ભગવાન શ્રીકૃષ્ણની માધુર્ય ભક્તિના કવયિત્રી મીરાબાઇ
- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
- મીરાબાઇના લગ્ન ચિત્તોડના સિસોદિયા વંશમાં મહારાણા સાંગાજીના જયેષ્ઠ (મોટા) કુંવર ભોજરાજની સાથે થયા. મીરાબાઇની કૃષ્ણપ્રીતિ એવી હતી કે તેમણે લગ્ન સમયે પણ પેલી મૂર્તિ પોતાનાથી અળગી ના કરી
મૈં તો ર્સાંવરે કે રંગ ર્રાંચી !
સાજિ સિંગાર બાંધે પગ ધુધરૂ, લોક લાજ તજી નાંચી ।।
ગઇ કુમતિ લઇ સાધુકી સંમતિ, ભગતરૂપ લઇ સાંચી ।।
ગાય - ગાય હરિ કે ગુણ નિસદિન, કાલ વ્યાલ સે બાંચી ।।
ઉણ બિન સબ જગ ખારો લાગત, ઔર બાત સબ કાંચી ।।
મીરા શ્રી ગિરધરન લાલ ર્સૂં ભગતિ રસીલી મંચી ।।
સોળમી શતાબ્દીની કૃષ્ણભક્ત રહસ્યવાદી કવયિત્રી મીરાબાઇ (૧૪૯૮-૧૫૪૭)નું જન્મ વખતનું નામ જશોદારાવ રતનસિંહ રાઠોડ હતું. તેમનો જન્મ પાલીના કુડકી ગામમાં દૂદાજીના ચોથા પુત્ર રતનસિંહના ઘેર થયો હતો. બાળપણથી તેમનામાં કૃષ્ણભક્તિ તરફ રૂચિ ઉદ્ભવી હતી. એક દિવસ એમના ઘેર એક સાધુ આવ્યા. તેમની પાસે ભગવાન શ્રીકૃષ્ણની ખૂબ સુંદર મૂર્તિ હતી. મીરાને તે બહુ જ ગમી ગઇ અને તે તેને આપી દેવા સાધુને વિનંતી કરવા લાગી. તેના ભાવ અને લગનને જોઇ તેણે તે મીરાને આપી દીધી અને કહ્યું - 'આ ભગવાન છે. એમનું નામ ગિરિધર' તું દરરોજ એમની પ્રેમપૂર્વક સેવા કરજે. તું એનાથી દૂર ના થઇશ તો એ તારાથી પણ દૂર નહીં થાય. મીરાબાઇએ તેમની વાત માની લીધી અને તે ભગવાન જ છે એવી શ્રધ્ધા રાખી તેને સેવા - અર્ચના કરવા લાગી. થોડા સમય બાદ મીરા સ્વયં પદોની રચના કરવા લાગી અને તે મૂર્તિ સન્મુખ બેસીને ગાતી તે સાંભળી બધા ભાવ વિભોર થઇ જતાં.
મીરાબાઇના લગ્ન ચિત્તોડના સિસોદિયા વંશમાં મહારાણા સાંગાજીના જયેષ્ઠ (મોટા) કુંવર ભોજરાજની સાથે થયા. મીરાબાઇની કૃષ્ણપ્રીતિ એવી હતી કે તેમણે લગ્ન સમયે પણ પેલી મૂર્તિ પોતાનાથી અળગી ના કરી. ભોજરાજ સાથે ફેરા ફરતી વખતે પણ તેમણે તે મૂર્તિ પોતાની સાથે રહે એવી વ્યવસ્થા કરી લીધી હતી. તેમણે મનમાં એવી ભાવના કરી કે ભોજરાજ સાથે નહીં, પણ ગિરિધર - ગોપાલ સાથે ફેરા ફરી રહી છે. લગ્ન બાદ મીરાબાઇએ ભોજરાજ સાથે ગૃહિણી ધર્મ ના નિભાવ્યો અને વધુને વધુ કૃષ્ણભક્તિ કરતી રહી. પહેલાં તો ભોજરાજ તેનાથી નારાજ થયા પણ તેમની સરળ હૃદયની શુદ્ધ ભક્તિથી પ્રસન્ન થઇ તેમને ભક્તિનો માર્ગ મોકળો કરી આપ્યો. તેમના માટે જુદું કૃષ્ણ મંદિર પણ બનાવી આપ્યું. એવું કહેવાય છે કે, થોડા સમય પછી મીરાની સંમતિથી ભોજરાજે બીજા લગ્ન કરી લીધા હતા. એનાથી મીરાબાઇ પણ રાજી થયા હતા. ભોજરાજ ૧૫૧૮માં દિલ્હી સલ્તનત સાથે ચાલતા યુદ્ધમાં ઘાયલ થયા હતા અને તેના ઘાથી ૧૫૨૧માં મરણ પામ્યા હતા. તે પછી તેના પિતા અને સસરા રાણા સાંગાનું પણ મરણ થઇ ગયું હતું. પતિને મૃત્યુ બાદ મીરાબાઇને પતિ સાથે સતી કરવાનો પ્રયાસ કરાયો હતો પણ મીરાબાઇ તે માટે તૈયાર નહોતા થયા. તેમણે તો પતિના મૃત્યુ પછી પણ પોતાનો શૃંગાર ઉતાર્યો નહોતો કેમ કે તે ગિરિધરને જ પોતાના પતિ માનતા હતા. પછી મીરાબાઇ વિરક્ત બની. સંસારથી સાવ અલિપ્ત થઇ સાધુ-સંતોની સંગતમાં હરિકીર્તન કરી એમનો સમય વીતાવવા લાગ્યા. રાણા સાંગાના મરણ બાદ વિક્રમસિંહ મેવાડના શાસક બન્યા. તેમને મીરાબાઇનું ભજન - કીર્તન, નાચવું, ગાવું જરાય પસંદ નહોતું. એટલે તેમણે અનેકવાર મીરાબાઇને મારી નાંખવાના પ્રયાસો કર્યા. મીરાને ભગવાનના ચરણામૃતના નામે ઝેર ભરેલો કટોરો મોકલ્યો. ભગવાન શ્રીકૃષ્ણના પ્રસાદ રૂપે મોકલેલું તે મીરા ના પીએ એવું બને ખરૃં ? તે તો એ પ્રેમથી પી ગયા. એમની પૂર્ણ શ્રધ્ધાએ ચમત્કાર કર્યો. તે ચરણામૃત જ બની ગયું. તેમના પર ઝેરની કોઇ અસર ના થઇ. તેમણે એક પદમાં આ કહ્યું પણ ખરૃં - રાણાજી જહર દિયો મેં જાણી । જિણ હરિ મેરો નામ નિવેરયો, છરયો દૂધ અરુ પાણી ।।
બીજા એક પ્રસંગે રાણાએ મીરાને મારી નાંખવા માટે એક કરંડિયામાં કાળી નાગણને પૂરીને એમાં શાલિગ્રામ છે એમ કહીને મોકલ્યો હતો. મીરાએ શાલિગ્રામના દર્શન કરવા શ્રધ્ધાપૂર્વક તે ખોલ્યો તો તે સાચેસાચ શાલિગ્રામ બની ગયો. શાલિગ્રામ અને તુલસીની માળા નિહાળીને મીરાબાઇ નાચવા લાગ્યા હતા અને ગાવા લાગ્યા હતા. 'મીરા મગન ભઇ હરિ કે ગુણ ગાય । સાંપ પિટારા રાણા ભેજ્યા, મીરા હાથ દિયા જાય, ન્હાય ધોય જબ દેખણ લાગી સાલગરામ ગઇ પાય ।।' એકવાર વિક્રમસિંહે મીરાબાઇને પાણીમાં ડૂબીને મરી જવાનું કહ્યું. તે કુદીને પાણીમાં પડતા પણ પાણીમાં તરતા જ રહેતાં. ઘરના લોકોના આવા ત્રાસથી મીરાબાઇ વૃંદાવન અને દ્વારિકા જતા રહ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થઇ તેમને દર્શન પણ આપતા અને તે ગાતાં - 'આજ મૈં દેખ્યો ગિરિધારી, સુંદર બદન મદન કી શોભા, ચિતવન અણિયારી, માધુરી મૂર્તિ વહ પ્યારી । ઇ.સ.૧૫૪૭ દ્વારિકાના મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણનું સકીર્તન કરતા કરતાં તે તેમની મૂર્તિમાં વિલીન થઇ ભગવાન શ્રીકૃષ્ણના સાયુજ્યને પ્રાપ્ત થઇ ગયા હતા.