Get The App

યાદવશ્રેષ્ઠ અક્રૂરજીની અનન્ય કૃષ્ણભક્તિ

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
યાદવશ્રેષ્ઠ અક્રૂરજીની અનન્ય કૃષ્ણભક્તિ 1 - image


- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

ભગવાન શ્રીકૃષ્ણના કાકા અક્રૂર સાત્વત વંશમાં ઉત્પન્ન વૃષ્ણિના પૌત્ર હતા. તેમના પિતાનું નામ શ્વફલ્ક હતું. તેમને જ્યંત નામથી પણ ઓળખવામાં આવતા હતા. તેમના લગ્ન કાશીના રાજાની પુત્રી ગાંદિની સાથે થયા હતા. એટલે તેમને પિતાના નામ પરથી શ્વાફલ્કિ અને માતાના નામ પરથી ગાંદિનીનંદન એવા નામથી પણ બોલાવાતા હતા. અક્રૂર કંસના પિતા ઉગ્રસેનના દરબારમાં એક દરબારી તરીકે કાર્ય કરતા હતા. અક્રૂરની પત્નીનું નામ ઉગ્રસેના હતું. મથુરામાં કંસના અત્યાચાર વધી ગયા બાદ અક્રૂરે ગુપ્ત રીતે બધા વૃષ્ણીવંશી, કુકુરવંશી યાદવ સરદારોને એકત્રિત કરવાનું કાર્ય કર્યું હતું. તે જ વસુદેવજીની પ્રથમ પત્ની રોહિણીને મથુરામાંથી બહાર કાઢી ગોકુળમાં નંદ-યશોદાને મૂકી આવ્યા હતા.

યાદવશ્રેષ્ઠ અક્રૂરજી ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત હતા. શ્રવણં કીર્તનં વિષ્ણોંસ્મરણં પાદસેવનં । અર્યનં વંદનં દાસ્યે સખ્યં આત્મનિવેદનમ્ । શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં ભક્ત પ્રહલાદજીએ બતાવેલી નવધા ભક્તિમાં દર્શાવેલી વંદન ભક્તિના ઉદાહરણ તરીકે અક્રૂરજીને દર્શાવવામાં આવે છે. અનેક બળવાન રાક્ષસોને મોકલવા છતાં કંસ ભગવાન શ્રીકૃષ્ણને મારી શક્યો નહીં એટલે તેણે ધનુર્યાગનો પ્રસંગ આયોજિત કરી તેમાં શ્રીકૃષ્ણ અને બલરામને નિમંત્રિત કરી ચાણુર, મુષ્ટિક શલ, તોશલ જેવા અતિ શક્તિશાળી મલ્લો દ્વારા મરાવી નાંખવાનો કારસો રચ્યો. એટલે નંદરાયજી સાથે કૃષ્ણ-બલરામને મથુરા લાવવા અક્રૂરજીને મોકલવાનું નક્કી કર્યું. નિર્મળ હ્ય્દયના અક્રૂરજીને કંસના મલિન ઈરાદાની ગંધ ન આવી. તેમને કંસના આંસુ મગરના આંસુ છે તેવો ખ્યાલ ન આવ્યો અને માની લીધું કે કંસને સાચે જ પોતાના કાર્યો બદલ પ્રશ્ચાત્તાપ થયો છે અને તે પોતાની બહેન દેવકીના પુત્ર શ્રીકૃષ્ણને તથા રોહિણીપુત્ર બલરામને મળવા માંગે છે.

બીજે દિવસે સવારે અક્રૂર રથ લઈને તેમને લાવવા મથુરાથી નીકળ્યા. ભગવાન શ્રીકૃષ્ણ પરત્વે અપાર ભક્તિ હોવાથી તે રસ્તામાં અનેક વિચારો કરવા લાગ્યા - 'મેં એવું કયું કલ્યાણકારી ધર્મકાર્ય, તપ કે દાન કર્યું હશે જેના પુણ્યરૂપે મને આજે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન થશે? આજે મારું અમંગળ દૂર થશે. મારો જન્મ સફળ થશે. યોગીઓ જેમના ચરણ કમળનું ધ્યાન ધરે છે એમને વંદન કરવાનું સૌભાગ્ય હું પ્રાપ્ત કરીશ. સુંદર ગાલ અને નાસિકાવાળા, સહજ હાસ્ય સાથે અરૂણનેત્રથી અવલોકન કરનારા, સુંદર અલકાવલીથી શોભતાં ભગવાન શ્રીકૃષ્ણના સુરમ્ય મુખારવિંદના હું દર્શન કરી શકીશ. કાળરૂપી મહાસર્પના ત્રાસથી ઉગારતો એમનો હસ્ત કમળ મારા મસ્તક પર મૂકશે ખરા ? લબ્ધાંગસંગં પ્રહાતં કૃતાંજલિમાં વક્ષ્યતેડક્રૂર તતેત્યુરુશ્રવા : । તદા વયં જન્મભૃતો મહીયસા નૈવાદ્દતો યો ધિગમુષ્ય જન્મ તત્ ।। જ્યારે એ ભગવાન શ્રીકૃષ્ણ પોતાના મહાન બાહુથી અનન્ય શરણ, મિત્ર અને સંબંધી એવા મને આલિંગન આપશે ત્યારે મારો આત્મા પવિત્ર બનશે અને કર્મના બંધનો છૂટી જશે. હાથ જોડી નમસ્કાર કરેલા મને જ્યારે ભેટીને અક્રૂર કાકા એમ કહેશે ત્યારે મારો જન્મારો સફળ થઈ જશે.'

આવા વિચારો કરતાં કરતાં અક્રૂરજી રથમાં ગોકુળ આવ્યા ત્યારે સાંજ પડી. ગાયોને ચરાવીને બીજા ગોવાળો સાથે શ્રીકૃષ્ણ હમણાં જ ત્યાંથી પસાર થયા હશે એવું ધૂળિયા રસ્તે પડેલાં પગલાં પરથી જણાતું હતું. ત્યાં જ અક્રૂરજીએ વજ્ર, અંકુશ, યવ, ધ્વજા વગેરે ચિહ્નો ધરાવતા ભગવાન શ્રીકૃષ્ણના ચરણારવિંદના પગલાં જોયા. એ સાથે ભાવાવેશ થઈ જતાં ચરણચિહ્નોને વંદન કરી એમની ચરણરજનો સંબંધ કરવા એ ચાલી રહેલા રથમાંથી કૂદી પડયાં ત્યાં આળોટવા લાગ્યા. ભગવાનની ચરણરજના સ્પર્શથી એમના રોમ રોમમાં આનંદ વ્યાપી ગયો. અક્રૂરજીએ જે મનોરથ સેવ્યા હતા તે પ્રમાણે જ ભગવાને તેમને આવકાર આપ્યો. અત્યંત પ્રેમથી તેમને આલિંગન આપ્યું અને ક્ષેમકુશળ પૂછયા. અક્રૂરજીએ તેમને નિમંત્રણ આપ્યું.

બીજે દિવસે અક્રૂર બધાને લઈને મથુરા જવા નીકળ્યા ત્યારે શ્રીકૃષ્ણના વિરહની કલ્પના કરી શોક સંતપ્ત થયેલી ગોપીઓ અક્રૂરના રથને ઘેરી વળી અને તેમને ત્યાંથી ન જવા વિનંતી કરવા લાગી. કેટલીક ગોપીઓ તો રથના પૈડાં આગળ સૂઈ ગઈ અને કહેવા લાગી - અમે અમારા વહાલા કૃષ્ણને અમારાથી દૂર થવા નહીં દઈએ. તમારે રથ ચલાવવો હોય તો અમારા શરીર પર રથના પૈડાં ચઢાવીને અમને કચડીને આગળ જાવ. અક્રૂર તમારામાં તમારા નામ જેવા ગુણ બિલકુલ નથી. અક્રૂર એટલે જે ક્રુર નથી તે. પણ તમે તો એકદમ ક્રુર છો. તમે તો અમારા પ્રાણ જેવા પ્રિયતમ કૃષ્ણને અમારાથી દૂર લઈને જઈ રહ્યા છો. શ્રીકૃષ્ણે ગોપીઓને હું જલદી પાછો આવીશ એમ કહી ખૂબ સમજાવી ત્યારે તે રથના પૈડાં આગળથી ઊભી થઈ અને રથને જવા દીધો. થોડે દૂર ગયા પછી અક્રૂરજી કાલિન્દીનાં ધરામાં સ્નાન કરવા ગયા અને જળમાં ડૂબકી મારી તો અંદર ચતુર્ભુજ રૂપે શ્રીકૃષ્ણના દર્શન થયા. જળમાંથી બહાર આવી નજર કરી તો શ્રીકૃષ્ણને રથમાં બેઠેલા જોયા. આમ, એમને અંદર-બહાર બધે શ્રીકૃષ્ણના દર્શન થયા.


Google NewsGoogle News