Get The App

હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર કરનારા શિવાજી મહારાજના ગુરુ સંત સમર્થ રામદાસ ભગવાન શ્રી રામના ભક્ત હતા

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર કરનારા શિવાજી મહારાજના ગુરુ સંત સમર્થ રામદાસ ભગવાન શ્રી રામના ભક્ત હતા 1 - image


- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

- હે પ્રભુ રામ, તમે એક ઇંટ ઉપર આમ એકલા કેમ ઊભા છો ? તમારા ભાઇ લક્ષ્મણ, તમારા અર્ધાંગિની સીતાજી અને કપિરાજ હનુમાનજી અને વાનરોની ભીડ ક્યાં છે?

શિ વાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસનો જન્મ મહારાષ્ટ્રના વર્તમાન જાલના જિલ્લાના જાંબ ગામમાં ઘણું ખરું કરીને સંભવત ઇ.સ.૧૬૦૮માં રામનવમીના દિવસે થયો હોવાનું મનાય છે. તેમના પિતા સૂર્યજીપંત અને માતા રાનુબાઇ થોસર મરાઠી દેશસ્થ ઋગ્વેદી બ્રાહ્મણ હતા. જન્મ સમયે તેમનું નામ નારાયણ હતું. રામદાસના મોટાભાઇનું નામ ગંગાધર હતું. રામદાસ સાત વર્ષની ઉંમરના હતા ત્યારે જ તેમના પિતાનું નિધન થઇ ગયું હતું. પિતાના મરણ બાદ તે અંતર્મુખી થઇ ગયા હતા અને ઇશ્વરના વિચારોમાં ડૂબેલા રહેતા હતા. રામદાસ ભગવાન રામ તથા હનુમાનજીના પરમ ભક્ત હતા.

એવું કહેવાય છે કે ૧૨ વર્ષની ઉંમરે લગ્ન વખતે, ગવાતા મંગલાષ્ટકને અંતે બોલાતા 'સાવધાન...સાવધાન...' શબ્દથી પ્રેરિત થઇ તે વિવાહ સમારોહ છોડી જાંબ પાસે અસંગાઓમાં ભાગી ગયા હતા ત્યાંથી ગોદાવરીના કિનારે ૨૦૦ કિલોમીટરથી પણ વધારે પગે ચાલીને પંચવટી તીર્થ પહોંચી ગયા હતા. પછી તે ગોદાવરી અને નંદિની નદીના સંગમ પર નાસિક પાસે ટફલી જતા રહ્યા હતા. ટફલીમાં તેમણે ૧૨ વર્ષ ભગવાન શ્રીરામની આરાધના કરી તપશ્ચર્યા કરી હતી. ત્યાં તેમણે 'શ્રી રામ જય રામ જય જય રામ' તેર અક્ષરના મંત્રનો ૧૩ લાખ વાર જાપ કરી પુરશ્ચરણ કર્યું હતું. તે પછી તેમણે ભગવાન રામના બીજીવાર દર્શન થયા હતા તે પછી તે નારાયણ નામથી નહીં પણ રામદાસ નામથી ઓળખાવા લાગ્યા હતા. ભગવાન શ્રીરામે તેમને નાસિક, હરિદ્વાર, કાશી વગેરે પવિત્ર સ્થળોએ જવાનો આદેશ કર્યો હતો.

રામદાજી અદ્વૈતવાદી અને ભક્ત બન્ને હતા. તેમનો મહાન ગુણ એ હતો કે તેમણે કોઇ ધર્મ કે રાષ્ટ્ર પરત્વે નફરત બતાવી નહોતી. એમનો મુખ્ય ઉદ્દેશ આખા ભારતમાં હિંદુ ધર્મનો પ્રચાર કરવાનો હતો. રામદાસ પંઢરપુર ગયા નહોતા. તે તીર્થસ્થળ અને તેના મહિમાનો તેમને ખ્યાલ ન હતો. પરંપરા એવું કહે છે કે એકવાર ભગવાન પાંડુરંગ વિઠ્ઠલ એક બ્રાહ્મણના રૂપમાં ૩૦૦ તીર્થયાત્રીઓના એક સમુહ સાથે સંત રામદાસજી આગળ પ્રગટ થયા હતા અને કહેવા લાગ્યા હતા - 'શું તમને ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપના દર્શન કરવામાં કોઇ તકલીફ તો નથી ને ?' રામદાસજીએ જવાબ આપ્યો હતો - 'ના, મારે કોઇ તકલીફ નથી.' તે બ્રાહ્મણે કહ્યું - તો ચાલો, અમારી સાથે પંઢરપુર. જ્યારે તે બધા પંઢરપુરના મંદિર પાસે પહોંચ્યા તે સાથે તે બ્રાહ્મણ એકાએક અંતર્ધાન થઇ ગયો. ત્યારે રામદાસજીને સમજાયું કે તે બીજું કોઇ નહીં, ભગવાન પંઢરનાથ પોતે હતા. જે તેમને આ પવિત્ર તીર્થસ્થળે પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવવા લઇ આવ્યા હતા. જ્યારે તેમને મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે પણ પ્રભુએ એક સુંદર લીલા કરી. રામદાસજીએ તેમના સ્વરૂપનાં દર્શન કરવા તેમની સામે દ્રષ્ટિ કરી ત્યારે પ્રભુએ પોતાનું સ્વરૂપ બદલી નાંખ્યું. રામદાસજીને તે રામ રૂપે દેખાવા લાગ્યા. તેમના દર્શન કરતાં સમર્થ રામદાસજી બોલી ઉઠયાં હતા  - હે પ્રભુ રામ, તમે એક ઇંટ ઉપર આમ એકલા કેમ ઊભા છો ? તમારા ભાઇ લક્ષ્મણ, તમારા અર્ધાંગિની સીતાજી અને કપિરાજ હનુમાનજી અને વાનરોની ભીડ ક્યાં છે ? આ શબ્દો સાંભળતાં જ ભગવાન પંઢરીનાથે પોતાનું સ્વરૂપ બદલી કાઢયું. તે વિઠ્ઠલનાથ રૂપે દેખાવા લાગ્યા. આ લીલા દ્વારા ભગવાને તેમને અનુભવ કરાવ્યો કે ભગવાનના બધા અવતારો ભલે અલગ હોય પણ તે તેમના જ સ્વરૂપો છે.

જ્યારે શિવાજી મહારાજે એક પત્ર લખી પોતાનું રાજ્ય ગુરૂ રામદાસજીને સમર્પી દીધું ત્યારે તેમણે તે પત્ર વાંચી તેને ફાડી નાંખ્યો હતો અને કહ્યું હતું - 'શિવાજી, આ રાજ્ય તારું નથી કે મારૂં ય નથી. - 'સબ ભૂમિ ગોપાલ કી' ન્યાયે બધી જમીન ભગવાનની છે. આપણે કોઇ એના માલિક નથી. આપણે એના રખેવાળી બનવાનું છે. આપણે એ ધરતી પર થતો અત્યાચાર અને અધર્મ અટકાવી હિંદુ ધર્મનું શાસન સ્થાપવાનું છે. દેશના લોકોના દુ:ખ, દર્દ, પીડાને દૂર કરી તેમને સાચા સુખ, શાંતિ મળે તે માટે અધ્યાત્મના માર્ગે લાવવાના છે. તારે મારા વતી ધર્મશાસન ચલાવવાનું છે. તારા જેવા શૂરવીર એક લાખ બીજા શિવાજી જેવા યોદ્ધાઓ તૈયાર કરવાના છે અને દેશને સ્વતંત્ર કરવા સતત પ્રયત્નશીલ રહેવાનું છે. આ જ મારી ગુરુદક્ષિણા છે.'

સમર્થ રામદાસજીએ દાસબોધ, આત્મારામ, મનોબોધ વગેરે ગ્રંથોની રચના કરી છે. તેમનો મુખ્ય ગ્રંથ દાસબોધ ગુરૂ શિષ્ય સંવાદ રૂપે છે. આ મહાન ગ્રંથ તેમણે તેમના પરમ શિષ્ય યોગિરાજ કલ્યાણ સ્વામીના હસ્તે મહારાષ્ટ્રની શિવથર ધલ (ગુફા)માં લખાવ્યો હતો. તેમણે આ ઉપરાંત ૯૦ થી વધારે આરતીઓ, સેંકડો અભંગ અને દેવ-દેવીઓના સ્તોત્રો રચ્યા છે. ઇ.સ.૧૬૮૨માં મરાઠા સામ્રાજ્યના સતારામાં આવેલા સજ્જનગઢ ખાતે સમર્થ રામદાસજીએ પ્રાયોપવેશન એટલે કે મૃત્યુ પર્યંત ઉપવાસ ધારણ કરી, અન્ન જળનો ત્યાગ કરી રામ મંત્રનો સતત જાપ કરી ભગવાન શ્રી રામના સ્વરૂપ સામે દેહત્યાગ કર્યો હતો.


Google NewsGoogle News