Get The App

ગજેન્દ્ર મોક્ષ .

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
ગજેન્દ્ર મોક્ષ                                                   . 1 - image


ક્ષી ર સમુદ્રમાં ત્રીકૂટ નામે પર્વત હતો. ત્યાં સુંદર સરોવર હતું. ત્યાં એક હાથી પોતાની ઘણી હાથણીઓ સાથે ગરમીથી કંટાળેલો જળ પીવાની ઈચ્છાથી આવ્યો. તે વખતે હાથી ઉન્મત્ત થઈ હાથણીઓ સાથે પાણીમાં કિલ્લોલ કરતો હતો. ત્યારે પૂર્વના પ્રારબ્ધ કર્મ અનુસાર એક મહા બળવાન મગરે (ઝૂડે) ક્રોધમાં ભરાઈ તે હાથીનો પગ પકડી લીધો. હાથી પોતાની શક્તિ અનુસાર પોતાનો પગ છોડાવવા ઘણા પ્રયત્ન કર્યા. હાથણીઓ અને બચ્ચાઓએ પણ હાથીને મગરના મુખમાંથી છોડાવવા પુષ્કળ પ્રયત્ન કર્યો. પણ કશું ચાલ્યું નહિ. આ બંનેને લડતાં લડતાં હજાર વર્ષ વીતી ગયા. આ જોઈ દેવતાઓ પણ ચકિત થઈ ગયા. મગર જળનો જીવ હતો. માટે મગરની શક્તિ જળમાં વધતી ગઈ અને હાથીનું જોર જળમાં નરમ પડવા લાગ્યું. મગર હાથીને બળ દ્વારા પાણીમાં ઊંડે લઈ જવા લાગ્યો. ત્યારે દેહાભિમાની હાથીએ પ્રાણ સંકટમાં પડી ગયેલા જાણી પોતાને છોડાવવા ઘણા પ્રયત્ન કર્યા. અંતિમ સમયે જ્યારે હાથીએ જાણ્યું કે આ વિધાતાએ મારા માટે મોકલેલી કાળની ફાંસી છે. માટે મારા હાથીઓ, હાથણીઓ, બચ્ચાં મને કોઈ રીતે બચાવી શકે એમ નથી. તેથી એક સંપૂર્ણ વિશ્વના આશ્રયરૂપ પ્રભુનું હું શરણું લઉં છું. જે અત્યંત ભયભીત થઈ ભગવાનના શરણમાં ચાલ્યો જાય છે તેને ભગવાન અવશ્ય બચાવી લે છે.

જે પરમાત્મા જગતના મૂળ કારણ છે અને બધાના હૃદયમાં બિરાજમાન છે, સમસ્ત જગતના સ્વામી છે, જેમની ઈચ્છા વડે સંસારમાં ચેતના શક્તિ વિસ્તાર પામે છે એ ભગવાનને હું નમસ્કાર કરું છું અને પ્રેમથી તેમનું ધ્યાન ધરું છું. આ સંસાર ભગવાનમાં સ્થિત છે અને તેમની સત્તાથી જ સંસાર દેખાય છે. આ સંસારમાં એ વ્યાપ્ત થઈને રહેલા છે અને એ જ આ સંસારરૂપથી પ્રગટ થયેલા છે છતાં પણ તે ભગવાન આ સંસારથી પર છે, એવા સ્વયંપ્રકાશ પરમાત્માનું હું શરણું લઉં છું. હે પ્રભુ, મારી રક્ષા કરો. જેમના પરમ મંગલમય સ્વરૂપના દર્શન કરવા માટે મહાત્માઓ સંસારની આસક્તિ છોડીને વનમાં જઈ બ્રહ્મચર્ય વગેરે ધર્મ આચરણ કરીને પ્રભુનું ધ્યાન કરે છે તે જ પ્રભુ મારા સહાયક બનો. મારી ગતિરૂપ થાઓ. એમના જન્મ, કર્મ, નામ, રૂપ દિવ્ય છે. તો તેમના સંબંધમાં ગુણદોષની કલ્પના તો ન જ થઈ શકે. એ જ અનંત શક્તિમાન પરબ્રહ્મને હું નમસ્કાર કરું છું.

આવી રીતે અનેક પ્રકારે પ્રભુની પ્રાર્થના કરી, તે પ્રભુને સમર્પણ બુદ્ધિની ભાવનાથી તે સરોવરમાં ઉત્પન્ન થયેલું કમળ સૂંઢમાં લઈ હે નારાયણ ! એ નામથી ભગવાનને પોકાર કરવા લાગ્યો. આ હાથીની સ્તુતિ સાંભળી કોઈ દેવો ત્યાં હાથીની રક્ષા કરવા ન આવ્યા. તે સમયે સર્વના આત્મા ભગવાન શ્રીહરિ વેદમય ગરૂડ ઉપર સવાર થઈ ચક્રધારી ભગવાન ઘણી શીઘ્રતાથી ત્યાં આવી પહોંચ્યા. ભગવાનને પધારેલા જોઈ કમળ પુષ્પને સૂંઢમાં લઈ પ્રભુને અર્પણ કર્યું. ઘણા કષ્ટથી હાથીએ ભગવાનને નમસ્કાર કર્યા. ભગવાને સુદર્શન ચક્રથી તે મગરનું મોં ચીરી નાખી હાથીને છોડાવી સરોવરમાંથી બહાર કાઢયો.

આ જગતના પ્રાણીઓ હાથીઓ સમાન ધનના તેમજ મદમાં આવી જઈ સંસારના અનેક વિષયસુખોમાં રાચી સ્વાદ લેવા મથે છે પણ જે વખતે કાળરૂપી મગરનું તેડું આવે છે તે વખતે મિથ્યાભિમાની દેહધારી હાથી જેવો આ જીવ તેની રક્ષા કરવા સ્ત્રીરૂપી હાથણી, પોતાના પુત્રો, પૈસો, નોકર, ચાકર વગેરે બધાય નજરે જોયા કરે છે પણ કોઈ તે કાળના મુખમાંથી છોડાવી શકતા નથી. પણ તે જીવના પૂર્વ સંજોગોવશ કોઈ પુણ્ય હોય તો તેને તે વખતે ભગવાન યાદ આવે છે. અંતિમ સમયે આપણી પાસે પ્રભુને સમર્પણ કરવાની ખરી વસ્તુ કોઈ ન હોય તો આપણું હૃદયરૂપી કમળ પ્રભુને સમર્પણ તેમને પોકારે છે કે, હે નારાયણ ! આ મારા હૃદયકમળનો આપના ચરણોમાં સ્વીકાર કરો, અને કાળરૂપી મગરના મુખમાંથી મને બચાવો. તે વખતે ભગવાન ભક્તની રક્ષા કરવા પોતાના સુદર્શન ચક્ર દ્વારા મગરરૂપી કાળની ફાંસીમાંથી આ મનુષ્ય દેહધારી જીવને છોડાવે છે.

ભગવાને સુદર્શન ચક્ર દ્વારા મગરનું મોં ચીરી નાખી હાથીની રક્ષા કરી. ત્યારે દેવર્ષી, ગંધર્વો, બ્રહ્માજી, દેવોએ પુષ્પવૃષ્ટિ કરી, ગંધર્વો નાચવા લાગ્યા. ઋષિમુનિઓ, સિદ્ધ પુરુષો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.

દેવલ ઋષિના શાપથી મગર યોનિને પ્રાપ્ત થયેલો આ મગર હુહુ નામનો થયો અને પ્રભુને પ્રણામ કરી પોતાના કરેલા પાપથી મુક્ત થઈ ભગવાનની પ્રદક્ષિણા કરી, સ્તુતિ કરી પોતાના લોકને પ્રાપ્ત થયો. ગજેન્દ્ર પણ ભગવાનનો સ્પર્શ થવાથી અજ્ઞાાનરૂપી હાથીના બંધનમાંથી છૂટો પડી ભગવાનના પાર્ષદનું ચાર ભુજાવાળું રૂપ ધારણ કરી હાથ જોડી ભગવાનની સન્મુખ ઊભો રહ્યો. આ હાથી પૂર્વ જન્મમાં દ્રવિડ દેશનો ઈન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. પરંતુ પોતાનું સન્માન ન થવાથી અગત્સ્ય ઋષિના શાપથી હાથીની યોનિને પ્રાપ્ત થયો હતો. આ ગજેન્દ્રની મોક્ષની કથા સાંભળનારને આ કથાનો પાઠ કરનારને કળિયુગના દોષો લાગતા નથી તથા ખોટા સ્વપ્નનું ફળ મળતું નથી. ગજેન્દ્ર મોક્ષનું આખ્યાન સ્વર્ગ તથા યશદાયક છે તથા શ્રેયસાધક છે, ઉન્નતિ કરાવનાર છે.

અંતમાં ભગવાન ગજેન્દ્રને કહે છે કે તારી કરેલી સ્તુતિથી પ્રાત:કાળમાં બ્રહ્મમુહૂર્તમાં જે મારું સ્મરણ કરશે તેમને મૃત્યુના સમયે હું નિર્મળ બુદ્ધિનું દાન કરીશ.

અજામિલે પોતાના પુત્ર માટે નારાયણ નામનો પોકાર કર્યો. પણ પ્રભુને કંઈ ભેટ સમર્પિત ન કરી. તેથી ભગવાન સ્વયં તેને લેવા ન આવ્યા. પણ ભગવાનના પાર્ષદો આવીને અજામિલને યમદૂતોની ફાંસીમાંથી છોડાવીને ચાલ્યા ગયા. પરંતુ જે કોઈ પ્રભુને કંઈક ઉપહાર સમર્પણ કરી પ્રભુને પોકારે છે તો અંત સમયે યમના દૂતો તેને લેવા આવતા નથી. પરંતુ સ્વયં ભગવાન તેમને લેવા આવે છે.

- અંજના મહેતા


Google NewsGoogle News