સંત શિરોમણિ રૈદાસજીએ પુરવાર કરી બતાવ્યું મન ચંગા તો કથરોટ મેં ગંગા
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
- સંત રૈદાસજીએ કહ્યું- હા, ભક્તિ અને ભાવ રાખો તો તેમ પણ બની જાય. તે જળમાં જેવી ભાવના રાખી હોય તેવો પ્રભાવ તીર્થદેવતા કે ગંગા મૈયા ઉત્પન્ન કરી દે
ગુરુ રવિદાસજી (રૈદાસજી) ભારતના સંત શિરોમણિ હતા. મધ્યકાલીન ભારતીય સંત કવિ તરીકે તેમની ખ્યાતિ વિશ્વભરમાં વ્યાપેલી છે. તેમણે રવિદાસીયા પંથની સ્થાપના કરી હતી. તેમના થકી રચાયેલા કેટલાક ભક્તિપદો-ભજન સિખ સંપ્રદાયના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબમાં પણ સમાવિષ્ટ થયેલા છે. તેમણે નાત-જાતના ભેદભાવો મિટાવી- તેનું ખંડન કરી આત્મજ્ઞાાનનો માર્ગ બતાવ્યો હતો.
ગુરુ રવિદાસજીનો જન્મ કાશીમાં માધ પૂર્ણિમાના રોજ રવિવારે સંવત ૧૪૩૩માં થયો હતો. આ અંગે એમનો એક દોહો પ્રસિદ્ધ છે - ચૌદહ સૌ તૈંતીસ કી માધ સુદી પન્દરાસ । દુખિયો કે કલ્યાણ હિત પ્રગટે શ્રી ગુરુ રવિદાસજી. તેમના પિતાનું નામ સંતોખદાસ અને માતાનું નામ કલસા દેવી હતું. સંત શિરોમણિ રવિદાસજી કહેતા હતા કે ઇશ્વરની ભક્તિ માટે સદાચાર, પરોપકાર, પરહિતભાવના હોવા જરૂરી છે. તેમના એક ભજનમાં તે કહે છે- કહ રૈદાસ તેરી ભગતિ દૂરિ હૈ, ભાગ બડે સો પાવૈ । તજિ અભિમાન મેટિ આપા પર, પિપિલક હવૈ ચુનિ ખાવૈ ।। ઇશ્વરની ભક્તિ મોટા ભાગ્યથી પ્રાપ્ત થાય છે. અભિમાન છોડીને રહેનાર વ્યક્તિ જ જીવનમાં સફળ થાય છે. વિશાળકાય હાથી સાકર (ખાંડ)ના કણોને વીણવા અસમર્થ રહે છે જ્યારે નાનકડા કદની કીડીએ કણોને સરળતાથી વીણી લે છે. આ રીતે અભિમાન અને મોટાઈના ભાવનો ત્યાગ કરીને વિનમ્રતાપૂર્વક આચરણ કરનાર મનુષ્ય જ ઇશ્વરનો ભક્ત થઈ શકે છે.
સંતવર્ય રૈદાસજીની વાણી ભક્તિની સાચી ભાવના, સમાજના વ્યાપક હિતની ભાવના અને માનવ પ્રેમથી ઓતપ્રોત હતી. 'સર્વભૂતહિતેરતા : બધા પ્રાણીઓના કલ્યાણમાં નિમજ્જ હોવાથી તે ઇશ્વરનો સાક્ષાત્કાર કરી લેતા હતા. સત્ય-ધર્મ પરાયણ સમદ્રષ્ટિથી તે બધામાં ઇશ્વરના દર્શન કરતા હતા. મીરાબાઈ પણ તેમની ભક્તિ ભાવનાથી પ્રભાવિત થઈ તેમના શિષ્ય બની ગયા હતા. વર્ણાશ્રમ અભિમાન તજી, પદરજ બંદહિ જાસુ કી । સંદેહ ગ્રંથિ ખણ્ડન-નિપન, બાની વિમુલ રૈદાસ કી । સંત રૈદાસજી ચમાર જાતિમાં જન્મ્યા હતા અને ચંપલ બનાવવાનું કામ કરતા હતા. તે એમના કર્મને ઇશ્વર ઉપાસના સમજતા અને ચંપલ બનાવતા બનાવતા પણ ઇશ્વરનું નામ સ્મરણ કરતા.
કાશીમાં એક સુંદર ઘટના બની હોવાનું કહેવાય છે. એક દિવસ એક સ્ત્રી ગંગાજીમાં સ્નાન કરી રહી હતી ત્યારે તેના હાથમાં પહેરેલી સોનાની બંગડી હાથમાંથી સરકીને ગંગાના પાણીમાં પડી ગઈ. તે સ્નાન કરીને બહાર આવી ત્યારે તેનું આ બાબતે ધ્યાન ગયું. તેણે અને બીજા લોકોએ એ શોધી પણ ના મળી. ગંગાના ધસમસતા પ્રવાહમાં આગળ જઈને તેને શોધવાનું શક્ય નહોતું. તે સ્ત્રી દુઃખી થઈને રડવા લાગી હતી પણ તે અંગે કશું થઈ શકે એમ નહોતું.
આ ઘટના બની તે વખતે સંત રૈદાસજી તેની નજીકમાં ગંગા કિનારે જ બિરાજમાન હતા. તે કેટલાક લોકોને સમજાવી રહ્યા હતા. વ્યક્તિની નાત-જાત, બાહ્ય પરિસ્થિતિ જરાય મહત્વના નથી. એનું અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. ગંગામાં ડૂબકી મારનારનું પણ અંતઃકરણ અશુદ્ધ હોય તો તેનાથી સાધારણ સ્નાનથી વધારે કોઈ ફળ મળતું નથી. એનાથી ઊલટું મન પવિત્ર રાખીને ક્યાંય પણ સ્નાન કર્યું હોય તો એનું ગંગાસ્નાન જેટલું જ પુણ્ય મળી જાય છે. વિચાર અને ભાવ શુદ્ધ હોય તો જ્યાં બેઠા હોઈએ ત્યાં તીર્થ પ્રગટ થઈ જાય છે. પોતાની સામે રહેલી એક કથરોટ જેમાં પાણી ભરેલું હતું તે બતાવીને સંત શિરોમણિ રૈદાસજી કહેવા લાગ્યા- ' મન ચંગા તો કથરોટ મેં ગંગા.'
આ સાંભળી એક વ્યક્તિએ પૂછયું- શું આ કથરોટમાં પણ ગંગા આવી ગઈ ગણાય ?' સંત રૈદાસજીએ કહ્યું- હા, ભક્તિ અને ભાવ રાખો તો તેમ પણ બની જાય. તે જળમાં જેવી ભાવના રાખી હોય તેવો પ્રભાવ તીર્થદેવતા કે ગંગા મૈયા ઉત્પન્ન કરી દે. પેલી વ્યક્તિએ કહ્યું - ' જો આ કથરોટમાં ગંગા હોય તો પેલી દુઃખીયારી સ્ત્રીની સોનાની બંગડી તેમાં જ હશે. તો તેમાંથી તે શોધી આપો ને ? સંત રૈદાસજી તો ઉચ્ચ કોટિના સિદ્ધ પુરુષ હતા. તેમણે કહ્યું- હા, એ સ્ત્રીની બંગડી ગંગાજીમાં પડી ગઈ છે તો આ કથરોટની ગંગામાંથી પણ મળશે. ગંગા મૈયા આમાથી તે પ્રગટ કરશે. તેમણે પ્રબળ શ્રદ્ધાપૂર્વક કથરોટના જળમાં હાથ નાંખ્યો અને તેમાંથી તે સ્ત્રીની સોનાની બંગડી બહાર કાઢી તે વ્યક્તિને આપતા કહ્યું- જાવ આ બંગડી એને આપી દો અને કહેજો કે ગંગાજીએ તેને તે પાછી આપી છે. રૈદાસજીએ કથરોટની ગંગામાંથી તે તેને શોધી આપી છે. અનેક યોગસિદ્ધ અને દૈવી શક્તિ હોવા છતાં સંત શિરોમણિ રવિદાસજી (રૈદાસજી) અત્યંત વિનમ્રતાથી, નિરાભિમાન રહી ભગવાનની ભક્તિમાં જ પરાયણ રહેતા હતા.