Get The App

'કટુતા પણ કૃપા બની શકે' .

Updated: Feb 5th, 2025


Google News
Google News
'કટુતા પણ કૃપા બની શકે'                                        . 1 - image


- ''પિતાજી, તમે કહેતા હતા કે દાન આપવાની સામગ્રી ઉત્તમ હોવી જોઈએ, પ્રિયમાં પ્રિય વસ્તુનું દાન કરવંઅ જોઈએ તો તમે આવી દુબળી ગાયો દાનમાં આપવા કેમ તૈયાર થયા છો? ધર્મની દ્રષ્ટિએ આ સારૂં ના ગણાય!'' પુત્ર નચિકેતાની ડાહ્યી વાતો પિતાને ગમતી નહોતી.

કઠોપનિષદમાં પિતાપુત્રની એક વાત આવે છે. ઉદ્દાલકના પુત્રનું નામ નચિકેતા હતું. એક વખત ઉદ્દાલકે વિશ્વજિત નામનો યજ્ઞા કરાવ્યો. યજ્ઞા પતાવી બ્રાહ્મણોને દક્ષિણા આપવા ગાયો લાવવામાં આવી. નચિકેતા ત્યાં ઊભો હતો. તેણે ગાયો જોઈ. કેટલીક ગાયો સાવ દુબળી, બેડોળ, નિર્બળ અને વૃધ્ધ હતી. નચિકેતા બાળક હતો પણ જાણતો હતો કે દાનમાં હંમેશાં શ્રેષ્ઠ અને પ્રિય વસ્તુ અપાય છે. તેને આવું ઊતરતી કક્ષાનું દાન આપવાનું ના ગમ્યું. ''પિતાજી, તમે કહેતા હતા કે દાન આપવાની સામગ્રી ઉત્તમ હોવી જોઈએ, પ્રિયમાં પ્રિય વસ્તુનું દાન કરવું જોઈએ તો તમે આવી દુબળી ગાયો દાનમાં આપવા કેમ તૈયાર થયા છો ? ધર્મની દ્રષ્ટિએ આ સારૂં ના ગણાય!'' પુત્ર નચિકેતાની ડાહ્યી વાતો પિતાને ગમતી નહોતી. તે સંસારી હતા. ટૂંકી દ્રષ્ટિવાળા હતા. ''પિતાજી, જો દાનમાં પ્રિય વસ્તુ આપવાની હોય તો હું તમને સૌથી પ્રિય છું. તમે મને કોને દાન આપવાના છો ?'' આવા પ્રસંગે પુત્રની શાણી વાતો પિતાને પસંદ ના પડી. તે સહન ના કરી શક્યા. ''પિતાજી બોલોને! (તત કસ્મૈ માં દાસ્યસીતિ) મને દાનમાં કોને આપશો ?'' ઉદ્દાલકનો ગુસ્સો વધતો ગયો. તે વધારે અશાંત થઈ ગયા. છંછેડાઈ ગયા. આવેશમાં આવી કહી દીધું. ''જા મર! (મૃત્યવે ત્વાં દદામીતિ) હું તને મોતને દાનમાં આપું છું!''

નચિકેતા પિતાના વચન સાંભળતો રહ્યો. પણ તે શાંત હતો. તેને પિતાના વચનમાંથી ઈશ્વરી સંકેત દેખાયો. તે પિતાની આજ્ઞા લઈ ખરેખર યમલોક પહોંચી ગયો. સંજોગવશાત યમદેવતા સદનમાં નહોતા. નચિકેતા ત્રણ દિવસ સુધી ભૂખ્યો-તરસ્યો બહાર બેસી રહ્યો. ત્રણ દિવસ બાદ યમદેવતા આવ્યા. તેને અંદર બોલાવ્યો. ''નચિકેતા, તુ અમારો અતિથિ હતો. તારે ત્રણ દિવસ ભૂખે-તરસે રહેવું પડયું. તેનો મને ખેદ છે. હવે તું ત્રણ વરદાન માંગી લે જેથી મને શાંતિ વળે.'' વરદાન માંગવાની વાત થતાં જ નચિકેતાને પહેલો વિચાર પિતાનો આવ્યો. તેમના કટુવર્તનથી જ યમદેવતાને મળવાની તક મળી હતી. આત્મજ્ઞાન અને મૃત્યુરહસ્ય જાણવાનો અવસર મળ્યો હતો. તેણે પહેલા વરદાનમાં માંગ્યું. ''હે મૃત્યુદેવ, મારા પિતા (શાંત સંકલ્પઃ) શાંત ચિત્ત વાળા (સુમનાઃ) પ્રસન્ન મનવાળા (વીતમન્યુઃ) ક્રોધ વગરના થાય. અને હું અહીંથી પાછો ઘેર જાઉં ત્યારે સહેજ પણ નાખુશ થયા વગર વાત્સલ્ય ભાવથી પ્રેમપૂર્વક મને મળે.''

ટૂંકી દ્રષ્ટિવાળા સંસારી માણસોના મનમાં ઘર કરી ગયેલી કડવાશ., અધીરાઈ, અસંતોષ કે અધૂરી વાસનાઓની તાણ ક્યારેક કટુતા તરીકે બહાર આવી જાય છે. When the heart is afire, Some sparks will fly out of the mouth. જ્યારે દિલમાં આગ ભડકી ઊઠી હોય ત્યારે તેના કેટલાક તણખાઓ ઊડીને બહાર આવી જાય છે. પણ એ ચિનગારી અણસમજુને દઝાડે છે. વગર વિચારે બોલી નાખવું એટલે નિશાન તાક્યા વગર ગોળી ચલાવવા જેવું છે. ઘણીવાર કટુવર્તનથી ઘાયલ થયેલું મન ધડથી છુટી પડેલી ગરોળીની પૂંછડીની માફક તરફડે છે. બદલો લેવાની ભાવના જાગે છે. ઘણા અહંકારી માણસ એમ સમજે છે કે પોતાની મોટાઈ કાયમ રાખવા માટે વાણીમાં જેટલી કડવાશ રખાય એટલી વધારે લોકોમાં ધાક રહે ! પણ આ રીતે સંબંધોમાં ખટાશ વધે છે. કડવાશ, ધાક, જોહુકમી, કટુતા કે અળગાપણું અંગત સંબંધોમાં એક પ્રકારનો અણગમો વધારી દે છે. વિવેક કે સંસ્કારને ગુલાબના છોડની માફક ઉછેરવો પડે છે, કટુતા ઘાસની માફક ગમે ત્યાં ઊગી નીકળે છે, પણ સમજદાર માણસે બીજાના વર્તનની ફૂટપટ્ટીથી નહિ ઈશ્વરી કૃપાની ફૂટપટ્ટીથી પોતાની આંતરિક લાગણી માપવી જોઈએ આત્મલક્ષી માણસો ઈન્દ્રિયોની કામનાઓના ઢગલામાંથી પણ આત્મઉધ્ધારક સંસ્કારને શોધી કાઢે છે. આત્મનિયંત્રણના અભાવે ઘણા માણસો જીવનમાં આવેલી મુશ્કેલી જોડે આથડતા રહે છે જ્યારે સંયમી માણસ ધૈર્યથી, સ્વસ્થતાથી ગમે તેવી કડવી પરિસ્થિતિ સહન કરી પોતાની જાત બચાવી તેમાંથી પોતાને ઉપકારક શોધી જીવન જીવવાનો રસ્તો શોધી કાઢે છે. તે દરેક ક્ષણે બદલાની સ્થિતિમાં ઈશ્વર કૃપા જુએ છે.

પેરિસમાં એક અભણ લુહારનું કુટુંબ રહેતું હતું. એક દિવસ ભઠ્ઠી પાસે બેસી લુહાર ઘોડાગાડીનું સમારકામ કરતો હતો. સળગતી ભઠ્ઠીમાં લોખંડનો સળિયો તપી રહ્યો હતો. થોડી થોડી વારે તે સળિયો બહાર કાઢી જરૂરી આકાર આપવા તેને ટીપી રહ્યો હતો. લુહારનો છોકરો રમતો રમતો ભઠ્ઠી પાસે ક્યારે આવીને ઊભો રહ્યો તેની તેને ખબર ના પડી. અચાનક સળિયો દીકરાને અડી ગયો. તેની આંખો ગરમ સળિયાથી દાઝી ગઈ. સારવાર શરૂ થઈ. ડોક્ટરો બદલ્યા. ઘણી દેખરેખ રખાઈ. પણ દીકરો આંખે આંધળો થઈ ગયો. પસ્તાવાનો પાર નહોતો. જીવન કડવુંવખ થઈ ગયું હતું. શોક છવાઈ ગયો હતો. પણ દીકરો ઉત્સાહી હતો. તે આંખના બદલે આંગળીઓથી વસ્તુઓ ઓળખવા લાગ્યો. તેની આંગળીઓ આંખો બની ગઈ. લૂઈ બ્રેઈલ નામના એ છોકરાએ પંદર વરસની ઉંમરે એક અજબ સ્પર્શલિપિની શોધ કરી. તેણે પ્રયોગો કર્યા. એક નિબંધ તૈયાર કર્યો. અને આમ જિંદગીમાં ભળેલી કડવાશને મિઠાસમાં ફેરવી દીધી. તેણે અંધજનો માટે બ્રેઈલ લિપિની શોધ કરી. આજે કરોડો અંધજનો એ લિપિથી અક્ષરજ્ઞાન મેળવે છે. કટુતાને પણ ઈશ્વરની કૃપા સમજી જીવનને આનંદનો ઓચ્છવ બનાવી દીધું.

ચાહે વર્તન હો, વાણી હો, કે કુદરતી રીતે આવેલી કટુતા હો. સંસ્કારી માણસ તેને ભીતર રહેલી શક્તિને ઓળખવાની તક સમજે છે. કડવું વચન સાવરણી જેવું હોય છે. તે બોલનારને મેલો કરે છે. પણ વ્યક્તિને સાફ કરે છે. ગમે તેવી કટુતાથી ફેંકાયેલા કાંકરા પણ પ્રભુકૃપાથી સંસ્કારી માણસના હાથમાં આવી હીરા બની

જાય છે. (ક્રમશઃ)

- સુરેન્દ્ર શાહ

Tags :
Dharmlok-magazine

Google News
Google News