Get The App

હીરાની પરખ .

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
હીરાની પરખ                                 . 1 - image


છતી આંખે માણસો અંધારામાં જીવતા હોય છે. જે જોવાનું હોય તેના તરફ નહિ, પણ ના જોવાનું હોય તેના પ્રતિ તે મીટ માંડે છે. તેને કારણે તેના ભીતરમાં રહેલી આંતરિક મૂલ્યવાન સામગ્રીના ઉપયોગથી તે વંચિત રહે છે.

એક કિસ્સો આવો છે : રોમાનિયાના કોલ્ટી ગામની એક વયસ્ક મહિલાને નદી કિનારેથી લાલ રંગનો એક આકર્ષક પથ્થર મળ્યો. તેનું વજન ૩.૫ કિલોગ્રામ હતું. એ પથ્થરને તેણે દરવાજો બંધ રાખવાના ડટ્ટા (STOPPER) તરીકે ઉપયોગમાં લીધો. વર્ષો સુધી તે સ્ટોપર તરીકે વપરાયો. વૃદ્ધા મરણ પામી. ઘર તેના સંબંધીને સોંપાયું. તેને લાગ્યું કે આ પથ્થર મૂલ્યવાન છે. તેથી તેણે તેની પરખ કરાવી. તેને આશ્ચર્ય સાથે જણાયું કે એ તો ૮ કરોડ અને ૫૦ લાખ રૂપિયાની કિંમતનો હીરો છે, પથ્થર નથી. સરકારે તેને મ્યુઝિયમમાં પ્રદર્શન માટે ખરીદી લીધો.

માણસોના હૃદયમાં આવા હીરા કરતાંય સર્વોત્તમ એવા ઈશ્વરનો વાસ હોય છે. પણ યોગ્ય સમજને અભાવે તે પેલી મહિલાની માફક સ્ટોપર કરતાં તેનો બીજો કશો ઉપયોગ કરતા નથી. અને કારૂણ્ય એ છે કે ઈશ્વરની શોધમાં અન્યત્ર ફાંફાં મારે છે. એમ જ કસ્તૂરી મૃગની નાભિમાં એટલે કે તેના અભ્યંતરમાં જ કસ્તૂરી રહેલી હોવા છતાં તેને શોધવા માટે તે આમતેમ દોડાદોડી કર્યા કરે છે.

એ જ રીતે કેટલાંક મનુષ્યોમાં અંતર્ગત વસેલા મૂલ્યવાન હીરા કરતાં વધારે કિંમતી ઈશ્વરની પરખ તેઓને હોતી નથી. તેથી તે હીરો (ઈશ્વર) ત્યાં પડતર રહે છે. અને એ માણસો હીરા કરતાં અધિક ઈશ્વરને શોધવા જિંદગી ઘસી નાખે છે.

આપણે અંતરદર્શન કરીએ. ત્યાંથી ઈશ્વર પોતે, તેમનાં કૃપાદાનો અને આશીર્વાદોના ખજાના મળી રહેશે. માણસો હીરાને હડસેલનારા નહિ, પણ તેને પારખનારા ઝવેરી બને તેમાં જીવનની સાર્થક્તા રહેલી છે.

- ડો. સુરેન્દ્ર આસ્થાવાદી


Google NewsGoogle News