રાણી રત્નાવતીની અનન્ય ભક્તિના પ્રતાપે ભગવાને તેમનું અનેકવાર રક્ષણ કર્યું !
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
- રાણી રત્નાવતીએ જરાય ગભરાયા વગર એકદમ શાંતિથી કહ્યું- આ તો આનંદનો અવસર છે. આજે તો મારા ભાગ્ય ખૂલી ગયા કે મારા પ્રભુ, પ્રહલાદના સ્વામી ભગવાન નૃસિંહજી પધારી રહ્યા છે
આં બેરના પ્રસિદ્ધ મહારાજા માનસિંહના નાના ભાઇ માધોસિંહની પત્નીનું નામ રત્નાવતી હતું. તે રૂપરૂપના ભંડાર જેવું શરીર - સૌંદર્ય તો ધરાવતી જ હતી પણ તેનાથી વિશેષ તે ગુણોનો રત્નાકર હતી. સુંદરતા, શાલીનતા, વિનય, વિવેક, સદ્ગુણ, સદાચાર બધું જ તેનામાં પ્રકૃતિએ પારાવાર ભરેલું હતું. સતી ચરિત્ર નારીઓની જેમ તે પતિ પ્રેમ પરાયણા હતી. મહેલની દાસીઓ પણ તેના નિરભિમાની અને મધુર સ્વભાવથી રાજી રહેતી અને તેને પોતાની માતા સમાન માનતી. મહેલની એક ભગવદ્ ભક્ત દાસીના કારણે રત્નાવતીમાં પણ ભગવાનની ભક્તિના અંકુર ઉત્પન્ન થયા હતા અને તે સતત વિકસતા રહીને વટવૃક્ષ જેવા થઇ ગયા હતા.
રત્નાવતી પેલી દાસીને ભક્તિ કેમ વધે તેના ઉપાયો પૂછતી. કૃષ્ણ દર્શન માટે ઉત્સુક તે દાસીને કહેતી - 'કછુક ઉપાય કીજૈ, મોહન દિખાય દીજૈ, તબ કી તો જીજૈ, વે તો આનિ ૩૨ અડે હૈ' કોઇ ઉપાય કરો, મને મોહનના દર્શન કરાવો, તો જ આ જીવન ટકશે અરે ! તે મોહન મારા હૃદયમાં આવીને અટકી ગયા છે. ભગવાનની ભક્તિ જેમ જેમ વધવા લાગી તેમ તેમ તેને સંસારના સુખ ફીકા લાગવા માંડયાં.
રાજા માધોસિંહને રત્નાવતીની સાધુ સંગત ગમી નહીં. તેણે અટકાવવાનો પ્રયત્ન કર્યો પણ ગંગાના ભારે પૂરની જેમ વહી રહેલી તેના હૃદયની પ્રભુ પ્રેમની ધારાઓને કોઇ અટકાવી શકે તેમ નહોતું. જેવું મીરાબાઇ સાથે થયું તેવું રત્નાવતી સાથે થયું. રાજાએ તેને મારી નાંખવાનું ષડયંત્ર ગોઠવ્યું. તે પ્રમાણે તેમણે રાણી ભગવાનની પૂજા અર્ચના કરી રહી હતી તે વખતે સિંહના પાંજરામાંથી સિંહને મુક્ત કરી દીધો. દાસીએ સિંહને જોયો અને બૂમ પાડી ઉઠી - 'પાંજરામાંથી સિંહ છુટી ગયો છે. આ તરફ આવી રહ્યો છે. ભાગીને જલદી અંદર જતા રહીએ.પરંતુ પૂજામાં પ્રેમથી પરોવાયેલ રાણીએ તે જાણે સાંભળ્યું જ નહીં. સિંહને તેમની તરફ વધારે નજીક આવતો જોઈને દાસી ગભરાઇને બોલી ઉઠી - 'રાણીજી, સિંહ તો ખૂબ નજીક આવી ગયો. ભાગો..ભાગો..'
રાણી રત્નાવતીએ જરાય ગભરાયા વગર એકદમ શાંતિથી કહ્યું- આ તો આનંદનો અવસર છે. આજે તો મારા ભાગ્ય ખૂલી ગયા કે મારા પ્રભુ, પ્રહલાદના સ્વામી ભગવાન નૃસિંહજી પધારી રહ્યા છે. હવે તેમની પૂજા કરીએ. સિંહ એકદમ નજીક આવીને ઉભો રહ્યો. રાણીએ તેની પૂજા કરવા કંકાવટી પાત્ર હાથમાં ઉઠાવ્યું. સિંહના માથા પર તિલક કરવા જતા હતા ત્યારે આશ્ચર્ય જોયું તો ત્યાં સિંહ નહોતો પણ સાક્ષાત્ નૃસિંહ ભગવાન ઉભા હતા. ભક્તેચ્છા પૂરક ભગવાન રત્નાવતી માટે પેલા સિંહના સ્થાને સ્વયં પ્રગટ થઇ ગયા. રાણીએ તેમનું પ્રેમથી પૂજન કર્યું પછી ભગવાન અદ્રશ્ય થઇ ગયા. પેલો સિંહ પાછો ફરી ગયો અને ષડયંત્ર કરનારા જેમને તેને પાંજરામાંથી છૂટો કર્યો હતો તેમને મારી નાંખ્યા. માધોસિંહની આંખો ખૂલી ગઇ. તેણે રાણીની ક્ષમા માંગી અને તેને પ્રણામ કર્યાં.
એકવાર મહારાજા માનસિંહ તેમના નાના ભાઇ માધોસિંહ સાથે કોઇ મોટી નદીને નાવ પર સવાર થઇને ઓળંગી રહ્યા હતા તે વખતે તોફાન આવ્યું. હોડી હાલક ડોલક થઇ ડૂબવા લાગી. માનસિંહે ગભરાઇને કહ્યું - ભાઇ, એવું લાગે છે કે હવે આપણે ડૂબી જઇશું. મને આપણા બચવાનો કોઇ ઉપાય દેખાતો નથી.'એ સાંભળી માધોસિંહ બોલી ઉઠયા - તમારા આ ભાઇની વહુ એટલે કે મારી પત્ની રત્નાવતી ભગવાનની કૃપાપાત્ર ભક્ત છે. ભગવાન એની વાત સાંભળે છે અને તેની ઇચ્છાને પૂરી કરે છે. તે અત્યારે તો આપણી સાથે નથી પણ આપણે તેનું ધ્યાન કરી તેના નામથી પ્રભુને પ્રાર્થના કરીએ.' તેમણે સાચા હૃદયથી રત્નાવતીનું ધ્યાન કર્યું. તેને પ્રાર્થના કરી કે તે ભગવાનને એવું કહે કે તે આ નાવને પાર ઉતારી દે. સાચે જ, ચમત્કાર થયો. તેમણે જોયું તો એકાદ બે પળમાં જ તેમની હોડી કિનારે ઉભેલી હતી ! બંને ભાઇ જાણે તેમનો નવો જન્મ થયો હોય એમ જોઈને આનંદ વિભોર બની ગયા.
આ તો સામાન્ય નદી અને નાવ હતા. સાચા ઉત્તમ કોટિના ભક્તોનો સંગ કરીને ભગસાગરથી પણ તરી જવાય છે. ભક્તોના સંગથી, સત્સંગ દ્વારા ભગવાનના ચરણની ભક્તિ દ્રઢ થાય છે. ભગવાનના ચરણરૂપી નૌકા સંસાર સાગરને ગાયના વાછરડાના પગની ખરીથી પડેલા ખાડામાં ભરાયેલા જળને ઓળંગવા જેવો સરળતાથી પાર કરવા જેવો બનાવી દે છે.