ઉર્ધ્વજીવનનું પ્રેરક બળ : ગુરુ
ભગવાન વેદ વ્યાસે જીવ અને જીવનના ઉત્કર્ષ માટે જે કંઈ આપ્યું છે એટલું કોઈએ સર્જન કર્યું નથી. ચિંતન અને સર્જન બંનેમાં તેઓ આદિ ગણાય છે. વ્યાસની બહુમુખી પ્રતિભાનું પૂજન એટલે ગુરૂપૂર્ણિમાં - અષાઢી પૂનમ. આ દિવસે સૌ વ્યાસ પૂજા કરે છે. સાથે સાથે આ અવસરે અસંખ્ય લોકો તમામ ગુરૂઓને વંદન- પૂજન કરી એમનું કીર્તિગાન કરે છે. ગુરૂનું મહાત્મ્ય સંસ્કૃતિના પાયામાં રહેલું છે. ગુરૂ એટલે પ્રેરણાની મૂર્તિ.... ગુરૂ એટલે સાચો અનુભવનો ઉપદેશ દેનાર... ગુરૂ એટલે સચ્ચારિત્ર્યનું મૂર્તિમાનસ્વરૂપ, શ્રુતવાનમાં શ્રેષ્ઠ, જ્ઞાાનમાં ગંભીર, વ્યવહારમાં વરિષ્ઠ, ધર્મ મર્મજ્ઞા, નીતિવિદ્દ, પરહિતમાં સદા નીરત... ગુરૂ એટલે ભગવાનનું સુખ જીવોને આપવા અવિરત વિચરણ કરનાર, દેહાતીત ભગવન્મય સ્થિતપ્રજ્ઞા પુરૂષ... આદિ શંકરાચાર્ય ગુરૂમહિમાની ચરમસીમારૂપે આઠ શ્લોકોનું સ્તોત્ર રચે છે આઠ શ્લોકોમાં શંકરાચાર્ય વારંવાર પૂછે છે, તમે વિશ્વના તમામ ક્ષેત્રોમાં ભલે શિખરે પહોંચ્યા હો ઃ સુખ, સાધનસંપન્નતા અને બુધ્ધિમત્તાના તમામ સ્વપ્નાઓ તમે ભલે સિધ્ધ કર્યા હોય, પરંતુ સાચા ગુરૂના ચરણમાં મન સમર્પિત કર્યું છે ? નથી કર્યું ? તો શંકરાચાર્ય કુલ ૩૨ વખત એકની એક વાત સંભળાછે છે ઃ ''તો તમે કંઈ જ કર્યું નથી, કંઈ જ કર્યું નથી...'' ''ગુરૂ કરીએ તો જ્ઞાાની કરીએ સત-અસતને જોઈ'' એ કહેવત મુજબ સાધુતાએ યુક્ત ભાગવતમાં કહેલા ૩૯ લક્ષણો જેમાં નિરંતર દીપ્તિમાન રહેતા હોય એવા ગુરૂ ભેટે તો ભવરોગ ટળે. ગુરૂનું મૌન પણ વ્યાખ્યાન બને છે. ત્યારે શિષ્યોના અનંત સંશયો ભેદાઈ જતા હોય છે. યોગીજી મહારાજ ગામઠી કાલી-ઘેલી વાણીમાં થોડુ બોલતા પણ અનંતના કારણ શરીર ભેદાઈ જતા. ગુરૂપુર્ણિમાએ ગુરૂના આશ્રયે જઈને ગુરૂપૂજન કરવું એટલે તેમના આદેશો અને આદર્શો પર ચાલીને ગુરૂરૂપ થવાનો અવસર... ગુરૂપુર્ણિમાએ રંગઅવધૂત મહારાજ અને ગુરૂદેવ પૂજ્ય મહંતસ્વામી મહારાજના ચરણોમાં કોટિ કોટિ વંદન....
- કિશોર ગજ્જર