Get The App

'કટુતા પણ કૃપા બની શકે' .

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
'કટુતા પણ કૃપા બની શકે'                                        . 1 - image


- ''તુલસીદાસ લોહી, માંસ, હાડકાં અને ગંદકીથી ભરેલા નશ્વર અપવિત્ર દેહ પર તો કોઈ મૂરખ જ મોહ પામે ! ધિક્કાર છે તમને. અરે, આટલો મોહ, આટલી ચાહ, આટલી તાલાવેલી, ભગવાનમાં રાખી હોત તો - બેડો પાર થઈ જાત. જનમ સફળ થઈ જાત !!"

(ભાગ : ૨)

તુલસીદાસના લગ્ન એક સ્વરૂપવાન યુવતિ સાથે થયા હતા. તે પત્ની વગર એક દિવસ રહી શકતા નહિ. પત્ની પર તે આસક્ત હતા. એક દિવસ કામ માટે બહાર હતા ત્યારે પત્ની તેના ભાઈ સાથે તેમને કહ્યા વગર પિયર જતી રહી. તુલસીદાસને ઘર ખાલી ખાલી લાગ્યું. તે બેચેન થઈ ગયા. પત્ની પ્રત્યે એટલો લગાવ હતો કે કંઈપણ વિચાર્યા વગર અડધી રાતે મળવા તેના ઘેર પહોંચી ગયા. પત્ની તો આટલી રાતે તુલસીદાસને જોઈ ચકિત થઈ ગઈ. તેણે આવેશમાં આવીને કહ્યું "તુલસીદાસ!   આ શું ? આવી અંધારી રાતે વરસતા વરસાદમાં તમે અહીં ? મને જોવા આવ્યા ? મારા આ હાડ-માંસથી ભરેલા દેહમાં આટલી આસક્તિ ? તુલસીદાસ લોહી, માંસ, હાડકાં અને ગંદકીથી ભરેલા નશ્વર અપવિત્ર દેહ પર તો કોઈ મૂરખ જ મોહ પામે ! ધિક્કાર છે તમને. અરે, આટલો મોહ, આટલી ચાહ, આટલી તાલાવેલી, ભગવાનમાં રાખી હોત તો - બેડો પાર થઈ જાત. જનમ સફળ થઈ જાત !!" વીજળીના કડાકા વચ્ચેય તુલસીદાસના કાન સૂન્ન થઈ ગયા. પત્નીના તીખા, આકરા શબ્દો દિલ પર ભોંકાઈ ગયા. શિષ્ય ગુરૂને પગે લાગે એમ તે બે હાથ જોડી નીકળી ગયા. ત્યાંથી પ્રયાગ જઈ સાધુવેશ ધારણ કર્યો. ધ્યાન, મનન અને ભક્તિમાં લીન થઈ ગયા. કહેવાય છે તેમને શ્રી હનુમાનજી, ભરદ્વાજ અને યાજ્ઞાવલ્કયજીના દર્શન થયા અને તેમણે શ્રીરામ ભક્તિનો માર્ગ બતાવ્યો. આ જ તુલસીદાસે 'શ્રીરામચરિતમાનસ'ની રચના કરી. પત્નીએ સંભળાવેલાં કડવાં વેણ તેમના માટે રામકૃપા થઈ ગયા.

કોઈ આપણા વિષે તીખું, અપ્રિય કે ખરાબ બોલે તો તરત પ્રતિભાવ ના આપવો. બને તો મૌન રહેવું. થોડો વિચાર કરવો. શું આપણા વિષે કહેલા શબ્દો સાચા હોઈ શકે ? આપણામાં પણ ઊણપ હોઈ શકે ? જો મન 'હા' કહે તો એ કટુ વાણીને 'ભૂલ સુધાર' રૂપે સમજી મનોમન એ વ્યક્તિનો આભાર માનવો. અને ફરી એવી ભૂલ ના થાય તેની કાળજી રાખવી. પણ જો કર્કશ શબ્દો આપણને વિચલિત કરવા જ બોલાયેલા હોય તો જાતને દોષિત માની દુ:ખી ના થવું. એ વ્યક્તિને નાદાન સમજી જતો કરવો. કોઈને નિમિત્ત બનાવી કટુતા એક હાથમાં વાણીની છીણી અને બીજા હાથમાં વર્તનનો હથોડો લઈ સામે આવે ત્યારે થોડા ઘા સહન કરી લેવા. કારણ કે ઈશ્વરની કૃપા હશે તો એ જ કટુતા કોતરી કોતરીને આપણા જીવનને સુંદર ઘાટ આપશે.

અમેરિકામાં સેમ્યુઅલ નામનો એક વિજ્ઞાાની. સંશોધક હતો. તે ચિત્રકાર પણ હતો. આબેહૂબ ચિત્ર (ઁર્િંટ્વિૈં) બનાવતો, તેનાથી તેનું ગુજરાન ચાલતું. પૈસા હતા. પ્રતિષ્ઠા હતી. સુંદર પત્ની અને બાળકો હતા. કુટુંબ સુખી હતું. કોઈ વાતની કમી નહોતી. એકવાર વેકેશનમાં પત્ની બાળકો સાથે પિયર ગઈ. સેમ્યુઅલ ઘરમાં એકલો હતો. થોડા દિવસ બાદ એક પત્ર મળ્યો, "જલ્દી આવો. પત્ની અંતિમ અવસ્થામાં તમને યાદ કરી રહી છે." પત્ર વાંચતાં જ તેને આઘાત લાગ્યો. પત્ની મૃત્યુ પામી હતી. આ આઘાત જીરવવો મુશ્કેલ હતો. જો તેને સમયસર પત્ર મળી ગયો હોત તો અંતિમ સમયે પત્નીને મળી શકત. કુદરતની આ કઠોરતાએ તેને હચમચાવી મૂક્યો. ત્યારપછી તેના જીવનની દિશા બદલાઈ ગઈ. જે સંદેશાના વિલંબે તે તેની પત્નીને ના મળી શક્યો, એવો સંદેશો ટપાલ કરતાં વધુ ઝડપી કેવી રીતે મોકલી શકાય તેની શોધ કરવામાં લાગી ગયો. દિવસ રાત એક કરી ત્રણ વર્ષે તેણે ટેલિગ્રાફ વીજળીની મદદથી સંદેશો મોકલનાર યંત્રની શોધ કરી. તે સમયે ટેલિગ્રાફની શોધ એક અજાયબી હતી. આખી દુનિયાના વ્યવહારો ટપાલ કરતાં ઝડપી બની ગયા.

પાનખરમાં પાંદડાં ખરી જાય તોય વૃક્ષ મરતું નથી. તેના મૂળિયાં માટીમાંથી ભીનાશ ચૂસી લે છે. ઋતુ બદલાય છે. શ્રાવણ આવે છે. કૃપાના અમીછાંટણા થાય છે. ફરી એકવાર વૃક્ષ લીલુંછમ્મ થઈ જાય છે. વૃક્ષ તોફાની હવા કે ધગધગતા સૂરજને દોષ દેતું નથી. ફરિયાદ કરતું નથી. એ તો ફરી અંકુરિત થવાનો આભાર માની મઝા માણે છે, ના તેને પાંદડાં ખર્યાનો અફસોસ છે ના સહેજેય કડવાશનો.

શ્રી રામ જ્યારે વનવાસના વર્ષો પતાવી અયોધ્યા પાછા ફર્યા ત્યારે તેમણે માતા કૈકેયીએ માંગેલા બે અવિચારી વરદાનથી અયોધ્યા અને કુટુંબને કેટલી યાતના ભોગવવી પડી તેની યાદી ગણાવી નહોતી. (પ્રભુ જાની કૈકેય લજાની. પ્રથમ તાસુ ગૃહ ગયે ભવાની) પણ શ્રી રામે જોયું કે માતા કૈકેયી તેમના માંગેલા વરદાનથી લજ્જિત છે ત્યારે સૌ પ્રથમ તેમને મળવા ગયાં. કૈકેયી રામને જોઈને સંકોચાય છે. નજર ફેરવે છે. રામ નમ્રતાથી કહે છે "માતા, જે થઈ ગયું તે થઈ ગયું. તેનાથી ક્ષોભ પામી પસ્તાઈને સંકોચાવાની જરૂર નથી. હું તો તમારો આભાર માનવા આવ્યો છું. હે માતા, મારા ગયા બાદ પિતાએ દેહ ત્યાગ કર્યો એથી સમજાયું કે પિતા મને કેટલો પ્રેમ કરતા હતા. ભરત જેવા ભાઈનો ત્યાગ, લક્ષ્મણની ભાતૃભક્તિ, સીતા અને ઊર્મિલાનું પતિવ્રતાપણું, માતાઓનો સ્નેહ જોવા મળ્યો. સીતાની શોધ અને લક્ષ્મણની મૂર્છા વખતે હનુમાનના બાહુબળનો પરિચય થયો. મુનિ અગસ્ત્ય, ભરદ્વાજ અને વાલ્મીકિ જેવા મહાજ્ઞાાનીનો ભેટો થયો. શબરી અને જટાયુની ભક્તિ જોવા મળી. વિરાધ, મારીચથી માંડીને રાવણ સાથે યુદ્ધ કરી અધર્મીઓનો નાશ કરવામાં મારી દેહશક્તિ અજમાવવાની તક મળી. ચિત્રકૂટ કિષ્કિંધા, વિશાળ નદીઓ અને ફેલાયેલા સમુદ્રના દર્શન થયા. નાના-નાના ગામોનો પગપાળા પ્રવાસ કરી પરિચય થયો. ચૌદ વરસની યાત્રાનો યશ હું તમને આપું છું. "રામે કૈકેયીના બે કટુ વચનો છતાંય તેમની કૃપા યાદ રાખી."

કર્મફળ મુજબ જન્મ આપવો ઈશ્વરના હાથમાં છે. કોઈને વારસામાં અતિ સગવડિયું સુખ મળે. કોઈને સુખ ઓછું અને દુ:ખ વધારે મળે. જેને પીડા મળી હોય તેમણે મિજાજ ગુમાવ્યા વગર ધીરજ રાખવી. જેમ કંજૂસ દાબડીમાં કિંમતી દાગીનો સાચવી રાખે એમ શ્રદ્ધા સાચવી રાખવી. જો ઈશ્વરીકૃપા અને જાત પર ભરોસો હશે તો ગમે તેવી મુશ્કેલીમાં પણ માણસ ટટ્ટાર ઊભો રહી શકશે. કોઈને છેતરવા તેની લાગણી સાથે રમત ના રમવી. કારણ કે એને તો ક્યાંકથી સહાય મળી જશે પણ નંદવાયેલા હૈયાની 'હાય' છેતરવાની જિંદગીમાં કાયમી કડવાશ ભરી દેશે. જિંદગીની ફિલસૂફી પણ કેવી છે, ઈશ્વરની કૃપા કોને કહેવાય તેની ખબર કઠિન પરિસ્થિતિથી માણસ થાકી જાય, હારી જાય, લાચાર થઈ જાય અને અચાનક અજાણી રાહત મળી જાય ત્યારે સમજાય છે.

- સુરેન્દ્ર શાહ

Dharmlok

Google NewsGoogle News