માર્કણ્ડેય મુનિને ભગવાને પોતાની માયા થકી બાલકૃષ્ણના સ્વરૂપમાં બ્રહ્માણ્ડ દર્શન કરાવ્યું!

Updated: May 30th, 2024


Google NewsGoogle News
માર્કણ્ડેય મુનિને ભગવાને પોતાની માયા થકી બાલકૃષ્ણના સ્વરૂપમાં બ્રહ્માણ્ડ દર્શન કરાવ્યું! 1 - image


- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

- કાચબો જેમ તેના બધા અંગોની પોતાની અંદર સમેટી લે (કૂમોઙગાતીવ સર્વશઃ) તે રીતે તેમણે બધી ઇન્દ્રિયો અને મનને સંસારના વિષયોમાંથી વાળી પોતાના આત્મામાં સ્થિર કરી લીધા

મૃ કણ્ડ ઋષિના પુત્ર માર્કણ્ડેય મુનિ પ્રાચીન કાળના અગ્રગણ્ય ઋષિ હતા. માર્કણ્ડેય પુરાણમાં વિશેષ રૂપે માર્કણ્ડેય અને જૈમિનિ ઋષિ વચ્ચે એક સંવાદ થાય છે તેવું આલેખિત છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં અનેક અધ્યાયો એમની વાતચીત અને પ્રાર્થના માટે ફાળવવામાં આવેલા છે. મહાભારતમાં પણ તેમનો ઉલ્લેખ છે. માર્કણ્ડેય તીર્થ જ્યાં માર્કણ્ડેય ઋષિએ માર્કણ્ડેવ પુરાણ લખ્યું હતું તે ઉત્તરકાશી જિલ્લામાં, ઉત્તરાખંડમાં યમુનોત્રી તીર્થના પર્વતારોહણ માર્ગ પર આવેલું છે.

શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં એક કથાનક નિરૂપતિ થયેલું છે. માર્કણ્ડેય મુનિ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી હિમાલયની ગોદમાં પુષ્પભદ્રા નદીના કિનારે ઋષિરૂપ ધારી ભગવાન નર-નારાયણની આરાધના કરી રહ્યા હતા. કાચબો જેમ તેના બધા અંગોની પોતાની અંદર સમેટી લે (કૂમોઙગાતીવ સર્વશઃ) તે રીતે તેમણે બધી ઇન્દ્રિયો અને મનને સંસારના વિષયોમાંથી વાળી પોતાના આત્મામાં સ્થિર કરી લીધા. તેમનો અંતરાત્મા પણ ભગવાનમાં તદ્રૂપ થઈ ગયો હતો. આ રીતે ભગવાનની આરાધના કરતાં અનેક વર્ષો વીતી ગયા એટલે દેવરાજ ઇન્દ્રને તેમની તપસ્યાથી ડર લાગવા માંડયો. તેથી તેમણે વસંતઋતુ, કામદેવ અને પુંજિકસ્થલી નામની અપ્સરાને માર્કણ્ડેય મુનિની તપસ્યાનો ભંગ કરવા મોકલ્યા.

માદક, મનમોહક વસંતના પ્રભાવથી બધા પુષ્પો ખીલીને ચિત્તાકર્ષક સુગંધ ફેલાવવા લાગ્યા. કોયલ કૂહુરવ કરી મનને પ્રસન્ન કરવા લાગી. શીતળ, મંદ, સુગંધિત વાયુ વહેવા લાગ્યો. ગંધર્વો ગીત ગાવા લાગ્યા. રૂપરૂપના અંબાર સમી અપ્સરા પુંજિકસ્થલી માર્કણ્ડેય મુનિની સામે આવીને કંદુકક્રીડા કરી એના ઉત્તેજક શરીર સૌંદર્યનું પ્રદર્શન કરવા લાગી. પ્રણયના દેવતા કામદેવે પણ પુષ્પોથી બનેલા ધનુષ્ય પર સંમોહન બાણ ચલાવી ઋષિના મનમાં કામ ભાવ ઉત્પન્ન કરી તેમને અપ્સરા તરફ આકૃષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. વસંતઋતુ, અપ્સરાનું દેહ લાલિત્ય અને સ્વયં કામદેવ એ ત્રણેય એક સાથે ક્રિયાન્વિત થાય તો કોના મનમાં કામ ઉત્તેજનાના ઉત્પન્ન થાય ? પણ નર-નારાયણ પ્રભુની કૃપાથી એમના ભગવાનમાં તદ્રૂપ ચિત્તમાં જરા પણ કામ વિકાર ઉત્પન્ન ન થયો. એટલું જ નહીં, તેમને કામ-વિજયનો ગર્વ પણ ન થયો. તપોભંગ કરવાનો ઇન્દ્રનો પ્રયાસ સફળ ન થયો.

માર્કણ્ડેય મુનિની તપશ્ચર્યા, ઉપાસના અને અનન્ય ભક્તિથી પ્રસન્ન થઈ એક દિવસ ભગવાને પ્રકટ થઈ એમને દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું. તેમણે સ્તુતિ કરતાં કહ્યું- ' તમારા પ્રત્યક્ષ દર્શન થઈ ગયા એનાથી વિશેષ બીજું શું જોઈએ ? તે ફળ તો મને મળી ગયું. એમ છતાં આપના દિવ્ય સ્વરૂપથી ફેલાયેલી માયાના દર્શન કરવાની મારી ઇચ્છા છે. ભગવાન નર-નારાયણ તથાસ્તુ કહીને અંતર્ધાન થઈ ગયા. થોડા સમય બાદ ભગવાને તેમની માયાના દર્શન કરાવ્યા.

માર્કણ્ડેય મુનિએ જોયું તો આકાશમાં પ્રલયકારી મેઘ છવાઈ ગયા છે. મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ચારેબાજુએથી સમુદ્રો ઘસી આવ્યાં છે અને પૃથ્વીને ડુબાડવા લાગ્યા છે. મુનિ સમુદ્રના જળમાં આમથી તેમ  અથડાતા-કૂટાતા તણાઈ રહ્યા છે. પોતાના રક્ષણ માટે તે ભગવાનનું સ્મરણ કરવા લાગે છે. તે વખતે તેમને સમુદ્રના જળમાં એક વિશાળ વડનું વૃક્ષ દેખાય છે. વડના વૃક્ષના એક મોટા પાદડા પર મેઘશ્યામ વર્ણવાળું એક અતિ સુંદર બાળક સૂતેલું દેખાય છે. તેણે કમળ જેવા હાથથી જમણા પગને પકડી એનો અંગૂઠો પોતાના મુખમાં મૂકેલો છે અને તેને તે ચૂસી રહ્યું છે. નજીક જઇને જોયું તો તે બાલકૃષ્ણ પ્રભુ છે. તે જ વખતે તેમના થકી બાળકૃષ્ણ ભગવાનના આ સ્વરૂપની સ્તુતિ કરતો શ્લોક રચાઈ ગયો- ' કરારવિન્દેન પદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયન્તમ્ । વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલંમુકુન્દં મનસા સ્મરામિ ।। જેમણે પોતાના હસ્તકમળથી પોતાના ચરણકમળને પોતાના મુખકમળમાં મૂકેલ છે. તેવા વડના પાંદડાના પડિયામાં સૂતેલા બાળકૃષ્ણનું હું મનથી સ્મરણ કરું છું.' આ દ્રશ્ય જોયા બાદ એક આશ્ચર્ય સર્જાયું. બાલમુકુંદના શ્વાસથી ખેંચાઈ ગયેલા મુનિ એમની નાસિકાના છિદ્રમાંથી એમના પેટમાં ઉતરી ગયા. બાળકૃષ્ણ પ્રભુના પેટમાં માર્કણ્ડેય મુનિએ અનંત બ્રહ્માણ્ડો જોયા. પછી હિમાલય, પુષ્પભદ્રા નદી, તેમનો આશ્રમ જોયા. થોડીવાર પછી બાલમુકુંદે શ્વાસ છોડયો તે સાથે તે તેમના પેટમાંથી બહાર આવી ગયા. બીજી જ પળે તે બધું જ અદ્રશ્ય થઈ ગયું. ભગવાનની માયા સંકેલાઈ ગઈ. તેમણે જોયું તો પોતે પુષ્પભદ્રા નદીના કિનારે સંધ્યા કરવા તે જ રીતે બેઠેલા છે જે રીતે પહેલાં બેઠેલા હતા. માર્કણ્ડેય મુનિ પૂર્વે શિવભક્ત હતા. શિવજીએ અલ્પાયુ એવા એમને એક કલ્પ સુધી અમર રહેવાનું વરદાન આપ્યું હતું.


Google NewsGoogle News