવશ તેમણે નંદબાવાને પૂછયું- 'પિતાશ્રી. આ કયા ઉત્સવની તૈયારી થઈ રહી છે ?' ત્યારે નંદબાવાએ કહ્યું ' બેટા, સૌ ઇન્દ્રયજ્ઞાની તૈયારી કરી રહ્યા છે. ભગવાન ઇન્દ્ર વરસાદ વરસાવનારા મેઘોના અધિપતિ છે. તે વરસાદરૂપે જલ આપે છે એટલે જ આપણે સુખી છીએ.
' કૃષ્ણને આ વાતના સમજાઈ.' પિતાશ્રી જ્યારે દરેક પ્રાણીઓ પોતપોતાના કર્મોના ફળ ભોગવી રહ્યાં છે ત્યારે ઇન્દ્રની શી જરૂર છે ?'( કિમિન્દ્રેણેહ ભૂતાનાં સ્વ-સ્વકર્માનુંવર્તિનામ્ ) (૧૦-૨૪-૧૫) આપણે તો ગામવાસી છીએ. જંગલ, ગોવર્ધન પર્વત અને યમુના નદી આપણો આધાર છે. તેથી ખરેખર આપણે ગાયો, બ્રાહ્મણો અને ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. 'કૃષ્ણએ નંદજીને સમજાવ્યા. એટલું જ નહિ સૌ વ્રજવાસીઓના ગળે આ વાત ઊતારી. અને એક પરંપરાથી વિરૂધ્ધ એક નવીન યોજના તૈયાર થઈ. ઇન્દ્રયજ્ઞા માટે જે સામગ્રી એકઠી કરવામાં આવી હતી. તેજ સામગ્રીથી ગોવર્ધનયજ્ઞાનું અનુષ્ઠાન કરવાનું નક્કી થયું.
અનેક પ્રકારના પકવાન બનાવાયાં, વ્રજનું બધુ દૂધ ભેગુ કરવામાં આવ્યું. વેદપાઠી બ્રાહ્મણો સજ્જ થયા. સૌ ગોપીજનો સુંદર વસ્ત્રો પરિધાન કરી તૈયાર થયા. ગિરિરાજની તળેટીના સુરભિકુંડ પર સૌ એકઠા થયા. અન્નકૂટ ધરાવવામાં આવ્યો. દીવડા પ્રગટયા- બળદ ગાડામાં બેસીને શ્રીકૃષ્ણનું ગાન કરતાં કરતાં ગિરિરાજની પરિક્રમા કરવામાં આવી. શ્રીકૃષ્ણએ વિશાળ દેહ ધારણ કરી 'શૈલોસ્મિ' હું ગિરિરાજ છું.) કહી સામગ્રી આરોગી.
જ્યારે ઇન્દ્રને આ વાતની ખબર પડી ત્યારે તેઓ ક્રોધિત થયા. મેઘોના સંવર્તક નામના ગણને વૃજ પર વરસી પડી સંહાર કરવા મોકલ્યો. મેઘગર્જના થઈ, વીજળીઓ પડી ઘેરો અંધકાર છવાઈ ગયો, મુશળધાર વરસાદ વરસાવ્યો. સૌ ગભરાયા. કૃષ્ણને શરણે આવ્યા. કૃષ્ણએ તેમને શાંત પાડયા. કૃષ્ણએ પલકવારમાં ગિરિરાજ- પર્વત ડાબા હાથે ઊંચકી લીધો. સાત-સાત દિવસ સુધી તેમણે પર્વત ધારણ કરી રાખ્યો. કૃષ્ણની યોગમાયાનો આ પ્રભાવ જોઈ ઇન્દ્રનો ગર્વ ઉતરી ગયો. તેણે કૃષ્ણની લીલા સમજાઈ ગઈ. એટલું જ નહિ પગે પડી સ્તુતિ કરી. ' આપ જ મારા સ્વામી છો, આપ જ મારા ગુરૂ છો અને આપ જ મારો આત્મા છો.' (ઇશ્વરં ગુરૂમાત્માનં ત્વામહં શરણં ગત :)
દરેક વર્ષે કારતક સુદી-૧ના દિવસે અન્નકૂટ ધરાવાય છે. શ્રી મહાપ્રભુજીએ અહીં શ્રીપૂજની શિલા પર ગિરિરાજજીની કંદરાની સામે સુંદરશિલા પર બિરાજી શ્રી ભાગવત સપ્તાહ કરી હતી. સમાપ્તિ બાદ દીપોત્સવી ઉત્સવ અને અન્નકૂટ ઉત્સવ મનાવ્યો હતો. બેસતા વર્ષના પ્રથમ દિવસને પ્રતિપદા દિન પણ કહે છે. આ દિવસે પાતાળ લોકમાંથી મુક્ત થયેલા બલિરાજા ફરી પૃથ્વી લોકના રાજા બન્યા હતા. કૃષ્ણની ગોવર્ધન-લીલા આપણને કહે છે કે ગાય, ગોવર્ધન પર્વત અને પ્રકૃતિ પ્રત્યક્ષ દેવો છે. જે તમારો આધાર છે. તેની પૂજા કરો. (કર્મૈવ ગુરૂરીશ્વર :) કર્મ જ ગુરૂ છે. કર્મ જ ઇશ્વર છે.
કૃષ્ણ નંદબાવાને (તથા વ્રજવાસીઓને) કર્મનો સિધ્ધાંત સમજાવતાં કહે છે - (ભાગવત દશમ : અ-૨૪ શ્લોક ૧૩)
' કર્મણા જાયતે જંતુ : કર્મણૈવ વિલીયતે
સુખં દુ:ખં ભયં ક્ષેમં કર્મણૈવાભિપદ્યતે ।।
પ્રાણી પોતાના કર્મ પ્રમાણે ઉત્પન્ન થાય છે અને કર્મથી જ મરે છે. તેને તેનાં કર્મ અનુસાર જ સુખ, દુ:ખ, ભય અને કલ્યાણ પ્રાપ્ત થાય છે.
- સુરેન્દ્ર શાહ