"અપમાન કરવા મજાક ના કરવી" .
શ્રી કૃષ્ણના સમયમાં દ્વારકા પાસે પિંડારકક્ષેત્ર હતું. એકવાર વિશ્વામિત્ર, વશિષ્ટ, દુર્વાસા, નારદજી અને ભૃગુ જેવા અનેક ઋષિમુનિઓ ફરતા ફરતા એ ક્ષેત્રમાં ભેગા થયા. સૌ દેહકર્મ પતાવી સત્સંગ કરી તત્વવિચાર કરી રહ્યા હતા. તે વખતે યદુવંશી રાજકુમારો દ્વારકાથી નીકળીને એ તરફ ફરવા નીકળ્યા હતા. એક તો યુવાવસ્થા ઉપરથી રાજવીકુળ, શક્તિશાળી દેહ અને ઉધ્ધત તથા સ્વચ્છંદી મિજાજ. તેમણે વૃક્ષના છાંયડે બેઠેલા ઋષિઓને જોયા. યાદવકુમારોને મસ્તી સૂઝી. મુનિઓની મશ્કરી કરવાનું મન થયું. દુર્જનોનો સ્વભાવ જ બીજાની નિંદા અને મશ્કરી કરવાનો હોય છે. (અસતાં શીલમેતદ્ વૈ પરિવાદોથ પૈશુનમ્ - શાંતિપર્વ - ૧૩૨) બધાએ જાંબવતીના પુત્ર સાંબનૈ સાડી પહેરાવી સ્ત્રીવેશ ધારણ કરાવ્યો. અને પેટે ગાભો વીંટાળી ગર્ભવતી સ્ત્રી જેવો દેખાવ કર્યો. પછી તેને લઈને ઋષિઓ પાસે આવ્યા. હાથ જોડી નતમસ્તક થઈ સૌએ પ્રણામ કર્યા. ગમે તેવા કેફમાં છકેલો માણસ જ્યારે મજાકની આડમાં અપમાન કરવાનું શરૂ કરે છે ત્યારે વિનાશના બીજ આપોઆપ વવાઈ જાય છે. રાજકુમારોએ બનાવટી નમ્રતાથી ઋષિઓને પૂછયું - "મહર્ષિ, આ સ્ત્રી ગર્ભવતી છે. જોકે તેને પૂછતાં શરમ આવે છે. પણ તે જાણવા માંગે છે કે તે કોને જન્મ આપશે ? પુત્રને કે પુત્રીને ? આપ સૌ સર્વદા છો, ભવિષ્યવેતા છો, ત્રિકાળજ્ઞાની છો. કૃપા કરી બતાવશો કે એના ગર્ભમાંથી કોનો જન્મ થશે ? મહર્ષિઓ સમજી ગયા.
માણસ ગમે તેટલા કોમળ શબ્દો વાપરે, ગમે તેટલી નમ્રતા બતાવે પણ તેના દંભી સ્વભાવને તેના ચહેરાની રેખાઓ છતો કરી જ દે છે. દંભ પકડાયા વગર રહેતો નથી. સત્સંગમાં ભંગ પડયો એટલે દુર્વાસાથી સહન ના થયું. તે ક્રોધમાં આવી ઊભા થઈ ગયા. "મૂર્ખ છોકરાઓ ! તમે આ શું પૂછી રહ્યા છો ? જાવ, એના ગર્ભમાંથી એક મુશળ (Pestle) પેદા થશે અને એ મુશળ તમારા સમગ્ર કુળનો નાશ કરશે ! યાદવકુમારો ગભરાઈ ગયા. પગમાંથી જોમ જતું રહ્યું તરત ત્યાંથી ખસીને દૂર જતા રહ્યા. સાંબના પેટ પર બાંધેલો ગાભો ખોલ્યો તો ખરેખર એમાંથી લોખંડનું મુશળ નીકળ્યું. હવે ? હવે શું કરવું ? અક્કલ કે સમજણના ટેકા વગરની જીવનની છત ગમે તેટલી મજબૂત હોય પણ ઢસી પડતાં વાર નથી લાગતી. રાજકુમારો ખૂબ મૂંઝાય કોઈ રસ્તો ના સૂઝયો. છેવટે રાજા ઉગ્રસેન પાસે આવ્યા. રાજાએ આખી વાત જાણી તેમને ખૂબ ધમકાવ્યા. રાજાએ મૂશળ જોયું. જો આ વાતની ખબર શ્રીકૃષ્ણને પડશે તો રાજકુમારોને કડક સજા કરશે. રાજા વિચારે ચઢયા. અમંગળ ભાવિના વિચાર માત્રથી કાંપી ગયા.
છેવટે તેમણે મુશળને કૂટીકૂટીને તેનો ભૂકો બનાવી દેવાનો હુકમ કર્યો. મુશળનું ચુરણ થઈ ગયું, છતાં એક ટુકડો રહી ગયો. તે ભૂકો અને ટુકડો દરિયામાં ફેંકાવી દીધો. રાજાને તાત્કાલિક શાંતિ મળી. પણ દુર્વાસાનો શાપ કેવી રીતે મિથ્યા થાય ? એ લોખંડનો ભૂકો સમુદ્રની લહેરો પર તણાઈને કિનારે ખેંચાઈ આવ્યો અને 'એરકા' નામના ઘાસરૂપે ઊગી નીકળ્યો. જે એક ટુકડો રહી ગયો હતો તેને એક માછલી ગળી ગઈ. થોડા સમય પછી યાદવો રાજકુમારો સહિત શંખોદ્વારતીર્થના દર્શને આવ્યા. મદ્યપાનમાં ચકચૂર રહેવા લાગ્યા. એકવાર તીર્થના એ જ દરિયા કિનારે ફરવા નીકળ્યા. બેફિકર-બિન્દાસ ! ત્યાં વાતવાતમાં નાનકડી તકરાર શરૂ થઈ. બોલાચાલી વધી ગઈ. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. એકબીજાને મારવા તૈયાર થઈ ગયા. અભિમાનમાં અંધ બનેલા યાદવોએ એરકાનું ઘાસ ઉખાડી ઉખાડી એકબીજા પર પ્રહાર શરૂ કર્યો. જોતજોતામાં દરિયાકિનારો લોહીના લાલ રંગે રંગાઈ ગયો. લાસોના ઢગલા થઈ ગયા. એકપણ યદુવંશી બચ્યો નહિ! આમ યદુવંશનો નાશ થઈ ગયો !
જે ટુકડો માછલી ગળી ગઈ હતી તે માછલી માછીમારે એક શિકારીને વેચી. 'જરા' નામના શિકારીને માછલીના પેટમાંથી નીકળેલો પેલો ટુકડો જોયો. તેણે લોખંડના ટુકડામાંથી અણીદાર તીર બનાવ્યું. એ જ તીર પીપળાના વૃક્ષ નીચે બેઠેલા શ્રીકૃષ્ણને ડાબા પગના તળિયામાં વાગ્યું અને શ્રીકૃષ્ણ યોગધારણથી નિજધામ પધારી ગયા.
સદ્વિચાર, સદાચાર કે સંસ્કાર જેવી મજબૂત ઈંટો જીવનના પાયામાં ના હોય તો દંભની ગમે તેટલી ઊંચી હવેલી ઊભી કરાય, છેવટે એમાં જ દટાવાનો વખત આવે છે. કોઈનું અપમાન કે મશ્કરી કરવાથી એના મનમાં આપણા પ્રત્યે આદર, માન કે પ્રેમ રહેતો નથી. ઉપરથી દિવસે દિવસે કડવાશ ઉમેરાતી જાય છે. જાણી જોઈને હાંસી ઉડાડવી એ થાળીમાં ઢાંકી રાખેલી અપમાનની વાસી મિઠાઈ પીરસવા જેવું હલકું કામ છે.
યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞામાં મયદાનવે રચેલા સભાભવનમાં જલકુંડને જલસ્થલ સમજીને દુર્યોધન પાણીમાં પડયો ત્યારે ભરસભામાં ભીમસેન ખડખડાટ હસ્યો હતો અને દ્રૌપદીએ વ્યંગ કર્યો હતો. "આંધળાનો પુત્ર આંધળો જ હોય ને !!" આ વ્યંગ, આ હાંસી, આ મજાક, આ મશ્કરી અને અપમાનની આગ દુર્યોધનને કુરૂક્ષેત્રના યુદ્ધ મેદાન સુધી ખેંચી લાવી હતી. તરછોડાયેલા કર્ણનું આખું જીવન હાંસીપાત્ર હતું.
દ્રુપદ અને દ્રોણાચાર્ય એક જ ગુરૂના શિષ્ય હતા. દ્રુપદે દ્રોણાચાર્યને વચન આપ્યું હતું કે જ્યારે તેના હાથમાં રાજયસત્તા આવશે ત્યારે તે તેને માલામાલ કરી દેશે. પણ જ્યારે દરિદ્ર-દ્રોણાચાર્ય મિત્ર પાસે કંઈક માંગવા ગયો ત્યારે ભરસભામાં દ્રુપદે તેનું અપમાન કર્યું. તેનો ઉપહાસ કર્યો. આ મશ્કરી, આ અપમાનને લીધે જ બન્ને મિત્રો કાયમના શત્રુ બની ગયા. ઋગ્વેદમાં કહ્યું છે (૩-૩૦-૫) 'જ્યાયસ્વંતાશ્યિત્તિનો' હમેશાં આદરણીય સજ્જનોનું સન્માન કરવું. દરેક માણસો પૈસા કે વૈભવ ભૂખ્યા નથી હોતા. ઘણા માન ભૂખ્યા હોય છે, માટે જે મોટા હોય તેમનું માન જાળવી તેમનું અપમાન કે મજાક કર્યા વગર સન્માન કરવું, તેમને નાના ચિતરવા પ્રયત્ન ના કરવો, ગેબ્રિયલ હાર્વેએ કહ્યું છે.
Play with me but hurt me not
Jest with me but shame me not
મારી સાથે રમત રમજો પણ ચોટ ના પહોંચાડતા. ભલે મારી મશ્કરી કરજો પણ અપમાનિત ના કરતા.