વિશિષ્ટાદ્વૈત વેદાંતના પ્રવર્તક શ્રી રામાનુજાચાર્યજી સમતાના સાકાર રૂપ સમા મહાન સંત હતા
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
- 'ભગવન્, મને તમારી અંતિમ ઇચ્છાની ખબર પડી ગઈ છે. હું તમારી આજ્ઞાા માથે ચડાવું છું. હું આ ત્રણે ગ્રંથોની ટીકા જરૂર લખીશ અથવા લખાવીશ.'
શ્રી રામાનુજાચાર્ય અત્યંત વિદ્વાન, સદાચારી, ધૈર્યવાન, સરળ અને ઉદાર સમદર્શી સંત હતા. વિશિષ્ટાદ્વૈત વેદાંતના પ્રવર્તક શ્રીરામાનુજાચાર્ય વૈષ્ણવ પરંપરાના મહાન સંત હતા. જેમનો ભક્તિ પરંપરામાં વિશિષ્ટ પ્રભાવ પ્રવર્તમાન રહ્યો. તેમનો જન્મ ઇ.સ.૧૦૧૭માં શ્રી પેરૂમબુદુર નામના ગામમાં થયો હતો. જે વર્તમાન સમયે તમિલનાડુમા આવે છે. બાળપણમાં તેમણે કાંચી જઈને તેમના ગુરુ યાદવ પ્રકાશ પાસેથી વેદોનું જ્ઞાાન ગ્રહણ કર્યું હતું. શ્રી રામાનુજાચાર્ય આળવાર સંત વેદાંત જ્ઞાાન ગ્રહણ કર્યુ હતું. શ્રી રામાનુજાચાર્ય આળવાર સંત યામુનાચાર્યના પ્રધાન શિષ્ય હતા. તેમના દર્શનનો આધાર વેદાંત ઉપરાંત સાતમી થી દસમી શતાબ્દીના રહસ્યવાદી અને ભક્તિમાર્ગીય આળવાર સંતોનું ભક્તિ દર્શન અને દક્ષિણની પંચરાત્ર પરંપરા હતી. શ્રીરામાનુજાચાર્યની શિષ્ય પરંપરામાં જ રામાનંદ થયા જેમના શિષ્ય કબીર, રૈદાસ વગેરે થયા.
જ્યારે આચાર્ય મહાત્મા આળવંદાર (યામુનાચાર્ય) છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે તેમણે એક શિષ્ય દ્વારા રામાનુજાચાર્યને પોતાની પાસે બોલાવ્યા. પરંતુ તે શ્રીરંગમ્ પહોંચે તે પહેલાં જ આળવંદાર ભગવાનના ધામમાં સિધાવી ગયા રામાનુજાચાર્ય તેમના અંતિમ દર્શન કરવા તેમની પાસે પહોંચ્યા તો જોયું કે તેમના ગુરુ યામુનાચાર્યજીની ત્રણ આંગળીઓ વળેલી છે. તેનું કારણ કોઈ સમજી શક્યું નહીં પણ પોતાના યોગબળથી રામાનુજાચાર્યે જાણી લીધું એ સંકેત તેમના માટે જ હતો. તેમના ગુરુ કહેવા માંગતા હતા. 'રામાનુજ, તમે બ્રહ્મસૂત્ર, વિષ્ણુસહસ્ત્ર નામ, અને આળવારો (આળવન્દારો)ના દિવ્ય પ્રબંધમ્ની ટીકા લખો.' રામાનુજાચાર્યે એમના મૃત શરીરને પ્રણામ કરીને કહ્યું- ' ભગવન્, મને તમારી અંતિમ ઇચ્છાની ખબર પડી ગઈ છે. હું તમારી આજ્ઞાા માથે ચડાવું છું. હું આ ત્રણે ગ્રંથોની ટીકા જરૂર લખીશ અથવા લખાવીશ.' રામાનુજાચાર્ય આટલું બોલ્યા તે જ સમયે એક ચમત્કાર થયો. શ્રી યામુનાચાર્યના મૃત શરીરની વળેલી ત્રણે આંગળીઓ એકદમ સીધી થઈ ગઈ ! તે પછી રામાનુજે યામુનાચાર્યના પ્રધાન શિષ્ય પેરિયનામ્બિ પાસેથી વિધિપૂર્વક વૈષ્ણવ દીક્ષા લીધી. અને ભક્તિમાર્ગમાં પ્રવૃત્ત થઈ ગયા હતા.
શ્રી રામાનુજાચાર્યજીએ તિરુકોટ્ટિયૂરના મહાત્મા નામ્બિ પાસેથી 'ઁ નમો નારાયણાય' એ અષ્ટાક્ષર મંત્રની દીક્ષા લીધી હતી. નામ્બિએ મંત્ર આપતી વખતે કહ્યું હતું - તમે આ મંત્ર ગુપ્ત રાખજો. એ કોઈને આપશો નહીં. પરંતુ રામાનુજાચાર્યજીએ બધી જ્ઞાાતિ-કોમના લોકોને ભેગા કરી. પોતે મંદિરના શિખર પર ચડી એમને બધાને આ મંત્ર સંભળાવ્યો હતો. ગુરુ નામ્બિને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે રામાનુજાચાર્ય પર ખૂબ ગુસ્સે ભરાયા હતા અને તેમને કહ્યું હતું- ' આ અપરાધ બદલ તારે નરક ભોગવવું પડશે.' આ સાંભળી શ્રી રામાનુજાચાર્યજીએ તેમને અત્યંત વિનયપૂર્વક કહ્યું હતું- ભગવન્ ! આ મહામંત્રના ઉચ્ચારણથી હજારો લોકો નરકની યાતનાથી બચી શકે એમ છે તો મને નરક ભોગવવાનું કોઈ દુઃખ નહીં થાય ! લોકોના સુખ અને કલ્યાણ માટે હું નરકની યાતના પણ ઝીલી લેવા તૈયાર છું.' શ્રી રામાનુજાચાર્યજીના આ ઉત્તરથી ગુરુનો ક્રોધ શમી ગયો. તે અત્યંત પ્રેમથી રામાનુજાચાર્યજીને ભેટી પડયા. અને તેમને આશિષ આપ્યા. આ રીતે શ્રીરામાનુજાચાર્યજીએ તેમની સમદર્શિતા અને ઉદારતાનો જગતને પરિચય કરાવ્યો.
શ્રી રામાનુજાચાર્યજી માનતા હતા કે ભગવાનની દ્વષ્ટિએ બધા સમાન છે અને ભગવાન બધાને એકસરખી રીતે પ્રેમ કરે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના નવમા અધ્યાયના ૨૯મા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે- 'સમોડહ્ સર્વ ભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ । યે ભજન્તિ તુ માં ભકત્યા મયિ તે તેષુ ચાળ્યહમ્ ।। હું બધા પ્રાણીઓ પરત્વે સમાન છું. ન હું કોઈને દ્વેષ કરું છું, ન કોઈને પ્રેમ કરું છું. પરંતુ જે મને ભક્તિપૂર્વક ભજે છે તે મારામાં છે અને હું તેમનામાં છું.'
વૈષ્ણવ ધર્મના પ્રસાર-પ્રચાર માટે શ્રીરામાનુજાચાર્યજીએ આખા ભારતવર્ષનું ભ્રમણ કર્યું હતું. તેમણે અનેક ગ્રંથોની રચના કરી. એમાં બ્રહ્મસૂત્રના ભાષ્ય પર લખેલા બે મૂળ ગ્રંથ શ્રીભાષ્યમ્ અને વેદાંત સંગ્રહમ્ સર્વાધિક લોકપ્રિય છે. શ્રીરામાનુચાર્યજી આ ભૂતળ પર ૧૨૦ વર્ષ રહ્યા હતા. એમની સ્મૃતિમાં ૫ ફેબ્રુઆરી ૨૦૨૨ વસંતપંચમીના રોજ હૈદરાબાદમાં શ્રીરામાનુજાચાર્યજીની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. જે ૨૧૬ ફૂટ ઊંચી છે. આ પ્રતિમાને'સમતાની પ્રતિમા' તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે શ્રીરામાનુજાચાર્ય સમતાનું સાકાર રૂપ જ હતા.