ગીતા અને મેનેજમેન્ટ .
મે નેજમેન્ટ અર્થાત 'વ્યવસ્થા સંચાલન' માટે શું કરવું અને શું ન કરવું તે સમજાવતા ગીતામાં અસંખ્ય શ્લોકો આવેલા છે. મેનેજમેન્ટને લગતો ગીતાજીના ૧૮મા અધ્યાયનો ૧૪ નંબરનો શ્લોક ખૂબ જ પ્રસિદ્ધ છે.
અધિષ્ઠાનં તથા કર્તા કરણં ચ પૃથગ્વિધમ્
વિવિધાશ્ચ પૃથકચેષ્ટા દૈવં ચૈવાત્ર પંચમમ્.
અધિષ્ઠાનં: (વાતાવરણ, સ્થળ): કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય વાતાવરણ જોઈએ, યોગ્ય સ્થળ જોઈએ.
જમસેદજી તાતાએ પોલાદના એમના કારખાના માટે એવું સ્થળ શોધ્યું જ્યાં લોખંડ અને કોલસા સહેલાઈથી મળે.
કર્તા: જે કાર્ય કરવાનું છે તે કરવા માટે જરૂરી આવડત, જ્ઞાાન, પ્રતિભા, અનુભવ, આત્મવિશ્વાસ જરૂરી છે. તેના વિના સફળતા મળતી નથી. કર્મચારીઓ પ્રતિભાવન હોવા જોઈએ.
કરણં: (સાધનો): કરણં ચ પૃથગ્વિધમ્. એક સાધનથી કામ ન ચાલે. દરેક કામ માટે અલગ અલગ સાધનો જોઈએ. ઉદ્યોગો માટે મશીન જોઈએ.
ચેષ્ટા: (પ્રોસેસ): વિવિધાશ્ચ પૃથકચેષ્ટા. વિવિધ પ્રકારની અલગ-અલગ (પૃથક) પ્રોસેસ. માનવ સંસાધન, ફેકટરી અને ઓફિસ વિ. જોઈએ.
દરેક સાધનની જુદી-જુદી પ્રોસેસ હોય. નાણાં એકઠા કરવાની, મશીન વાપરવાની, કાચામાલમાંથી જરૂરી પાકો માલ તૈયાર કરવાની પ્રોસેસ.
દૈવ: (પ્રારબ્ધ, નસીબ): કોઈ પણ કાર્યમાં પ્રારબ્ધ જોઈએ. તેમાં બે મત નથી પરંતુ યોગ્ય વાતાવરણ, કર્તા, આવડત, જ્ઞાાન, પ્રતિભા, જરૂરી સાધનો, પ્રોસેસ, હશે તો નસીબ સાચા અર્થમાં પાંગળુ બની જશે. એટલે 'દૈવં ચૈવાત્ર પંચમમ્.' અને તેનું પ્રમાણ ૨૦% ટકા છે. એ આપણા હાથમાં નથી.ળ
ગીતાજીનો રજા અધ્યાયનો ૪૭ મો શ્લોક ખુબ જ લોકપ્રિય શ્લોકોમાનો એક શ્લોક છે
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન
મા કર્મફલહેતુર્ભૂર્મા તે સંગોસ્ત્વ કર્મણિ.
કર્મ કરવામાં તમારો અધિકાર છે. કર્મ સારું કર્મ કરો, ખરાબ કર્મ કરો, થોડુ કર્મ કરો, વધારે કર્મ કરો, આજે કર્મ કરો, કાલે કરો, જેવી તમારી મરજી. કર્મ કરવામાં તમે સ્વતંત્ર છો. ફળની આશા રાખશો ના, એમ કહેતી વખતે કર્મ સારામાં સારું થવું જોઈએ એમ ગીતા ઠોકી ઠોકીને કહે છે. સકામ પુરુષના કર્મ કરતાં નિષ્કામ પુરુષનું કર્મ વધારે સારું થવું જોઈએ એ અપેક્ષા તદ્દન બરાબર છે. કેમકે સકામ પુરુષ ફળને વિષે આશક્તિવાળો હોવાથી ફળ બાબતમાં સ્વપ્ન-ચિંતનમાં તેનો થોડોઘણો વખત બગાડયા વગર નહીં રહે પણ ફળની ઈચ્છા વગરના પુરુષના એક એક ક્ષણ અને બધી શક્તિ કર્મ પાર પાડવામાં વપરાશે. નિષ્કામ કર્તાને સતત સેવાકર્મ વગર બીજી ફિકર હોતી નથી. આમ નિરંતર કર્મમાં મંડયા રહેનારા પુરુષનું કામ સારામાં સારું નહીં થાય તો બીજા કોનું થવાનું હતું ?
ચિત્રકાર, ખેડુતને પ્રત્યક્ષ કર્મમાં જે આનંદ છે તે તેના ફળમાં નથી. ચિત્રકારને કહીએ "ચિત્ર કાઢવાનું રહેવા દે. એ માંડી વાળવાને જોઈએ તેટલા પૈસા તમને આપીશું" તો એ આપણી વાત નહીં સાંભળે. ખેડુતને કહો કે "તું ખેતરમાં ના જઈશ" અમે તને તારે ત્યાં જોઈએ તેટલું અનાજ ભરી આપીશું. સાચો ખેડુત હશે તો એને આ સોદો નહીં ખપે.
ગીતાનો સારરૂપ અંતિમ શ્લોક યાદ કરી લઈએ.
યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ
તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ
- યજ્ઞોશચંદ્ર એચ. દોશી