પુષ્ટિમાર્ગના પ્રસ્થાપક શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી
- વિચાર-વીથિકા - દેવેશ મહેતા
चिंता कापि न कार्या निवेदितात्मभिः कदापीति ।
भगवानपि पुष्टिस्थो न करिष्यति लौकिकींच गतिम् ।।
આત્મ-નિવેદન કરેલ ભગવદીય જનોએ કયારેય પણ અને કશી પણ ચિંતા ન કરવી. ભગવાન અત્યંત કૃપાળુ છે. તે ભગવદીયજનોની લૌકિક દશા કરશે જ નહીં.
चित्तोद्वेगं विधायापि हरिर्यधत् करिष्यति ।
तथैव तस्य लीलेति मत्वा चिन्तां दुतं त्यजेत् ।।
ચિત્તનો ઉદ્વેગ કરીને પણ શ્રીહરિ જે કરશે તે તેની લીલા છે એમ માનીને જલદી ચિંતાનો ત્યાગ કરવો.'
- શુદ્ધાદૈત સિધ્ધાંતના પુરસ્કર્તા, પુષ્ટિમાર્ગના સંસ્થાપક, વૈષ્ણવોના પરમ આચાર્ય શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું પ્રાક્ટય સંવત ૧૫૩૫ના ચૈત્ર વદ અગિયારસ તા.૨૭ એપ્રિલ ૧૪૭૯ને રવિવારના રોજ ચમ્પારણ્યમાં થયું હતું. એમના પિતાનું નામ શ્રી લક્ષ્મણભટ્ટજી હતું. જેમણે એમના પૂર્વજોએ શરૂ કરેલો સોમો સોમયજ્ઞા પૂર્ણ કર્યો હતો. તેમના માતાનું નામ ઇલ્લમાગારુજી હતું. શ્રી વલ્લભ બાળપણથી જ અત્યંત મેઘાવી અને ધર્મપરાયણ હતા. બાળપણમાં જ તેમણે બધા વેદો શીખી લીધા હતા. નારાયણ દીક્ષિત પાસે વ્યાકરણ, ન્યાય વગેરે શીખ્યા હતા. ત્યાર પછી કાશી જઈને આંધ્રના માધવેન્દ્ર યતિ પાસે ભાગવત, ગીતા, પંચરત્ન વગેરેનો અભ્યાસ કર્યો હતો. તેમના પ્રકાંડ પાંડિત્યથી તે શાસ્ત્રાર્થ કરતા અને પ્રતિસ્પર્ધીને હરાવી દેતા. તેમને 'બાળ સરસ્વતી'ની ઉપાધિ મેળવી હતી.
શ્રી વલ્લભાચાર્યજીએ સ્થાપેલો પુષ્ટિમાર્ગ એટલે ભગવત્કૃપાનો માર્ગ. પુષ્ટિ એટલે પોષણ અને કૃપા. પુષ્ટિમાર્ગે અનુગ્રહ એવ નિયામક સ્થિતિ : પુષ્ટિમાર્ગમાં બધું જ ભગવત્કૃપા પર અવલંબિત છે. ભગવાન પોતાના વિશિષ્ટ પ્રમેય બળથી જીવનો ઉદ્ધાર કરે છે. ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે. 'નાયમાત્મા પ્રવચનેન લભ્યો, ન મેધયા બહુના શ્રુતેન । યમેવૈષવૃણુતે તેન લભ્ય : તસ્યૈષ આત્મા વિવૃણુતે તનું સ્વામ્ ।। આ પરમાત્મા વેદના વચનોથી મળતો નથી, બુધ્ધિથી મળતો નથી કે બહુ શાસ્ત્રોનું શ્રવણ કરવાથી પણ મળતો નથી. તે પરમાત્મા જેનું વરણ કરે છે તેને જ પ્રાપ્ત થાય છે.
તેની આગળ તે પોતાનું સ્વરૂપ પ્રકટ કરે છે.' પુષ્ટિ માર્ગમાં સેવા, ભગવત્નામ-સ્મરણ અને સત્સંગનો મહિમા છે. શ્રી વલ્લભાચાર્યજી કહે છે ' કૃષ્ણસેવા સદા કાર્યો માનસી સા પરા મતા- ભગવાન શ્રીકૃષ્ણની સેવા હમેશાં કરવી જોઈએ એમાં માનસી સેવા તનુજા અને વિત્તજા એ બે કરતાં વધારે ચડિયાતી છે. ચેતસ્તત્ પ્રવણં સેવા તત્ સિદ્ધયૈ તનુ વિત્તજા । તત : સંસાર દુ:ખસ્ય નિવૃત્તિબ્રહ્મબોધનમ્ ।। ચિતને શ્રીકૃષ્ણભગવાનમાં પરોવી રાખવું તેનું નામ સેવા. તે માનસી સેવાની સિદ્ધિ માટે તનુજા અને વિત્તજા સેવા કરવી. તેનાથી સંસારના દુ:ખોનું નિવારણ થાય છે અને બ્રહ્મનું જ્ઞાન થાય છે. (સિદ્ધાન્ત મુકતાવલી- શ્લોક ૧,૨)
શ્રાવણ સુદ એકાદશીની રાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણે પ્રગટ થઈ શ્રી મહાપ્રભુજીને દૈવી જીવોના ઉદ્ધાર માટે બ્રહ્મસંબંધ કરાવવાની આજ્ઞા કરી હતી. બ્રહ્મસંબંધ દીક્ષામાં જીવ પોતાનું બધું પ્રભુને સમર્પણ કરે છે માટે તેને 'નિવેદન મંત્ર' પણ કહે છે. આ મંત્રનો ભાવાર્થ આ પ્રમાણે છે- 'ભગવાન શ્રીકૃષ્ણથી વિખૂટા પડયે હજારો વર્ષોનો સમય પસાર થઈ જવાથી, ભગવાનને મેળવવા માટે હૃદયમાં જે તાપ કલેશનો આનંદ થવો જોઈએ તે, જેનો તિરોધાન થયો છે તેવો હું જીવ, ભગવાન શ્રીકૃષ્ણને ગોપીજનવલ્લભને દેહ-ઇન્દ્રિયો-પ્રાણ- અંત:કરણ અને તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આ લોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ ! હું તમારો છું.'
નિવેદન મંત્ર સંસારમાં મૃત:પ્રાય બનેલા જીવને પ્રભુ પ્રેમના અમૃતરસમાં ડૂબાડી સજીવન કરનાર એક દિવ્ય રસાયણ સમાન છે. આ મંત્રમાં મુખ્ય બે ભાવનાઓ રહેલી છે. એક સમર્પણની અને બીજી તદીપત્વની. બ્રહ્મસંબંધ દીક્ષાથી જીવના બધા જ દોષોની નિવૃત્તિ થઈ જાય છે. બ્રહ્મસંબંધ કરણાત્ સર્વેષાં દેહજીવયો : સર્વદોષનિવૃત્તિં । જેમ ગંગાનો સંબંધ કરીને બધા જ પ્રકારનું જળ ગંગા રૂપ બની જાય છે તે રીતે બ્રહ્મનો સંબંધ કરીને જીવ પણ બ્રહ્મરૂપ બની જાય છે.