ભગવાન શ્રીકૃષ્ણ અને તેમની વ્રજભૂમિનો નિત્ય-સંબંધ ઇચ્છનાર ભક્તકવિ રસખાન
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
'ધૂરિ ભરે અતિ શોભિત શ્યામર્જૂ, તૈસી બની સિર સુંદર ચોટી ।
ખેલત ખાત ફિરે અંગના, પગ પૈંજની બાજતી, પીરી કછોટી ।
વા છબીકો રસખાનિ બિલોક્ત વાહન કામ કલાનિધિ કોટી ।
કાગકે ભાગ કહા કહિયે હરિ હાથ સોં લે ગયો માખન રોટી ।।
ધૂલિ-ધૂસરિત (ધૂળથી ખરડાયેલા શ્યામ સુંદર બાળકૃષ્ણ અત્યંત શોભી રહ્યા છે. તે જ રીતે તેમને શોભા આપતી સુંદર ચોટી' તેમના માથે વાળેલી છે. તે રમતા રમતા ખાતા ખાતા આંગણામાં ફરી રહ્યા છે. તેમના પગમાં પહેરાવેલા ઝાંઝરની ઘૂઘરીઓ મધુર રણકાર કરી રહી છે. તેમણે પીળા પીતાંબરની કાછડી વાળેલી છે. રસખાન કહે છે તે સ્વરૂપના દર્શન કરતાં એમ લાગે છે કે કરોડો કામદેવની શોભા પણ તેની આગળ ઝાંખી પડી જાય તેમ છે. તે વખતે એક કાગડો ભગવાન શ્રીહરિના અવતારરૂપ બાળકૃષ્ણના હાથમાંથી માખણ-રોટી ઝૂટવીને લઈ જાય છે એના ભાગ્યની તો શું વાત કહીએ ?
- ભક્ત કવિ રસખાન
રસખાન સગુણ કાવ્યધારાની કૃષ્ણ ભક્તિ શાખાના કવિ હતા. એમનું અસલ નામ સૈયદ ઇબ્રાહીમ હતું. તે દિલ્હીના પઠાણ સરદાર હતા એવું કહેવાય છે. રસખાન કોઈ બાદશાહના વંશજ હતા એવું પ્રેમવાટિકાની આ પંક્તિઓથી સ્પષ્ટ થાય છે. ' દેખિ ગદર હિત સાહિબી, દિલ્લી નગર મસાન ।
છિનહિં બાદસા-વંશકી, ઠસક છોરિ રસખાન ।।
સૈયદ ઇબ્રાહિમ ખાનનું તખલ્લુસ (ઉપનામ) રસખાન હતું. પાછળથી તે એ જ નામથી ઓળખાયા. તેમના જન્મના વર્ષ અને સ્થાન બન્ને અંગે જુદા જુદા મત પ્રવર્તે છે. કેટલાક વિદ્વાન ઇ.સ.૧૫૩૩માં તેમનો જન્મ થયો હોવાનું માને છે તો મિશ્રબંધુ ઇ.સ.૧૫૪૮માં થયો હોવાનું માને છે. કેટલાક પિહાની (હરદોઈ) માં તો કેટલાક અમરોહામાં થયો હોવાનું માને છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી (ગુસાંઈજી) પાસેથી દીક્ષા ગ્રહણ કરી ભક્તિમાર્ગીય રીતથી જીવન જીવી તે વૃંદાવનમાં રહેવા લાગ્યા હતા. એમનું મૃત્યુ ઇ.સ.૧૬૨૮માં થયું હતું. એમની સમાધિ મથુરાથી પૂર્વમાં છ માઈલ દૂર મહાવનમાં આવેલી છે. રસખાનના બે પુસ્તકો પ્રસિદ્ધ છે. સુજાન રસખાન અને પ્રેમવાટિકા. સુજાન રસખાનની રચના કવિત્ત અને સવૈયા છંદોમાં થઈ છે. અને પ્રેમવાટિકાની રચના દોહા છંદમાં થઈ છે. સુજાન રસખાન ભક્તિ અને પ્રેમવિષયક મુક્તક કાવ્ય છે. અને તેમાં ૧૩૯ ભાવપૂર્ણ છંદો છે. પ્રેમ વાટિકામાં ૨૫ દોહામાં પ્રેમના સ્વરૂપનું કાવ્યાત્મક વર્ણન છે. તેમના કાવ્યોમાં ભાષા-સૌંદર્ય સાથે ભાવ-સૌંદર્ય પણ સરસ રીતે અભિવ્યક્ત થયું છે. રસખાન આરંભથી જ પ્રેમી વ્યક્તિ હતા. એમનો લૈકિક પ્રેમ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે અલૌકિક પ્રેમભાવમાં પરિવર્તિત થઈ ગયો હતો. તે શ્રીકૃષ્ણના રૂપ સૌંદર્ય પર મોહિત હતા. તે રીતે તેમની લીલાભૂમિ વ્રજના પ્રાકૃતિક સૌંદર્ય પર પણ મુગ્ધ હતા.
ભગવાન શ્રીકૃષ્ણ અને વ્રજભૂમિ સાથે સદાય જોડાઇ રહેવા માટે તેમની અંતરતમની મહેચ્છા તેમના આ સવૈયામાં સરસ અભિવ્યંજિત થાય છે- 'માનુષ હૌ તો વહી રસખાનિ બસૌ વ્રજ ગોકુલ ગાંવ કે ગ્વારન । જો પશુ હો તો કહો બસૌ મેરો, ચરૌ નિત નંદકી ધેનું મંઝારન । પાહન હૌ તો વહી ગિરિ કો ધરયૌ કર છત્ર પુરંદર કારન । જો ખગ હૌ તો બસેરૌ કરૌ નિત કુલ કદંબકી ડારન । હે ઇશ્વર ! તમે મને (રસખાનને) આવતા જન્મમાં મનુષ્ય બનાવવા માંગતા હો તો મને વ્રજભૂમિના ગોકુળ ગામમાં ગોવાળ બનાવજો. મનુષ્ય યોનિમાં જન્મ લેવાને લાયક મારા કર્મ ના હોય અને મને પશુ બનાવવા માંગતા હો તો મને નંદરાયજીની એ ગાય બનાવજો જેને ચરાવવા ભગવાન શ્રીકૃષ્ણ નિત્ય વનમાં જાય છે. જો મને પક્ષી બનાવવા માંગતા હો તો મને યમુના નદીના કિનારા પર ઉગેલા કદંબ વૃક્ષની ડાળી પર બેસતું પક્ષી બનાવજો જેને ભગવાન શ્રીકૃષ્ણના નજીકથી દર્શન થાય છે અને તેમની વેણુના શ્રવણનો લાભ પ્રાપ્ત થાય છે. પશુ-પક્ષીને બદલે મને પથ્થર બનાવવા માંગતા હો તો બીજે ક્યાંય નહીં, હરિદાસવર્ય એવા એ ગિરિરાજ પર્વતનો પથ્થર બનાવજો જેને ઇન્દ્રના કોપથી વરસતા વરસાદથી વ્રજભક્તોને બચાવવા ભગવાન શ્રીકૃષ્ણે ડાબા હાથની ટચલી આંગળી પર ધારણ કરી રાખ્યો હતો. રસખાનજીએ તો કૃષ્ણલીલાના અદ્ભુત દર્શન પણ કર્યા હતા. 'દેખ્યો, દુરયૌ વહ કુંજ કુટિરમેં બેઠયો પલોટત રાધિકા પાયન- દૂર રહેલી નિકુંજની કુટિરમાં બેસીને શ્રીરાધિકાજીના પગ દબાવતા શ્રીકૃષ્ણને મેં જોયા.'
Happy New Year
વંદન કરવાનું નવું વરસ આવ્યું !!
* છોડો રાગ-દ્વેષને, આ નવું વરસ આવ્યું,
પ્રગટાવો પ્રેમ દિપ, આ નવું વરસ આવ્યું.
* મનથી કરો મનના મેળ, આ નવું વરસ આવ્યું,
જીવન- માંગલ્ય કરવાનું આ નવું વરસ આવ્યું.
* હળી મળીને રહેવાના- શુભ સંકલ્પો લાવ્યું,
વસુધૈવ-કુટુંબકમ્ની દિવ્ય ભાવનાઓ લાવ્યું.
* દરેક માટે સુખ- સમૃદ્ધિની પ્રાર્થનાઓ લાવ્યું
શુભ દૃષ્ટિ કેળવવા-જાગૃતિનું વરસ આવ્યું.
* ગયેલા દુ:ખો-પાપોને ભૂલવાનું વરસ આવ્યું,
સહુને વંદે, વંદન કરવાનું વરસ આવ્યું.