કૃષ્ણભક્ત કવિ રહીમની દયાળુતા .
- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
- રહીમ સતસઇ, રાસ પંચાધ્યાયી, રહીમ રત્નાવલી, ભાષિક ભેદવર્ણન, દોહાવલી, નગરશોભા, બરવે નાયિકા ભેદ, શૃંગાર સોરઠા, મદનાષ્ટક, ખેટ કૌતુક જાતકમ્ જેવી એમની મુખ્ય કાવ્ય રચનાઓ છે. આ બધી રચનાઓ રહીમ ગ્રંથાવલિમાં સમાવિષ્ટ છે
- રહીમના કાવ્યમાં રામાયણ, મહાભારત, પુરાણ અને ગીતા જેવા ગ્રંથોના કથાનકોના ઉદાહરણો પ્રસ્તુત થયા છે જે તેમનો ભારતીય સંસ્કૃતિ તરફનો પ્રેમ અને આદર પ્રસ્તુત કરે છે. તે અકબરના નવ રત્નોમાંના એક હતા
ભક્તિકાલના પ્રમુખ કવિ રહીમનું મૂળ નામ અબર્દુરહીમ ખાન- એ ખાના હતું. તે સેનાપતિ, પ્રશાસક આશ્રયદાતા, દાનવીર, કૂટનીતિજ્ઞા, બહુભાષાવિદ, કલાપ્રેમી અને બહુશ્રુત વિદ્વાન હતા. તે ભારતીય સંસ્કૃતિના અનન્ય આરાધક, બધા ધર્મ અને સંપ્રદાયો પ્રત્યે સમાદર રાખનારા સત્યનિષ્ઠ સાધક હતા. જન્મથી મુસલમાન હોવા છતાં ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણની ભક્તિમાં પરાયણ હતા. તે વિશાળ હૃદયના, દયાળુ, પરોપકારી અને માનવ પ્રેમના સૂત્રધાર હતા.
રહીમ માત્ર પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના પિતા બૈરમ ખાઁની હત્યા કરી નાખવામાં આવી હતી તે પછી તેમનું પાલન-પોષણ- પ્રશિક્ષણ બાદશાહ અકબરે પોતાના ધર્મપુત્રની જેમ કર્યું હતું. રહીમ ધર્મથી મુસલમાન અને સંસ્કૃતિથી શુદ્ધ ભારતીય હિંદુ સમાન હતા. રહીમના કાવ્યમાં રામાયણ, મહાભારત, પુરાણ અને ગીતા જેવા ગ્રંથોના કથાનકોના ઉદાહરણો પ્રસ્તુત થયા છે જે તેમનો ભારતીય સંસ્કૃતિ તરફનો પ્રેમ અને આદર પ્રસ્તુત કરે છે. તે અકબરના નવ રત્નોમાંના એક હતા. રહીમ સતસઇ, રાસ પંચાધ્યાયી, રહીમ રત્નાવલી, ભાષિક ભેદવર્ણન, દોહાવલી, નગરશોભા, બરવે નાયિકા ભેદ, શૃંગાર સોરઠા, મદનાષ્ટક, ખેટ કૌતુક જાતકમ્ જેવી એમની મુખ્ય કાવ્ય રચનાઓ છે. આ બધી રચનાઓ રહીમ ગ્રંથાવલિમાં સમાવિષ્ટ છે. આમાં રાસ પંચાધ્યાયી ગ્રંથ અપ્રાપ્ય છે.
ભક્ત કવિ રહીમના કેટલાય દોહાઓ અત્યંત પ્રસિદ્ધ અને લોકજીભે ચડેલા છે :
'રહિમન ધાગા પ્રેમકા, મત તોરો ચટકાય ।
ટૂટે પે ફિર ના જુરે, જુરે ગાંઠ પરી જાય ।।
રહીમ કહે છે કે પ્રેમનો સંબંધ એકદમ નાજુક હોય છે, તેને ઝટકો મારીને તોડવો યોગ્ય નથી. આ પ્રેમનો નાજુક તાંતણો એકવાર તૂટી જાય તો એને જોડવો બહુ મુશ્કેલ હોય છે. તે પહેલાંની જેમ આખો, એવો ને એવો તો રહેતો જ નથી. તેને જોડવામાં આવે તો બન્ને વચ્ચે ગાંઠ તો રહે જ છે.
'રૂઠે સુજન મનાઈએ, જો રૂઠે સૌ બાર ।
રહિમન ફિરિ ફિરિ પોઈએ, ટૂટે મુકતાહાર ।।
તમારા પ્રિય સ્વજન તમારાથી સો વાર પણ રિસાઈ જાય તોય તેમને મનાવી લેવા જોઈએ. મૂલ્યવાન મોતીઓની માળા તૂટી જાય તો આપણે તે મોતીઓને ફરી ફરી દોરામાં પરોવી દઈએ છીએ.
રહીમ એમના નામ પ્રમાણે કેટલા દયાળુ અને ઉદાર હતા તે આ એક પ્રસંગમાં સ્પષ્ટ દેખાય છે. એકવાર બાદશાહ અકબરના માણસો તેમને પાલખીમાં બેસાડી દરબારમાં લઈને જઈ રહ્યા હતા. રસ્તાની વચ્ચે ઉભા રહેલા એક ગરીબ ભિખારી જેવા માણસને સૈનિકોએ દૂર ખસી જવા આદેશ કર્યો. પેલા માણસે કોણ જાણે કેમ, ગુસ્સે ભરાઈને લોખંડનો એક મોટો વજનદાર ટુકડો જે રસ્તાની ધાર પર પડયો હતો તે ઉઠાવીને રહીમ તરફ ફેંક્યો. તે તેમના માથાની એકદમ નજીકથી વાળને ઘસાઈને પાલખીની પાછળની દીવાલને અથડાઈને નીચે પડયો તે બાલ બાલ બચી ગયા.
સૈનિકો તેને પકડીને રહીમજી પાસે લઈ આવ્યા અને કહેવા લાગ્યા - ' આ રહ્યો તમને મારનારો દુષ્ટ માણસ. તમારે એને જે સજા કરવી હોય તે કરો. બાદશાહને કહીને તેને ફાંસીની સજા અપાવો. આ સાંભળી રહીમજી કહેવા લાગ્યા- 'આ દુષ્ટ નથી. અતિ સજ્જન છે. એને છોડી દો. તે સજાને પાત્ર નથી, પુરસ્કારને પાત્ર છે.' પછી તે માણસને બે હાઠ જોડી કહેવા લાગ્યા- 'ભાઈ, તારી દ્રષ્ટિ બહુ ઉદાર છે. તું માને છે એટલો મહાન હું નથી. તારા મનમાં એમ હતું કે સંતપુરુષો પારસમણિ જેવા હોય છે. તેથી તેમને લોખંડનો સ્પર્શ કરાવી સોનું મેળવી લઉ. પણ હું એવો સંત નથી બની શક્યો. છતાં તે મને એવો માન્યો તે તારી મહાનતા છે. મારો દેહરૂપી પારસમણિ લોખંડને સુવર્ણમાં ફેરવી શકે એવો નથી બન્યો પણ મને એવો આદર આપવા બદલ હું તને ધન્યવાદ આપું છું- હું મારા ખજાનામાંથી તો તને સુવર્ણ આપી શકું છું. પછી તેમણે પોતાના ખજાનાનો વહીવટ કરનારા અધિકારીને બોલાવી તેને કહ્યું- આ લોખંડનો વજનદાર ટુકડો લઈ જાવ, તેનું વજન કરી તેના ભારોભાર સોનું મારા ભંડારમાંથી આ વ્યક્તિને ભેટ આપો.
આમ, રહીમજીએ તેમને મારવા માટે તેમના તરફ લોખંડનો ટુકડો ફેંકનારને સજા કર્યા વગર કે સહેજ પણ હડધૂત કર્યા વગર ક્ષમા કરી છોડી દીધો એટલું જ નહીં, તેની દુષ્ટ ક્રિયાનો હકારાત્મક અર્થ કાઢી તેની ગરીબી દૂર કરવા સોનાનું દાન પણ કરી દીધું.