Get The App

વૈદ્ય શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી: અનોખા લોકપ્રિય નવલકથાકાર

આંખ છીપ, અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી

એકસો સિત્તેર જેટલી વિશાળ નવલકથાઓના લેખક, કવિ, પત્રકાર, નાટયકાર, વૈદ્ય

Updated: Jan 9th, 2019


Google NewsGoogle News
વૈદ્ય શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી: અનોખા લોકપ્રિય નવલકથાકાર 1 - image


ગાંધીયુગીન સાહિત્યકારોમાં જૈન સાહિત્યકારોનું પણ વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. વૈદ્ય શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી પ્રસિધ્ધ નવલકથાકાર તરીકે એવા સમયમાં પોતાનું મૂલ્યવાન સાહિત્ય પ્રદાન કરી ગયા જે સમયે ગુજરાતી સાહિત્યકારોનો ચોતરફ ડંકો વાગતો હતો. શ્રી મોહનલાલ ધામી જૈન સાહિત્યકથા દ્વારા જ આગળ આવ્યા પણ તેમની લોકપ્રિયતા કલ્પનાતીત હતી.

વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામીએ સાહિત્યના લગભગ તમામ ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે. બાલસાહિત્ય, પ્રવાસકથા, નિબંધ, જીવનચરિત્ર, નવલકથા, વાર્તા, ધર્મ, ઇતિહાસ વગેરે તેમના લેખનનાં ક્ષેત્રો રહ્યાં. શ્રી મોહનલાલ ધામી મોટા ગજાના લેખક છે. તેમણે ૧૭૦ નવલકથાઓ લખી છે. તેઓ શીઘ્ર કવિ પણ હતા.

તેમણે ૨૦૦ જેટલા લોક ગીતો અને ચારણી ગીતો પણ લખ્યા છે. તેમના ૩ નાટકો તેમના સમયમાં ભજવાયા અને સફળ પણ થયા. તેમણે ૨ ગુજરાતી ફિલ્મો 'વરઘેલી' અને 'ભણેલી વહુ'ના ગીતો, કથા, સંવાદ લખીને પોતાની વિશિષ્ટતા પુરવાર કરી છે. એ જાણીને આશ્ચર્ય થશે કે તેમની 'રૂપકોશા' નામની નવલકથા મહારાષ્ટ્રની યુનિવર્સીટીમાં અનુસ્નાતક કક્ષાએ ભણાવવામાં આવી રહી છે. અને તેનું અંગ્રેજી અને હિન્દીમાં રૂપાંતર પણ થયું છે.

શ્રી મોહનલાલ ધામી જાણીતા વૈદ્ય પણ હતા. આર્યુવેદમાં તેમણે 'આર્યુવેદ ભૂષણ' અને 'આર્યુવેદ શાસ્ત્રી'ની પરીક્ષા આપીને જ્યારે વૈદ્ય તરીકે કાર્યનો પ્રારંભ કર્યો ત્યારથી કોઈપણ દર્દીના પૈસા ન લેવાનો સંકલ્પ કર્યો અને આજીવન પાળ્યો !

ગાંધીજીના સમયમાં કોઈપણ વ્યકિત આઝાદીના સંગ્રામમાં ન જંપલાવે તેવું બને જ નહિ. શ્રી મોહનલાલ ધામી પણ આઝાદીના આંદોલનમાં જોડાયા. જોશીલા પ્રવચનો કરીને મહારાષ્ટ્રના ગામડાઓમાં ગાંધીજીનો સંદેશો પહોચાડયો.

શ્રી મોહનલાલ ધામી સફળ પત્રકાર પણ રહ્યા. તેમણે' જયહિંદ'માં વર્ષોપર્યન્ત અગ્ર લેખો લખ્યા.

મોહનલાલ ધામી એક સાથે પાંચ-પાંચ અખબાર અને સામયિકમાં નવલકથાઓ લખતા અને તેમની લોકપ્રિયતાને કારણે તે અખબાર અને સામયિકનું વાચકવૃંદ પણ વધી જતું. મોહનલાલ ધામીએ લખેલી નવલકથાઓમાં ડીટેક્ટીવ કથાઓ પણ છે, સામાજિક કથાઓ પણ છે પરંતુ વધારે તો જૈન કથાઓને જ તેમણે નવલકથા તરીકે વિકસાવી છે.

આ નવલકથાઓ જૈન પરંપરાને અનુસરતી અને ખાસ કરીને રૂઢી ચુસ્ત પરંપરાને જાળવતી હોવા છતા એટલા માટે લોકપ્રિય બની કે તેમાં વાર્તારસ અખંડ જળવાયો અને મોહનલાલ ધામીએ તે સમયનું વાતાવરણ એવું સુંદર રજુ કર્યું કે તેમની નવલકથાઓ ખૂબ વંચાઈ અને અનેક આવૃત્તિઓ પણ થઈ. આ કથાઓમાં કાપાલીકની વાતો પણ ઘણી આવતી અને શૃંગાર રસ પણ વ્યાપક રહેતો તે છતાંય જૈન કથાનો મર્મ તેમણે તપ, ત્યાગ અને સંયમ દ્વારા અચૂક પ્રગટ કર્યો.

શ્રી ધામીના સમયમાં અનેક લેખકો હતા પણ તેમના જેટલું વિશાળ સાહિત્ય અન્ય કોઈએ લખ્યું હોય તેવું લાગતું નથી. તેઓ એક સિદ્ધહસ્ત નવલકથાકાર હતા તેમાં બે મત નથી.

ક્યારેક એવું લાગે છે કે, વીસમી સદીની જૈન નવલકથાઓ વિશે અભ્યાસ કરવો જોઈએ અને તે માટે એક સેમિનારનું આયોજન કરવું જોઈએ. જૈન નવલકથાકારોની સંખ્યા બહુ મોટી નથી પણ જેટલી નવલકથાઓ લખાઈ છે તેનું મૂલ્ય મોટું છે. શ્રી ધામીની નવલકથાઓમાં જૈનધર્મ, રાજનીતિ, સમાજધર્મ, યતિધર્મ અને કલ્પનોડ્ડયન વગેરે તપાસવા જેવા છે. જૈન કથાઓમાં એવું ઘણીવાર બને છે કે, એક કથા બીજી કથામાં મળી જાય છે અને ઘણી કથાઓમાં માત્ર કલ્પના જ લાગે છે.

આ વિશે સંશોધન કરવું જોઈએ.મોહનલાલ ધામી બાળપણથી ધાર્મિક વાતાવરણમાં ઊછર્યા અને ધાર્મિક પાઠશાળામાં ભણીને તેમણે જે પ્રાપ્ત કર્યું તે તેમના સર્જનમાં પ્રગટ થાય છે. કહે છે કે શ્રી ધામીએ બાળપણમાં દીક્ષા લેવા માટે ભાવના પ્રગટ કરેલી પણ તે પૂરી ન થઈ તેથી તેમણે આજીવન દૂધપાકનો ત્યાગ કર્યો હતો.

શ્રી ધામી તીર્થોની યાત્રા કરવા જતા અને ત્યાં રોકાઈને તેની આસપાસના વાતાવરણને સમજવા કોશીષ કરતા. જૈન મુનિઓના શરણમાં નિયમિત જઈને બેસતા અને તેમની પાસેથી ઉપદેશ પણ ગ્રહણ કરતા. કોઈ મુનિવરનો કંઠ સરસ છે તેવું જાણે તો તેમની પાસે સ્તવન અને સજ્ઝાય અચૂક સાંભળતા અને આ તમામ પ્રસંગોમાં ઝીલાયેલી પ્રેરણા તેમના લેખનમાં ઝળહળી ઉઠતી.

વીસમી સદીના જૈન સાહિત્યકારોમાં શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી સૌથી વધારે લોકપ્રિય થયા અને જૈનકથાઓને વિશાળ સમાજ સુધી પહોચાડીને લોકભોગ્ય બનાવનાર થયા. આ સિદ્ધી માટે તેમને હંમેશાં યાદ કરવામાં આવશે.

પ્રભાવના

જૈન શ્રેષ્ઠિ ત્રિલોકચંદ કોઠારી જણાવે છે કે અમેરિકા, ફિનલેન્ડ, સોવિયત ગણરાજ્ય, ચીન, મંગોલીયા, તિબેટ, જાપાન, ઇરાન, તુર્કસ્તાન, ઇટલી, એબીસીનીયા, ઇથોપીયા, અફઘાનીસ્તાન, નેપાળ, આજનું પાકિસ્તાન વગેરે વિભિન્ન દેશોમાં વર્તમાન કાળમાં જૈનધર્મના સિદ્ધાતોનું પાલન કોઈને કોઈક સ્વરૂપે પ્રગટ થતું હોય છે.

આ દેશોમાં મધ્યકાળમાં આવાગમનનો અભાવ, એકબીજાની ભાષાનો અપરિચય, રહન સહન, ખાનપાનમાં ભિન્નતાના કારણે જૈનધર્મનો પ્રાચીન સંબંધ ભુલાઈ ગયો. ત્યાં વિશેષ અને વ્યાપક સંશોધન કરવું જોઈએ.


Google NewsGoogle News