અદ્વૈત વેદાંતનું જ્ઞાન આપનારા, જનક રાજાના ગુરુ, અષ્ટાવક્ર મુનિ

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
અદ્વૈત વેદાંતનું જ્ઞાન આપનારા, જનક રાજાના ગુરુ, અષ્ટાવક્ર મુનિ 1 - image


- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

અષ્ટાવક્ર અદ્વૈત વેદાન્તના મહત્વપૂર્ણ ગ્રંથ 'અષ્ટાવક્ર ગીતા'ના રચયિતા મહાન આત્મજ્ઞાની ઋષિ હતા. શ્વેતકેતુના પિતા ઉદ્દાલક મુનિના એક શિષ્યનું નામ કહોડ હતું. કહોડને બધા વેદોનું જ્ઞાન આપ્યા પછી ઉદ્દાલકે એની સાથે પોતાની સુંદર અને ગુણવતી કન્યા સુજાતાના લગ્ન કરી દીધા. થોડા સમય બાદ સુજાતા ગર્ભવતી બની ગઈ. એક દિવસ કહોડ વેદપાઠ કરી રહ્યા હતા ત્યારે માતાના ઉદરમાં રહેલા ગર્ભસ્થ બાળકે કહ્યું - પિતાજી, તમે વેદનો ખોટો પાઠ કરી રહ્યા છો. એમાં અનેક ભૂલો છે. આ સાંભળતાં જ કહોડ ગુસ્સે ભરાઈને કહેવા લાગ્યા - તું ગર્ભાવસ્થાથી જ મારું અપમાન કરી રહ્યો છે. મારો શાપ છે કે તું આઠ જગ્યાએથી વાંકો થઈ જશે. વાસ્તવમાં એવું જ બન્યું. તે જન્મ્યા ત્યારે આઠ જગ્યાએથી વાંકા હતા એટલે એમનું નામ અષ્ટાવક્ર પડયું. અષ્ટ એટલે આઠ અને વક્ર એટલે વાંકા. બહુવ્રીહિ સમાસ પ્રમાણે - 'આઠ જગ્યાએથી જે વાંકા છે તે.'

અષ્ટાવક્ર બાર વર્ષના હતા ત્યારે રાજ્યના અધિપતિ જનક રાજાએ એક વિશાળ શાસ્ત્રાર્થ સંમેલન યોજ્યું હતું. આખા દેશના પ્રકાંડ પંડિતોને તેમાં સામેલ થવા નિમંત્રણ અપાયું હતું. તેમાં અષ્ટાવક્રના પિતા કહોડ મુનિને પણ નિમંત્રિત કરાયા હતા. જનક મહારાજે ૧૦૦૦ ગાયોના શીંગડા પર સોનું મઢી એમના ગળામાં સુવર્ણજડિત રત્નહાર પહેરાવ્યા હતા અને જાહેર કર્યું હતું કે જે શાસ્ત્રાર્થમાં જીતી જશે તેને આ બધી ગાયો ભેટ રૂપે આપી દેવામાં આવશે કહોડ ઋષિ વંદનિ (બંદી) નામના ઋષિથી હારી જાય એવું લાગતું હતું. આ સમાચાર મળતાં અષ્ટાવક્ર એમની રમત ગમત છોડી રાજાના દરબારમાં ગયા.

આઠ જગ્યાએથી વાંકા શરીરવાળા તેમને આવતા જોઈ શાસ્ત્રર્થ કરવા આવેલા પંડિતો અને શ્રોતાજનો સાથે રાજા જનક પણ હસી પડયા. અષ્ટાવક્રની વિચિત્ર ચાલ જોઈ બધે લગભગ આવું જ થતું. તેમને લોકોની હસી-મજાક અને અપમાન-અનાદરનો ભોગ થવું પડતું. બધા હસતાં હતા તેની સાથે અષ્ટાવક્ર પણ હસવા લાગ્યા. જનકરાજાએ આ જોઈને પૂછયું - 'વત્સ, આ બધા તને જોઈને હસે છે, પણ તું કેમ હસે છે ?લ્લ અષ્ટાવક્રે હસતાં હસતાં જ જવાબ આપ્યો - રાજન્, હું તેમને જોઈને હસું છું. મને તો અહીં ઉપસ્થિત મારા પિતા કહોડ મુનિએ કહ્યું હતું કે અહીં તમારા દરબારમાં તત્ત્વવેત્તા, આત્મજ્ઞાની, વિદ્ધાન લોકો આવવાના છે પણ મને તો અહીં મોટાભાગે બધા ચમાર જ દેખાય છે. આ સાંભળી એકદમ સન્નાટો છવાઈ ગયો. બધા અવાક થઈ ગયા.

જનક રાજા કિશોર અષ્ટાવક્રને કહેવા લાગ્યા - 'વત્સ, તું આટલો મોટો થયો પણ તને એટલોય ખ્યાલ નથી આવતો કે બ્રાહ્મણ પંડિત કેવા હોય અને ચમાર કેવા હોય ?લ્લ અષ્ટાવક્રે જવાબ આપતા કહ્યું - કપાળમાં  ત્રિપુંડ કે તિલક કરી લેવાથી અને ખભા પર જનોઈ ધારણ કરી લેવાથી કઈ બ્રાહ્મણ ન થઈ જવાય. 'બ્રહ્મ જાનાતિ ઈતિ બ્રાહ્મણ : જે બ્રહ્મને જાણે તેને બ્રાહ્મણ કહેવાય.લ્લ આ સભામાં બેઠેલા મોટા ભાગના બ્રાહ્મણોએ મારું વાકું શરીર જોયું, મારી અંદર રહેલો અવિકારી આત્મા ન જોયો. તેમણે મારી ચામડી જોઈ, મારા વક્ર અંગો જોયા. જેની નજર ચામડી કે ચામડા પર જ હોય તેને ચમાર જ કહેવાય ને ? બ્રહ્મવિદ્ બ્રહ્મૈવ ભવતિ. બ્રહ્મને જાણે એ તો બ્રહ્મરૂપ બને. તે તો બધે બ્રહ્મના દર્શન કરે. બ્રહ્મને જાણનાર પંડિત તો બધા પરત્વે અભેદ રાખી સમદર્શી અને સમવર્તી હોય. જનક રાજા અને અન્ય વિદ્વાન પંડિતો અષ્ટાવક્રની વાત સાંભળી ક્ષોભિત થઈ ગયા. અષઅટાવક્રેક જનક રાજાને જીવ, જગત, ઈશ્વર, બ્રહ્મ, આત્મ તત્વનું, ગહન જ્ઞાન આપી તેમના શિષ્ય કરી દીધા.

એક એવી પણ કથા છે કે અષ્ટાવક્રના જન્મપૂર્વે શાસ્ત્રાર્થમાં હારી જવાથી કહોડ મુનિને પાણીમાં ડુબાડી પરલોક પહોંચાડી દેવાયા હતા. અષ્ટાવક્રે વંદનિ (બંટી)ને શાસ્ત્રાર્થમાં કરાવી માંગણી કરી કે તેમણે જે રીતે મારા પિતાને હરાવી પાણીમાં ડુબાડી પરલોક મોકલ્યા તેમ હવે તેમણે પણ જવું જોઈએ. બંદીએ કહ્યું - 'હું વરુણ પુત્ર છું એટલે જેટલા વિદ્વાનોને જળસમાધિ અપાવી તે બધાને વરુણ લોકમાંથી પાછા લાવું છું. એમાં તમારા પિતા પણ હશે. તે રીતે કહોડ મુનિ વરુણલોકમાંથી જીવતા પાછા  આવ્યા હતા, પછી કહોડ મુનિએ પ્રસન્ન થઈ પુત્ર અષ્ટાવક્રને કહ્યું હતું - 'હે મહાજ્ઞાની પુત્ર, તું સમંગા નદીમાં સ્નાન કરી આવ. એનાથી તું મારા શાપથી મુક્ત થઈ જઈશ.લ્લ અષ્ટાવક્રે તે નદીમાં જઈને સ્નાન કર્યું અને તેમના આઠેય વાંકા અંગે સીધા થઈ ગયા હતા. 


Google NewsGoogle News