ભક્ત અર્જુનના શરીરના રૂંવાડામાંથી પ્રકટ થતો હતો ભગવાન શ્રીકૃષ્ણનો નામ-ધ્વનિ
- વિચાર-વીથિકા દેવેશ મહેતા
એષ નારાયણ : કૃષ્ણઃ ફાલ્ગુનશ્ચ નર સ્મૃત :।
નારાયણો નરશ્ચૈવ સત્વમેંક દ્વિધા કૃતૃમ્ ।।
(મહાભારત-ઉધોગપર્વ, ૪૯/૨૦)
ભગવાન શ્રી હરિ ભક્તો પર કૃપા કરવા માટે, જગતના કલ્યાણ માટે અને સંસારમાં ધર્મની સ્થાપના માટે અનેક અવતારો ધારણ કરે છે. નર-નારાયણ આ બે રૂપમાં લોકમંગલ માટે બદરિકાશ્રમમાં તપ કરે છે. શ્રીકૃષ્ણ અને અર્જુનના રૂપમાં તે જ દ્વાપરના અંતમાં પૃથ્વી પર અવતીર્ણ થયા હતા. અર્જુનની શૂરવીરતા, ધર્મનિષ્ઠા, ઉદારતા, ભગવદ્ભક્તિ અને તેમના પર ભગવાનની કૃપાનું મહાભારતમાં વિસ્તારથી વર્ણન છે. અર્જુન ભગવાન શ્રીકૃષ્ણના નિત્ય પાર્ષદ છે, નારાયણના નિત્ય સંગી નર છે. એકવાર દુર્યોધને પણ કહ્યું હતું - 'અર્જુન શ્રીકૃષ્ણનો આત્મા છે અને શ્રીકૃષ્ણ અર્જુનનો આત્મા છે. શ્રીકૃષ્ણ વગર અર્જુન જીવતા રહેવા ઇચ્છતા નથી અને અર્જુન માટે શ્રીકૃષ્ણ પોતાનો દિવ્ય લોક પણ ત્યજી દેવા તૈયાર છે. 'ભગવાન શ્રીકૃષ્ણ ! પોતે અર્જુનને પોતાનો પ્રિય સખા અને પરમ ઇષ્ટ કહે છે. ભગવાન શ્રીકૃષ્ણે પોતાનો અને અર્જુનનો પરસ્પર પ્રેમ ટકી રહે અને નિરંતર વધતો રહે તે માટે અગ્નિ નારાયણ પાસેથી વરદાન પણ માંગ્યું હતું.
અર્જુનનો કૃષ્ણ પ્રેમ કેવો હતો તે દર્શાવતો એક સુંદર પ્રસંગ કથા-સાહિત્યમાં આલેખિત થયેલો છે. એકવાર ભગવાન શિવ કૈલાસ પર્વત પર એમના અર્ધાંગિની પાર્વતી સાથે વાર્તાલાપ કરતાં ભગવદ્ ભક્તોના મહિમાનું વર્ણન કરતા હતા. તેમણે કહ્યું- ભગવાનને પોતાનો ભક્ત અતિ પ્રિય છે જે લૌકિક-પારલૌકિક કામનાઓનો ત્યાગ કરી ભગવાનમાં પોતાનું ચિત્ત લગાવી રાખે છે. આવા ભક્તના દર્શન કરવા અને તેની સેવા કરવી એ સૌભાગ્યની વાત છે જે દેવોને પણ દુર્લભ છે. આ સાંભળી પાર્વતી ભગવાન શિવને કહેવા લાગ્યા- આવા ઉત્તમ ભગવદ્ભક્તના દર્શન કરવા આજે તમે મને લઈ જાઓ. ભગવાન શિવ પાર્વતીને લઈને ધરતી પર આવ્યા. તેમણે પાર્વતીને કહ્યું- ભગવાન શ્રીકૃષ્ણે જેમનું સારથી પદ સ્વીકાર્યુ તે શ્રેષ્ઠ ભક્ત અર્જુનના દર્શન કરાવવા હું તમને લઈ જઉં છું, તે હસ્તિનાપુર આવ્યા ત્યારે ખબર પડી કે અર્જુન શયનકક્ષમાં સૂઈ રહ્યા છે. અર્જુનની નિદ્રામાં બાધા ન આવે તે હેતુથી શિવજીએ જાગે એની રાહ જોવા લાગ્યા. તેમણે ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કર્યું અને મનથી ત્યાં પધારવા સંદેશ મોકલ્યો. ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવ, રુકિમણી, અને સત્યભામાને લઈને ત્યાં આવી પહોંચ્યા. શિવજીએ કહ્યું- પાર્વતી અર્જુનના દર્શન કરવા માંગે છે. તમે અંદર જઈને જુઓ કે અર્જુન ઊંઘમાંથી જાગ્યા છે કે નહીં.
તે ચારેય અર્જુનના મહેલમાં પ્રવેશ્યા પછી ઘણો સમય વીતવા છતાં તે પાછા ન આવ્યા કે કોઈ સંદેશો ન આવ્યો. એટલે શિવજીએ બ્રહ્માજીનું સ્મરણ કર્યું. તે પ્રગટ થયા એટલે તેમને તપાસ કરવા અંદર મોકલ્યા. બ્રહ્માજીના અંદર ગયા પછી પણ કોઈ સંદેશો ના આવ્યો. એટલે તેમણે નારદજીનું સ્મરણ કર્યું. તે પ્રગટ થયા એટલે તેમને પણ અંદર મોકલ્યા. તે પણ પાછા ન ફર્યા. થોડીવાર પછી નારદજીની વીણામાંથી મધુર ધ્વનિ પ્રગટ થવા લાગ્યો અને એમના સંકીર્તનનો અવાજ આવવા લાગ્યો. પાર્વતી કહેવા લાગ્યા- આ તો જે અંદર જાય છે તે અંદર જ રહી જાય છે. કોઈ બહાર આવતું નથી. ચાલો, આપણે જાતે જ અંદર જઈને જોઈએ કે ત્યાં શું ચાલી રહ્યું છે.
શિવ-પાર્વતીએ મહેલમાં પ્રવેશી અર્જુનના કક્ષમાં જઈને જોયું તો પલંગ પર સૂઇ રહેલા અર્જુનની બાજુમાં બેસીને સુભદ્રા તેમને પંખો નાંખી રહ્યા હતા. તેમની બાજુમાં સત્યભામા બેસી ગયા હતા. થોડી થોડીવારે તે પણ સુભદ્રા પાસેથી પંખો લઈ અર્જુનને પંખો નાંખી રહ્યા હતા. રુકિમણી અર્જુનના પગ પાસે બેસી તેમના પગ દબાવી રહ્યા હતા. ઉદ્વવ પણ તેમની સેવામાં નિરત થઈ ગયા હતા. થોડી પળો બાદ સત્યભામા, રુકિમણી અને ઉદ્ધવ આશ્ચર્યચકિત બની બની એકબીજા સામે જોવા લાગ્યા. ભગવાન શ્રીકૃષ્ણે તેમને પૂછયું કેમ શું થયું ? તમે આ રીતે વિસ્મયથી એકબીજા તરફ કેમ જોઈ રહ્યા છો ? તો તેમણે કહ્યું- 'તમે પોતે જ અહીં નજીક આવીને જુઓ અને સાંભળો, તેમણે નજીક આવીને જોયું તો અર્જુનના રૂંવાડામાંથી આછો ધ્વનિ આવી રહ્યો હતો. તે બધાએ ત્યાં વારાફરતી કાન ધરીને સાંભળ્યું તો અર્જુનના રોમરોમમાંથી શ્રીકૃષ્ણ.. શ્રીકૃષ્ણ... શ્રીકૃષ્ણ એવો ભગવાન નામનો ધ્વનિ પ્રકટ થઈ રહ્યો હતો.
આ સાંભળી ભગવાન શ્રીકૃષ્ણ પ્રેમવિભોર બની અર્જુનની પાસે બેસી ગયા અને રુકિમણીના સાથે અર્જુનના પગ દબાવવા બેસી ગયા હતા. બ્રહ્માજીએ અંદર આવીને જોયું તો તે ચારેય મુખોથી વેદ સ્તુતિ કરવા લાગી ગયા હતા. પછી નારદજી અંદર આવ્યા અને આ અદ્ભુત, વિરલ દ્વશ્ય જોયું તો તે વીણા વગાડી કીર્તન કરવા લાગી ગયા હતા. શિવ-પાર્વતીએ પણ છેલ્લે અંદર આવીને આવીને આ જોયું તો તે પણ ડમરૂ વગાડી નૃત્ય કરવા લાગી ગયા હતા. અર્જુનની આંખો ખૂલી અને તેમણે પૂછયું- અહીં અત્યારે શેનો ઉત્સવ ચાલી રહ્યો છે ? તેનો જવાબ આપતાં શિવજીએ કહ્યું- 'અર્જુન !' તમારા રૂંવાડામાંથી શ્રીકૃષ્ણના નામનો ધ્વનિ પ્રગટ થઈ રહ્યો છે તે સાંભળી તમારી પ્રેમ ભક્તિથી પ્રમુદિત થઈ બધા આ મહોત્સવ ઉજવી રહ્યા છે.