અષ્ટછાપ કવિ અને કીર્તનકાર કુંભનદાસ શ્રીનાથજીની ભક્તિમાં સતત તલ્લીન રહેતા હતા

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
અષ્ટછાપ કવિ અને કીર્તનકાર કુંભનદાસ શ્રીનાથજીની ભક્તિમાં સતત તલ્લીન રહેતા હતા 1 - image


- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

કિતે દિન હવૈ જુ ગયે બિન દેખે ।

તરૂન કિશોર રસિક નંદનંદન કછુક ઉઠતિ મુખ રેખે ।।

વહ શોભા વહ કાંતિ બદન કી, કોટિક ચંદ બિસેષે ।।

વહ ચિતવનિ વ હાસ મનોહર, વહ નાગર નટ બેષે ।।

શ્યામસુંદર સંગ મિલિ ખેલન કી, આવજ જીય ઉપેષે ।।

'કુંભનદાસ' લાલ ગિરધર બિન, જીવન જનમ અલેષે ।।

કુંભનદાસ અષ્ટછાપ કવિઓમાંના સર્વ પ્રથમ કવિ હતા. શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજી પાસેથી તેમણે પૃષ્ટિમાર્ગીય દીક્ષા ગ્રહણ કરી હતી. મહદ અંશે એવું માનવામાં આવે છે કે, તેમનો જન્મ ઇ.સ.૧૪૬૮માં અને ગોલોકધામ ગમન ઇ.સ.૧૫૮૨ની આસપાસ થયું હતું. ઇ.સ.૧૪૯૨માં તેમનો આ સંપ્રદાયમાં પ્રવેશ થયો હતો. પુષ્ટિમાર્ગમાં દીક્ષિત થવા છતાં અને શ્રીનાથીજીના મંદિરમાં કીર્તનકારના પદ પર નિયુક્ત થવા છતાં તેમણે તેમની આજીવિકાનું સાધન છોડયું નહોતું, અને અંત સુધી નિર્ધન અવસ્થામાં પોતાના પરિવારનું ભરણ પોષથણ કરતા રહ્યા હતા. નિર્ધન હોવા છતાં તે કદી કોઇનંુ દાન સ્વીકારતા નહોતા. પોતાની ખેતીનું અન્ન, કરીલના ફૂલ અને વૃક્ષના બોરથી સંતુષ્ટ રહી તે શ્રીનાથજીની સેવામાં તલ્લીન રહેતા હતા. તેમણે રચેલા પદોની સંખ્યા લગભગ ૫૦૦ જેટલી છે.

તે શ્રીનાથજીનો વિયોગ એક ક્ષણ માટે પણ સહન કરી શકતા નહોતા. એકવાર બાદશાહ અકબરે તેમને ફતેહપુર સીકરી બોલાવ્યા હતા. બાદશાહે મોકલેલી સવારી પર બેસ્યા વિના તે પગથી ચાલીને જ તેમના દરબારમાં ગયા હતા અને જ્યારે બાદશાહ અકબરે શ્રીનાથજીનું કોઇ સુંદર કીર્તન ગાવાનું કહ્યું તો તેમણે કહ્યું કે તે કીર્તન તો શ્રીનાથજી ભગવાનની સન્મુખ જ ગાય છે. એટલે અકબરે બીજું કંઇ પણ ગાવા કહ્યું. એ વખતે કુંભનદાસજીએ ગાયું - 

'ભક્તિ કો કહા સિકરી સોં કામ ।

આવત જાત પનહિયા ટૂટી બિસરિ ગયો હરિ નામ ।

જાકો સુખ દેખે દુ:ખ ઉપજે તાકો કરનો પડયો પરનામ ।

કુંભનદાસ લાલ ગિરિધર બિન યહ સબ ઝૂઠો ધામ ।।

ભક્તને ફતેહપુર સીકરીથી શું કામ? અહીં આવ્યો એમાં બે નુકસાન થયા. મારી ચંપલ ઘસાઇને તુટી ગઇ અને ભગવાનનું નામ લેવાનું છૂટી ગયું. ભગવાનની ભક્તિ વિનાના અકબર બાદશાહનું મોં જોઇને દુ:ખ ઉત્પન્ન થાય છે, એમને મારે પ્રણામ કરવા પડયા, કુંભનદાસને તો ગિરધરલાલ, શ્રીકૃષ્ણ વિના જગતનું બધું મિથ્યા લાગે છે.' અકબર બાદશાહે કોઇ ભેટ-સોગાદ સ્વીકારવા અનુરોધ કર્યો પણ તેમણે તે ન સ્વીકારી અને કહ્યું - 'હવે પછી મને શ્રીનાથજીની સેવા છોડીને અહીં ફરી કદી બોલાવવામાં ન આવે.

વિક્રમ સંવત ૧૬૨૦માં મહારાજ માનસિંહ વ્રજ આવ્યા હતા. તેમણે વૃંદાવનના દર્શન કર્યા બાદ ગોવર્ધનની યાત્રા કરી અને ત્યાં શ્રીનાથજીના દર્શન કર્યા. તે વખતે મૃદંગ અને વીણા સાથે કુંભનદાસજી કીર્તન કરી રહ્યા હતા. રાજા માનસિંહ તેમની પદ ગાન શૈલીથી ખૂબ પ્રભાવિત થયા. તે તેમને મળવા તેમના ગામ જમુનાવતો ગયા. તે તેમના ઘરમાં પ્રવેશતા હતા તે વખતે શ્રીનાથજી બાળ સ્વરૂપે કુંભનદાસજી સાથે ખેલી રહ્યા હતા. માનસિંહને આવતા જોઇ ભગવાન છુપાઇ ગયા. માનસિંહે અંદર આવીને જોયું કે કુંભનદાસ પડિયામાં પાણી ભરીને તેમાં પોતાનું પ્રતિબિંબ જોઇ તિલક કરી રહ્યા છે. તેમને આ બધું જોઇને ખ્યાલ આવી ગયો કે કુંભનદાસ અત્યંત નિર્ધન છે. તેમના ઘરમાં દર્પણ પણ નથી. તેમણે પોતાનું સોનાનું દર્પણ એમને ભેટમાં આપવા માંડયું પણ કુંભનદાસે તે લીધું નહીં. તે પછી રાજાએ સોનામહોરોથી થેલી આપવા માંડી તો તેમણે તેનો પણ  અસ્વીકાર કરી દીધો. જીવનભર નિર્વાહ ચાલે તે રીતે વર્ષાસન બાધી આપવા કહ્યું તો કુંભનદાસે કહ્યું- મારે ખેતરનું અનાજ પાકે છે, વૃક્ષો પર ફળ આવે છે, પછી બીજા કશાની વધારે જરૂર નથી. માનસિંહે તેમને કહ્યું - ' તો હવે તમે કહો, હું તમને શું આપું ?' કુંભનદાસજીએ જવાબ આપ્યો - મને લૌક્કિ વસ્તુઓ માટે કોઇ મોહ નથી. આવા લૌક્કિ કારણોથી મારી ભક્તિ, સેવા, સ્મરણમાં વિક્ષેપ ના કરશો. શ્રીનાથજીની ભક્તિને લગતી કોઇ બાબત હોય તો તેમાં સમય વ્યતીત કરવો મને ગમશે. તે માટે અહીં આવવું હોય તો આવજો. અન્યથા અહીં મારે ત્યાં ન આવશો.' આવા સંસારથી અલિપ્ત, અનાસક્ત, નિડર, અને શ્રીનાથજીની અનન્ય ભક્તિમાં અનવરત રત રહેનારા કુંભનદાસજીએ શ્રી વિઠ્ઠલનાથજી - ગુસાંઇજીની ઉપસ્થિતિમાં દેહ છોડી નિત્ય લીલામાં પ્રવેશ કરી લીધો હતો. તે વખતે છેલ્લે તેમણે પદ રચીને ગાયું હતું - 'રસિકની રસમેં રહત ગહી । કનક બેલિ વૃષભાનુ નંદિની સ્થામ તમાલ ચઢી ।। વિહરત શ્રીગિરિધરનલાલ સંગ, કોને પાઠ પઢી । 'કુંભનદાસ' પ્રભુ ગોવર્ધનધર રતિ રસ કેલિ બઢી ।।


Google NewsGoogle News