હોળી સંગે ધૂળેટી રંગે .
ત હેવારો આપણી સાંસ્કૃતિક પરંપરાના રક્ષકો છે. આપણે ત્યાં ઉજવાતા તહેવારોમાં કેટલાક ધાર્મિક તહેવારો તેમની ભક્તિ અને પવિત્રતાને કારણે આગવું સ્થાન ધરાવે છે. દરેક પર્વમાં કોઈને કોઈ સંદેશ સમાયેલો છે. દિવાળીનો તહેવાર પ્રકાશનો સંદેશો આપે છે, રક્ષાબંધનનો તહેવાર ભાઈબહેનના સ્નેહની ગૌરવગાથા કરે છે અને દશેરા બુરાઈ પર ભલાઈની જીતને સુચિત કરે છે.
હોળી ભારતીય જનતાના પ્રાણનો પર્વ છે. તે ઋતુરાજ વસંતની માદકતા અને મહેકતાનો સંદેશ છે. જ્યારે વનસ્પતિ સૃષ્ટિમાં નવજીવનનો સંચાર થાય છે, ત્યારે 'ઝૂમે જમીન ઝૂમે આસમાનના મનોહર દ્રશ્ય દૃષ્ટિગોચર થાય છે. નવી ફસલોને કારણે કિસાનની આંખોમાં સંતોષ છલકાય છે, ત્યારે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોળીનો મસ્તીભર્યો પર્વ ઉજવાય છે. હોળી સંબંધી કેટલીક પૌરાણિક કથા પ્રચલિત છે. દાનવરાજ, હિરણ્યકશ્યપ સ્વયં પોતે ઇશ્વર બનવા માંગતો હતો, પરંતુ તેનો પોતાનો પુત્ર જે ઇશ્વર ભક્ત બનીને તપસ્યા કરતો હતો, તે તેની આંખમાં ખૂંચતો હતો. હિરણ્યકશ્યપ તેનો નાશ કરવા ઇચ્છતા હતા અરરર્. કેટલો હિંસક અને દુષ્ટ વિચાર.. હિરણ્યકશ્યપે ઇશ્વર બનવાની ઇચ્છા પૂર્ણ કરવા માટે પોતાની બહેન હોલિકાની મદદ લીધી. હોલિકા પ્રહલાદને ગોદમાં લઈને બેસી ગઈ. હોલિકાને આગમાં ન બળી શકે તેવું વરદાન હતું. પરંતુ પ્રહલાદની ભક્તિ જુઓ, આગમાં બેસીને પણ તે પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરતો રહ્યો. અને હવે તેના પ્રભુની લીલા જુઓ. અદ્ભુત અને અલૌકિક લીલા..પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો, અને હોલિકા બળી ગઈ, આ રીતે બુરાઈ ઉપર ભલાઈનો વિજય થયો. હોળી આધ્યાત્મિક પર્વ છે. હોળીના દિવસે લોકો ઉપવાસ કરે છે. ફાગણ પૂર્ણિમાની રાત્રે એટલે કે હોળીની રાત્રે, લાકડા, છાણાં અને ઘાસફૂસથી હોળી પ્રગટાવવામાં આવે છે. મહિલાઓ નારિયેળ, કંકુ અને અક્ષત વડે તેની પૂજા કરીને જળ ચડાવે છે.
- ભારતી પી.શાહ