રત્નાકર ડાકુમાંથી-મહર્ષિ વાલ્મીકિ
સં સ્કૃતના આદિકવિશ્રી અને પવિત્ર રામાયણના રચયિતા શ્રી વાલ્મીકિથી કોણ અજાણ હોઈ શકે...? રત્નાકર ડાકુમાંથી મહર્ષિ બનનાર વાલ્મીકિના જન્મ અંગે અનેકાનેક દંતકથાઓ પ્રચલિત છે. આ બ્રાહ્મણ રત્નાકરના પાલક પિતાએ બાળકનું નામ રત્નાકર રાખ્યું હતું. એનો ઉછેર જંગલમાં થયો. એ ધર્નુવિદ્યામાં નિપુણ હતો, પારંગત હતો. એના પાલક પિતા પણ જંગલમાંથી લૂંટફાટ કરી આજીવિકા ચલાવતા એથી એ જ પ્રકારના સંસ્કાર સ્વભાવિકરીતે રત્નાકરમાં પડયા.
નાની ઉંમરે એના પાલક પિતાએ રત્નાકરને એક વન કન્યા સાથે પરણાવી દીધો અને એણે પોતાનો સંસાર ચાલુ કર્યો. કુટુંબના ભરણપોષણ માટે એણે પણ લૂંટફાટ અને હિંસાનો આશરો લીધો. રત્નાકર બ્રાહ્મણ હતો છતાં એ નીચ ગણાય તેવાં કર્મ કરતો.
એક દિવસની વાત છે કે જ્યારે તે જંગલમાં કોક વટેમાર્ગુની તલાશમાં હતો તેવામાં ફરતા ફરતા શ્રી નારદમુનિ રત્નાકર પાસે આવી પહોંચ્યા. સવારથી કોઇપણ શિકાર મળ્યો ન હોવાના કારણએ તે તો શ્રી નારદમુનિને લૂંટી લેવા સજ્જ થયો.
નારદમુનિએ પૂછયું ''ભાઈ તુ કોણ છે ?''
''અરે, મને તમે ઓળખતા નથી..? હું તો આ જંગલનો સમ્રાટ રત્નાકર લૂંટારો છું..'' રત્નાકરે જવાબ આપતા કહ્યું નારદમુનિને રત્નાકરના પાપયુક્ત કર્મને જાણી અત્યંત દયા આવી. મુનિશ્રીને તો ખ્યાલ હતો જ કે એનુ ભવિષ્ય ઉજ્જવળ છે.
નારદમુનિશ્રીએ ઉપદેશ આપતાં કહ્યું ''તું આ પાપકર્મમાં સમજે છે તો ખરો ને ? તું જે આ કાર્ય કરે છે તે તારા કુટુંબના જીવનનિર્વાહ માટે તો...તારા કુટુંબીજનો તારા આ પાપકર્મમાં ભાગીદાર ખરા ને...?'' રત્નાકરે કહ્યું ''હું એમના જીવન નિર્વાહ માટે તેમના ભરણપોષણ માટે આ મારા પાપકર્મ દ્વારા જે દ્રવ્ય મેળવું છું તો તેઓ ભાગીદાર તો ખરા જ ને...!''
નારદમુનિએ કહ્યું ''હું અહીં જ બેઠો છું. તું તારા ઘેર જઇને ઘરના તમામ સભ્યોને એટલું પૂછી જો કે મારા આ પાપ કૃત્યમાં તમે સૌ ભાગીદાર ખરા ને...?'' રત્નાકરે ઘેરજઇને ઘરના સભ્યોને પૂછયું તો સૌ સભ્યોનો એક જ જવાબ હતો કે જે કર્મ કરે તે જ એના ફળ ભોગવે. કોઇ કોઇના પાપમાં ભાગીદાર બનતું નથી.
કુટુંબીજનોના આ શબ્દો સાંભળીને રત્નાકરના હૃદયમાં ઝબકારો થયો, પ્રકાશ પથરાયો, તે થાકેલો, હારેલો, નિરાશ થયેલો અને ભગ્ન હૃદયે આંખમાં આંસુ સાથે નારદમુનિ પાસે આવી તેમના પગમાં પડયો અને કહ્યું...''મુનિશ્રી હું તમારો દાસ છું, હું તમારા શરણે આવ્યો છું''
નારદમુનિ તો જ્ઞાાની કહેવાય. તેમણે રત્નાકરના પાપકર્મ એક પછી એક ગણી બતાવ્યા. પોતાના બધા જ કર્મો કે જે પાપથી ભરેલા હતા તેની હકીકત સાંભળી તે ધ્રુજી ઉઠયો અને મુનિશ્રીના ચરણોમાં પડી રડવા લાગ્યો.
મુનિશ્રીએ રત્નાકરની વ્યાકુળતા જોઈ આશ્વાસન આપ્યું ને કહ્યું ''તારા પુણ્યનો ઉદય થવાનો છે.'' અને એને પાસેના સરોવરમાં સ્નાન કરવા મોકલ્યો. તેને રામ નામનો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપતાં કહ્યું ''તું રામ નામનો જપ કર...'' આ ઉપદેશ સાંભળતા જ તેને રામનામની લગની લાગી ગઈ. એ તો આસન લગાવી બેસી ગયો રામનામ જપવા.
દિવસો પસાર થવા લાગ્યા, મહિનાઓ વીત્યા અને વર્ષો વીતી ગયા. રામ રામ રામ કરતાં મરા, મરા, મરા થયું પરંતુ રત્નાકરનું ધ્યાન તૂટયું નહીં. એકાગ્રતા જળવાઈ રહી. તે જપ જપવામાં એટલો બધો તલ્લીન થયો કે તેના શરીરે ઉધઇના રાફડા બંધાયા. રત્નાકરનું શરીર રાફડાથી ઢંકાયું માત્ર મુખ જ ખુલ્લું રહ્યું.
લાંબા સમય પછી નારદમુનિ ફરીથી એજ માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રત્નાકરના મુખેથી બોલાતો મંત્ર મરા-મરા-મરા સંભળાયો. પાસે જઇને જોયું તો રત્નાકરનું શરીર તો રાફડાથી ઢંકાયેલું હતું. નારદજીએ જ રત્નાકરને રામ નામનો મંત્ર આપ્યો હતો તે ઘટના યાદ આવી. નારદજીએ માટી ખસેડી લીધી, અને બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી પાણી છાંટયું અને કહ્યું ''ઋષિવર ઉઠો...હવે આ તો તમારો બીજો જન્મ થઇ ચૂક્યો છે.'' બ્રહ્માજીએ તેમને દેવોની પંક્તિમાં મૂક્યા અને આશીર્વાદ આપ્યા. સંસ્કૃતમાં રાફડાને ''વાલ્મીક'' કહે છે. રાફડામાંથી તેઓ નીકળ્યા તેથી તેમનું નામકરણ ''વાલ્મીકિ'' કરવામાં આવ્યું.
મહર્ષિપદ પ્રાપ્ત થયા પછી વાલ્મીકિએ નારદજીને પૂછયું..''હવે હું શું કરું.. મને કાંઇક પ્રવૃત્તિ આપો '' નારદજીએ કહ્યું મહર્ષિ આજથી તમારી જીભ પર મહાદેવી સરસ્વતી બિરાજમાન થશે. તેમના પ્રતાપે તમે રામાયણ ગ્રંથની રચના કરશો.'' એમ કહી તેઓશ્રી અંતર્ધાન થયા.
ત્યાર પછી તમસા નદીને કિનારે આશ્રમ બનાવી વાલ્મીકિ રહેવા લાગ્યા. એક દિવસ સારસ પક્ષીનું જોડું આનંદ કરતું ફરી રહ્યું હતું તેવામાં એક પારધીએ તીર છોડતાં એ સારસ પક્ષીનું જોડું વિંધાયું. આ જોઈ ઋષિનું હૃદય દ્રવી ઉઠયું અને તેમના મુખમાંથી શ્લોક સરી પડયો.
મા નિશાદં પ્રતિષ્ઠાં ત્વગમા સાશ્વતી સખા
યત્કૌંચ મિયુનાદેકમ વધી કામ મોહિતમ્ ।।
આ રામાયણ ગ્રંથનો પહેલો શ્લોક.
નારદજીએ આશ્રમમાં આવી રામાયણની કથા સંભળાવી પછી તો શ્લોકો રચતા ગયા અને વાલ્મીકિ રામાયણ ગ્રંથની રચના થઇ, તેમાં સંસ્કૃત ભાષામાં ૨૪૦૦૦ શ્લોક છે. આ રીતે એક અમૂલ્ય ગ્રંથની રચના થઇ.
- તારક દિવેટીયા