સંત એકનાથજીએ યોગબળથી મૃત પિતૃઓને સદેહે પ્રગટ કરી શ્રાદ્ધનું ભોજન આરોગાવ્યું
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
વિદ્યાવિનયસંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિનિ ।
શુનિ ચૈવ શ્વપાકે ચ પણ્ડિતા: સમદર્શિન: ।।
જ્ઞાનીજનો વિદ્યા અને વિનયયુક્ત બ્રાહ્મણમાં, ગાય, હાથી, કૂતરા જેવા પશુઓમાં અને ચાણ્ડાળ જેવી નિમ્ન ગણાતી જાતિમાં જન્મેલા લોકોમાં એમ બધા પરત્વે સમદર્શી હોય છે.
- શ્રીમદ્ ભગવદ્ ગીતા, અધ્યાય-૫, શ્લોક-૧૮
સંત એકનાથ ભારતના પ્રસિદ્ધ સંત હતા. તેમનો જન્મ પૈઠણમાં સંત ભાનુદાસના કુળમાં થયો હતો. લગભગ ૪૦૦ વર્ષ પૂર્વે તેમણે માનવતાની ઉદાર ભાવનાથી પ્રેરાઈને અછૂતોનો ઉદ્વાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે ઉચ્ચ કોટિના સંત હતા, એ સાથે ઉચ્ચ દરજજાના કવિ પણ હતા. ચતુશ્લોકી ભાગવત, પૌરાણિક આખ્યાન અને સંત ચરિત્ર, ભાગવત, રુકિમણી સ્વયંવર, ભાવાર્થ રામાયણ, મરાઠી અને હિન્દીમાં સેંકડો અભંગ, હસ્તામલક શુકાષ્ટક, સ્વાત્મસુખ, આનંદ લહરી, ચિરંજીવ પદ વગેરે આધ્યાત્મિક વિવેચન પર કૃતિઓ, લોકગીતો (ભારુડ)ની રચનાઓ વગેરે એમની સાહિત્યિક કૃતિઓ છે. ભાગવત એમની સર્વોત્તમ રચના છે જેનું સન્માન કાશીના પંડિતોએ પણ કર્યું હતું. તે પ્રથમ મરાઠી કવિ હતા જેમણે લોકભાષામાં રામાયણ પર બૃહદ ગ્રંથ રચ્યો. આ આધ્યાત્મિક, ધાર્મિક કૃતિઓ દ્વારા તેમણે ધર્મનું સાચું સ્વરૂપ સમજાવ્યું અને લોક જાગૃતિનું કામ કર્યું હતું.
એકવાર શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો હતો. સંત એકનાથજીના ઘેર પિતાનું શ્રાદ્ધ કરવાનું હતું. ઘરમાં શ્રાદ્ધના હેતુથી વિવિધ પકવાન સાથે ભોજન બની રહ્યા હતા. રસોઈની સોડમથી વાતાવરણ મઘમઘી રહ્યું હતું. તે વખતે એક ગરીબ ઈલત પરિવાર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. છેલ્લા એકાદ બે દિવસથી એમને પૂરતું જમવાનું મળ્યું નહોતું. સ્વાદિષ્ટ રસોઈની સુગંધથી બાળકોને ભોજન કરવાનું મન થઈ આવ્યું. તે બોલી ઉઠયા - 'વાહ, કેટલી સરસ રસોઈ બની રહી છે. આજે આપણને આ ખાવા મળી જાય તો કેવું સારું ?લ્લ આ સાંભળી તેમની માતા બોલી ઊઠી - 'અરે ! આપણા નસીબમાં આવી સ્વાદિષ્ટ ગરમા ગરમ રસોઈ જમવાનું ક્યાં લખાયું છે ?લ્લ ઘરની બહાર ઊભેલા સંત એકનાથજીના કાનમાં આ શબ્દો પડયા. તેમનું હ્ય્દય કરુણાથી આદ્ર થઈ ગયું. તે વિચારવા લાગ્યા - દરેક માનવીના શરીરમાં અંતર્યામી, આત્મા રૂપે ઈશ્વર રહેલા છે. તે ભોજનથી તૃપ્ત થશે તો તેનામાં રહેલા ભગવાન પણ તૃપ્ત થશે. એટલે તેમણે તે આખા પરિવારને ઘરમાં બોલાવી દીધો. તેમને બેસાડી તેમણે તથા તેમના પત્ની ગિરિજાબાઈએ પ્રેમથી આગ્રહ કરી ભોજન કરાવ્યું. જે વધ્યું તે તેમને ઘેર લઈ જવા આપી દીધું.
શ્રાદ્ધના નિયમ અનુસાર ફરીથી એવી જ રસોઈ બનાવાઈ. શ્રાદ્ધ માટે નિમંત્રિત કરાયેલા બ્રાહ્મણોને જ્યારે એ વાતની જાણ થઈ કે એમના માટે બનાવેલું ભોજન એમના કરતાં પહેલાં દલિત પરિવારને જમાડી દેવાયું છે ત્યારે તેમના ક્રોધનો પાર ન રહ્યો. તેમણે બધાએ સંગઠિત થઈ એકનાથજીને ઘેર ભોજન કરવા આવવાની ના પાડી દીધી. એકનાથજીએ અત્યંત વિનમ્રતાપૂર્વક તેમને સમજાવ્યું કે શ્રાદ્ધના નિયમપૂર્વક અત્યંત શુધ્ધતા સાથે બધી રસોઈ નવી જ બનાવવામાં આવી છે પણ તે ના માન્યા અને એકપણ બ્રાહ્મણ ભોજન લેવા ના આવ્યો.
શ્રાદ્ધનો સમય વીતી રહ્યો હતો. એકનાથજી ચિંતિત હતા કે હવે શું કરીશું ? તે વખતે તેમના પત્ની ગિરિજાબાઈએ કહ્યું - 'તમે આ ભોજન પૃતિઓના માટે બનાવ્યું છે. તો સીધા પૃતિઓને જ તે આરોગવા નિમંત્રિત કરો ને ?લ્લ સંત એકનાથજીને તેમનો વિચાર ગમી ગયો. પછી એકનાથજીએ યથાવિધિ શ્રાદ્ધનો સંકલ્પ કરીને શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું ધ્યાન અને આહ્વાન કર્યું.
એકનાથજીના અનન્ય ભક્તિ, શ્રદ્ધા અને યોગબળના પ્રભાવથી બિછાવેલા આસનો પર મરણ પામેલા પિતૃઓ સદેહે ત્યાં આવીને બેસવા લાગ્યા. એકનાથજી તેમને પ્રેમપૂર્વક પીરસવા લાગ્યા અને તેમણે ધરાઈને ભોજન આરોગીને સંતૃપ્ત થઈને તેમને આશીર્વાદ આપ્યા. તે પછી તે બધા ત્યાંથી અંતર્ધાન થઈને પિતૃલોકમાં સિધાવી ગયા. બ્રાહ્મણોને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે ખૂબ લજ્જિત થયા અને તેમના પસ્તાવાનો પાર ન રહ્યો. જેમના ભાવ અને પ્રભાવથી મરણ પામેલા પિતૃઓ પિતૃલોકમાંથી સદેહે પધારી શ્રાદ્ધનું ભોજન આરોગે એમનો તિરસ્કાર કરીને તેમણે કેટલી મોટી ભૂલ કરી છે. શ્રદ્ધા અને ભક્તિ એટલી મોટી શક્તિ છે. જેનાથી પિતૃઓ જ નહીં, પરમાત્મા પણ પ્રસન્ન થઈ પ્રગટ થઈ જાય છે.