સર્વ પ્રકારની વિપત્તિઓનો નાશ કરનારી દુર્ગા બત્રીસી નામમાળા
- ''તમારા પુજનથી હું સંતુષ્ટ છું તમારી જે ઇચ્છા હોય તે માગો. હું તમને દુર્લભ વસ્તુ પણ આપીશ''
શરણાગતદીનાર્ત પરિત્રાણયરાયણે
સર્વસ્યાર્તિહરે દેવિ નારાયણિ નમોસ્તુતે ।।
આ પણા જીવનમાં આવતી સર્વ પ્રકારની વિપત્તિઓના નાશ માટેનો એક અમોધ ઉપાય છે ''દુર્ગા બત્રીસી નામમાળા'' આ સ્તુતિમાં જગદંબાનાં બત્રીસ નામોનો સમાવેશ થાય છે. જે મનુષ્ય દુર્ગા બત્રીસી નામમાળા પાઠ કરે છે તે બધા પ્રકારના ભયમાંથી મુક્તિ મેળવે છે.
આ સ્ત્રોતના મહિમાની વાત જાણીએ તો બ્રહ્મા સહિત બધા દેવતાઓએ વિવિધ ઉપચારોથી મા દુર્ગાનું પૂજન કર્યું ત્યારે માએ દેવતાઓને કહ્યું કે, ''તમારા પુજનથી હું સંતુષ્ટ છું તમારી જે ઇચ્છા હોય તે માગો. હું તમને દુર્લભ વસ્તુ પણ આપીશ.'' દેવતાઓએ માને કહ્યું કે, ''આપે મહિષાસુરને માર્યો છે, તેનાથી સમગ્ર જગત નિર્ભય થઇ ગયું છે. અમને પણ અમારા પદ પાછા મળી ગયા છે. અમે આપની શરણમાં આવ્યા છીએ. આપની કૃપાથી સહુ ભયમુક્ત થયા છે પરંતુ આપને એક વસ્તુ પુછવા ઇચ્છીએ છીએ કે હે માતે એવો કયો ઉપાય છે જેનાથી આપ સત્વરે પ્રસન્ન થઇને સંકટમાં પડેલા જીવનું રક્ષણ કરો છો ? આ વાત ગોપનીય હોય તો પણ અમને અવશ્ય બતાવો.''
મા દુર્ગાએ દેવતાઓને કહ્યું કે, ''હે દેવો સાંભળો. આ રહસ્ય અત્યંત ગોપનીય અને દુર્લભ છે. મારા બત્રીસ નામોની માળા બધા પ્રકારની આપત્તિઓનો નાશ કરનારી છે. ત્રણેય લોકમાં આના જેવી અન્ય કોઇ સ્તુતિ નથી.'' આ પછી માએ ભક્તોને પોતાના બત્રીસ નામો બતાવ્યા જે નીચે મુજબ છે.
(૧) દુર્ગા (૨) દુર્ગતિશમની (૩) દુર્ગાયદ્ધિનિવારિણી (૪) દુર્ગમચ્છેદિની (૫) દુર્ગસાધિની (૬) દુર્ગનાશિની (૭) દુર્ગતોદ્ધારિણી (૮) દુર્ગનિહંત્રી (૯) દુર્ગમાપહા (૧૦) દુર્ગમજ્ઞાાનદા (૧૧) દુર્ગદૈત્યલોકદવાનલી (૧૨) દુર્ગમા (૧૩) દુર્ગમાલોકા (૧૪) દુર્ગમાત્યસ્વરૂપિણી (૧૫) દુર્ગમાર્ગપ્રદા (૧૬) દુર્ગમવિદ્યા (૧૭) દુર્ગમાશ્રિતા (૧૮) દુર્ગમજ્ઞાાનસંસ્થાતા (૧૯) દુર્ગમધ્યાનભાસિની (૨૦) દુર્ગમોહા (૨૧) દુર્ગમગા (૨૨) દુર્ગમાર્થસ્વરૂપિણી (૨૩) દુર્ગમાસુરસંહંત્રી (૨૪) દુર્ગમાયુદ્ધધારિણી (૨૫) દુર્ગમાંગી (૨૬) દુર્ગમતા (૨૭) દુર્ગમ્યા (૨૮) દુર્ગમેશ્વરી (૨૯) દુર્ગભીમા (૩૦) દુર્ગભામા (૩૧) દુર્ગભા (૩૨) દુર્ગદારિણી.
કોઇપણ મનુષ્ય શત્રુઓથી ત્રસ્ત હોય અથવા દુર્ભેધ બંધનમાં પડેલો હોય તે આ બત્રીસ નામોનો પાઠ કરે તો સંકટમાંથી છુટકારો મેળવી લે છે. કોઇ માનવી યુદ્ધમાં સંકટોથી ઘેરાઈ જાય કે હિંસક પશુઓના સકંજામાં જકડાઈ જાય ત્યારે આ બત્રીસ નામોનો ૧૦૮ વાર પાઠ કરવાથી ભયમુક્ત થાય છે.
આ પાઠનો હજાર, ૧૦૦૦૦ કે ૧ લાખ વાર પાઠ કરનાર કે કરાવનાર બધા પ્રકારની આપત્તિઓમાંથી છુટી જાય છે. સિદ્ધ કરેલા અગ્નિમાં મધ મેળવેલા સફેદ તલથી આ મંત્ર ૧ લાખ વાર જપે તો તે મનુષ્ય બધી આપત્તિઓમાંથી છુટકારો પામે છે.
આ મંત્રનું પુરશ્વરણ ૩૦૦૦૦ મંત્રોનું છે. પુરશ્વરણ પાઠ કરનાર મનુષ્ય સંપૂર્ણ કાર્યસિદ્ધિને પામે છે. આ ઉપરાંત માતાજીની આઠ ભુજાઓ વાળી મુર્તિ બનાવી તેમાં વિવિધ પ્રકારના આયુધો ગોઠવી બધા પ્રકારની સામગ્રીઓ વડે આનું પુજન, અર્ચન કરે તથા લાલ કરેણનાં ફુલો ચઢાવતાં ચઢાવતા સો વાર પુજા કરે અને ઉત્તમ પ્રકારનો ભોગ લગાવે તે મનુષ્ય અસાધારણ કાર્યને પણ સિદ્ધ કરી શકે છે. મા દુર્ગાનું વ્યાખ્યાન સાંભળનાર પર પણ વિપત્તિ આવતી નથી. અંતમાં આરતી બાદ ક્ષમાયાચના પણ કરવી.
આવાહનં ન જાનામિ, ન જાનામિ વિસર્જનમ્
પૂજાં ઐ વ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વરિ ।।
મંત્ર હીનં ક્રિયાહીનં ભક્તિ હીનં સુરેશ્વરિ
યત્પૂજિતં મયા દેવિ પરિપૂર્ણં તદસ્તુ મે ।। જય અંબે ।।
- ભરત અંજારિયા