Get The App

શિવાજી મહારાજના ગુરૂ સંત સમર્થ રામદાસજીએ એમના સૂક્ષ્મ અભિમાનને દૂર કરવા આપેલો બોધ

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
શિવાજી મહારાજના ગુરૂ સંત સમર્થ રામદાસજીએ એમના સૂક્ષ્મ અભિમાનને દૂર કરવા આપેલો બોધ 1 - image


- વિચાર-વીથિકા- દેવેશ મહેતા

- રામદાસજી એક જગ્યાએ અટક્યા. તેમણે શિવાજીને કહ્યું - 'શિવાજી, પેલા બે પથ્થરો એકબીજા સાથે ચીપકાઈને પડેલા છે. તેમને તું છૂટા કર. શિવાજીએ જોયું તો ત્યાં બે નહીં પણ એક જ પથ્થર હોય એવું દૂરથી લાગતું હતું. તે તેની  નજીક ગયા અને ખૂબ ધ્યાનથી જોયું તો બે પથ્થરો એકમેક સાથે ચીપકાઈને પડેલા હતા. શક્તિશાળી શિવાજીએ ખૂબ બળ વાપરી તે બન્ને પથ્થરોને છૂટા પાડયા.

'જરા રૂપં હરતિ ધૈર્યમાશા મૃત્યુ પ્રાણાન્ ધર્મચર્યામસૂયા ।

કામોહિયં વૃત્તમનાર્યસેવા ક્રોધ: શ્રિયં સર્વમેવાભિમાન: ।।

ઘડપણ રૂપનો, આશા ધૈર્યનો, મૃત્યુ પ્રાણોનો, બીજામાં દોષ દ્રષ્ટિ ધર્માચરણનો, કામ લજ્જાનો, હલકા માણસની સેવા સદાચારનો, ક્રોધ લક્ષ્મીનો અને અભિમાન સર્વસ્વનો નાશ કરી દે છે.

- મહર્ષિ વેદવ્યાસ, મહાભારત

અધ્યાત્મ-માર્ગમાં વ્યક્તિ માત્રએ ષ્ડરિપુને જીતવાનો અનુરોધ કરાય છે. આ આંતરિક શત્રુ જેવા છ દોષો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. મદ એટલે અભિમાન અને મત્સર એટલે ઈર્ષા. સંત કબીરદાસજી એમના એક દોહામાં કહે છે - 'કંચન તજના સહજ હૈ, સહજ ત્રિયાકા નેહ । માન બડાઈ ઈર્ષા દુર્લભ તજની એહ ।। સોનું - રૂપું એટલે કે સંપત્તિ છોડવી સહેલી છે, પત્ની અને પરિવાર છોડવો પણ સહેલો છે. પરંતુ અભિમાન, મોટાઈ અને ઈર્ષ્યા છોડવી અત્યંત અઘરી છે.

શાસ્ત્રો અને સંતપુરૂષો કહે છે કે સત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન, શક્તિનું અભિમાન, સૌંદર્યનું અભિમાન, કુળનું અભિમાન, જ્ઞાનનું અભિમાન, કર્તવ્યનું અભિમાન, અનુભવનું અભિમાન અને ચારિત્ર્યનું અભિમાન એ અતિમાનના નવ પ્રકાર છે. પરંતુ હું નિરભિમાની છું એવું અનુભવવું એ પણ સૂક્ષ્મ અભિમાન છે. બીજા બધાં કરતાં અમે સૌભાગ્યવાન, ભાગ્યશાળી છીએ કે અમને ભગવાન શ્રીકૃષ્ણનું નિકટતમ સાંનિધ્ય પ્રાપ્ત થયું. રાસ ખેલવાનો અવસર પ્રાપ્ત થયો એવો સૌભાગ્યમદ ગોપીઓને થયો તો ભગવાન અંતર્ધાન થઈ ગયા હતા. કબીરજી કહે છે - જબ લગ મૈં થા, હરિ નાહિં, અબ હરિ હૈ મૈં નહિં । પ્રેમ ગલી અતિ સાંકરી તા મેં દો ન સમાહિત જ્યાં સુધી હું ભાવ હતો મારા અંત:કરણમાં  હરિ પ્રગટ થયા નહોતા. હવે મારા અંત:કરણમાં હરિ પ્રગટ થયા છે તો હું ભાવ એટલે કે અહંકાર નથી રહ્યો. પ્રેમનો માર્ગ અત્યંત સાંકડો છે તેમાં બે સાથે રહી શકતા નથી.

સંત સમર્થ રામદાસજી અને છત્રપતિ શિવાજીના જીવનનો એક સુંદર પ્રસંગ છે. સજ્જન ગઢનો કિલ્લો બની રહ્યો હતો તે વખતની વાત છે. સેંકડો શ્રમજીવીઓ, મજૂરી અને એમના ઉપરી અધિકારીઓ તે બનાવવાના કાર્યમાં વ્યસ્ત હતા. શિવાજી મહારાજ તેનું નિરીક્ષણ કરવા પધાર્યા. આટલા બધા લોકોને કામ કરતા જોઈ તે પ્રસન્ન અને સંતુષ્ટ થયા. તે સાથે તેમના મનમાં થોડું સૂક્ષ્મ અભિમાન પણ થયું - મારા આ કિલ્લાના નિર્માણ કાર્યથી કેટલા બધા લોકોનું પોષણ થાય છે.

શિવાજીની બાજુમાં ઊભા રહેલા તેમના ગુરૂ સમર્થ રામદાસજી તેમના વિચારોને પામી ગયા. તેમણે શિવાજીને કહ્યું - 'વત્સ, ચાલ, આપણે આજુબાજુમાં થોડો વિહાર કરી આવીએ. ગુરૂનો આદેશ થયો એટલે તે ગુરૂ સાથે ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા થોડે દૂર પહોંચ્યા પછી એવી જગ્યાએ આ જ્યાં ચારે બાજુ પથ્થરો પડેલા હતા. રામદાસજી એક જગ્યાએ અટક્યા. તેમણે શિવાજીને કહ્યું - 'શિવાજી, પેલા બે પથ્થરો એકબીજા સાથે ચીપકાઈને પડેલા છે. તેમને તું છૂટા કર. શિવાજીએ જોયું તો ત્યાં બે નહીં પણ એક જ પથ્થર હોય એવું દૂરથી લાગતું હતું. તે તેની  નજીક ગયા અને ખૂબ ધ્યાનથી જોયું તો બે પથ્થરો એકમેક સાથે ચીપકાઈને પડેલા હતા. શક્તિશાળી શિવાજીએ ખૂબ બળ વાપરી તે બન્ને પથ્થરોને છૂટા પાડયા.

તેમની આંખો સામે જે દ્રશ્ય પ્રગટ થયું તેનાથી તેમના વિસ્મયનો પાર ના રહ્યો. તે બે મોટા પથ્થરોની વચ્ચેના પોલાણમાં દેડકાનું એક નાનું બચ્ચું હતું અને ત્યાં પાણી પણ ભરાયેલું હતું. વધારે આશ્ચર્યની વાત તો એ હતી કે ત્યાં આજુબાજુમાં ક્યાંય પાણી નહોતું. તાજેતરમાં વરસાદ પડયો હોય અને બધે પાણી ભરાયા હોય એવું જરાય પણ નહોતું. સમર્થ રામદાસજીએ શિવાજીને કહ્યું - શિવાજી, તેં જોયું ને ? આ પથ્થરોના પોલાણ વચ્ચે રહેલા પેલા દેડકાના બચ્ચાંને જીવતું રાખવા, તેના પોષણ માટે ત્યાં પાણી ભરવા શું તું આવ્યો હતો ? દરેકના ભરણપોષણની વ્યવસ્થા ઈશ્વર જ કરે છે. જે જન્મ આપે છે તે તેને જીવતું રાખવાની પણ ગોઠવણ કરે છે. તે કીડીને કણ અને હાથીને મણ ખોરાક મળી રહે તેનો પ્રબંધ કરે જ છે. ઈશ્વર આપણને તો માત્ર નિમિત્ત બનાવે છે. ખરો કર્તા તો એ જ છે. આપણા થકી તે જ કાર્ય કરે છે માટે આ મેં કર્યું, હું ના હોત તો આ ના થાત એવું અભિમાન કદી ના કરવું.' ગુરૂ પાસેથી આ જ્ઞાન મળ્યા બાદ શિવાજીએ ક્યારેય પોતાના જીવનમાં બળ, બુદ્ધિ, સત્તા કે સંપત્તિનું અભિમાન આવવા દીધું નહોતું.


Google NewsGoogle News