ભગવાન બુદ્ધે સમ્રાટ બિમ્બિસારની મહારાણી ક્ષેમાના દેહાભિમાનને દૂર કરી આત્મોદ્ધારનો માર્ગ બતાવ્યો
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
ક્ષેમા દોડીને ભગવાન બુદ્ધ પાસે આવી અને તેમના ચરણોમાં નમન કરી ક્ષમા માંગવા લાગી. તેણે બુદ્ધને કહ્યું - 'હે ભગવાન્, મને આત્મોદ્ધારનો માર્ગ બતાવો. હવે મારે એ માર્ગે જ જવું છે.'
મગધરાજ બિમ્બિસાર પહેલા બૌદ્ધધર્મના અનુયાયી હતા પણ રાણી ચેલનાના ઉપદેશોથી પ્રભાવિત થઇ તેમણે પાછળથી જૈન ધર્મ અપનાવી લીધો હતો. તે પંદર વર્ષની ઉંમરે જ રાજા બની ગયા હતા. તેમણે એમના પુત્ર અજાતશત્રુ માટે રાજ-પાટ ત્યજી દેવાની પૂર્વે બાવન વર્ષ રાજ્ય કર્યું. પ્રસેનજિતની બહેન અને કૌશલ દેશની રાજકુમારી મહાકૌશલા એમની પ્રથમ પત્ની હતી. ચેલના, ક્ષેમા (ખેમા), સીલવ, જયસેના એવી એમની બીજી અનેક પત્નીઓ હતી. તેમણે એમના રાજ્યનો વિસ્તાર કરવા માટે વૈશાલી રાજ્યની રાજકુમારી સાથે પણ લગ્ન કર્યા હતા. પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરવા તેમણે લગ્નના ગઠબંધનનો ઉપયોગ કર્યો હતો. વિખ્યાત ગણિકા આમ્રપાલી (અંબપાલી)ને પણ તેમની પત્નીનો દરજ્જો મળ્યો હતો. તેમના દ્વારા તેમને વિમલ કુન્દન્ના નામનો પુત્ર પ્રાપ્ત થયો હતો. બૌદ્ધગ્રંથ મહાવગ્ગ અનુસાર બિમ્બિસારની ૫૦૦ પત્નીઓ હતી.
સુત્તનિપાતની અટ્ટકથાના પબ્બજ સુત્ત અનુસાર બિમ્બિસારે ગૌતમ બુદ્ધના પ્રથમ દર્શન પાણ્ડવ પર્વતની નીચે પોતાના રાજભવનના ગવાક્ષ (ઝરુખા)માંથી કર્યા હતા અને તેમની પાછળ જઇને તેમને પોતાના રાજભવનમાં પધારવા નિમંત્રિત કર્યા હતા. ગૌતમ બુદ્ધે તેમના નિમંત્રણનો અસ્વીકાર કર્યો. તે પછી તેમના સદ્ભાવ અને આગ્રહથી તેમને ફરીથી રાજગીર આવવા નિમંત્રણ આપ્યું. તે વખતે તેમણે તે સ્વીકાર્યું પણ રાજમહેલમાં રહેવાને બદલે તેમણે બેલવનને તેમનું વિશ્રામસ્થળ બનાવ્યું હતું.
સમ્રાટ બિમ્બિસાર બુદ્ધને ખુબ જ માનતા હતા અને તેમના ઉપદેશથી પ્રભાવિત હતા. તેમનું રાજગીરમાં સ્વાગત કરવા તેમણે ખૂબ તૈયારીઓ કરાવી હતી. સમ્રાટ મહારાણી ક્ષેમાને લેવા તેમના કક્ષમાં ગયા તો તેમણે જોયું કે તે ઉદાસ અને અન્યમનસ્ક છે અને એ સ્વાગત-ઉત્સવમાં સામેલ થવા સજ્જ નથી થઇ. તેણે સાદા વસ્ત્રો પહેર્યા છે અને કોઇ આભૂષણ-અલંકારો ધારણ કર્યા નથી. એટલે તેમણે તેને પૂછયું - પ્રિયતમા, તમે હજુ તૈયાર થયા નથી ? બધા ગૌતમ બુદ્ધનું સ્વાગત કરવા તૈયાર થઇને બેઠા છે. બુદ્ધના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. રાજકુલના આવા મહાન અતિથિની અવમાનના સારી નહીં. તમે આ પ્રસંગે હાજર નહીં હો તો બધાનું ધ્યાન ખેંચાશે.
મહારાણી ક્ષેમાએ તેમને કહ્યું - 'જે વ્યક્તિ માટે સંસાર સાર વગરનો હોય, જેમને સૌંદર્યની કોઇ કદર ન હોય, એમની પાસે જઇને શો લાભ ? તે તો એમ જ કહેશે - આ સંસાર એક ભ્રમ છે. સંસારના સુખો માયાજાળ જેવા મિથ્યા છે. શરીર માટે શું મોહ રાખવાનો? એ તો નાશવંત છે અને એક દિવસ સ્મશાનમાં બળીને રાખ થઇ જવાનું છે. હું તો શરીરને પ્રેમ કરનારી અને સૌંદર્યની આરાધના કરનારી છું. મને મારા સૌંદર્ય અને શરીરનું અપમાન થાય એ પસંદ નથી. સમ્રાટ બિમ્બિસારના સમજાવવા છતાં ક્ષેમા બુદ્ધના સ્વાગત સમારોહમાં ન ગઈ.
થોડી જ પળોમાં ભગવાન બુદ્ધ બેલવનમાં પધારી ચૂક્યા છે એની ઘોષણા થઇ. સમ્રાટ બિમ્બિસાર તેમનું સ્વાગત કરવા દોડયા. તેમની ભાવપૂર્વક આગતા-સ્વાગતા કરી. ભગવાન બુદ્ધ ક્ષેમાના પિતાને ઓળખતા હતા. તેમણે ક્ષેમાની ક્ષેમ-કુશળ પૂછી. મહાજ્ઞાાની બુદ્ધને ક્ષેમા કેમ આવી નથી તેનું કારણ સમજાઈ ગયું. તેની સુંદરતાના અભિમાનને કારણે જ તે મારી પાસે આવી નથી. આવું અપ્રતિમ સુંદર શરીર એક દિવસ નાશ પામવાનું છે. અને સંસારનું બધું સુખ, ભોગ-વિલાસ છૂટી જવાના છે. એવી કલ્પના કરતાં પણ તે ડરે છે. જીવનની અનિત્યતા અને મરણની નિશ્ચિતતાની હકીકતનો તે સ્વીકાર કરી શકતી નથી. ભગવાન બુદ્ધે એના અંતરાત્મામાં આ સત્યની પ્રતીતિ કરાવવાનો નિશ્ચય કર્યો. તેમણે પોતાની યોગ શક્તિથી ક્ષેમાના ચિત્તમાં યોગનિદ્રા ઉત્પન્ન કરી. આ સ્થિતિમાં તેણે જોયું કે એનાથી પણ વધારે સુંદર એવી અપ્સરાઓ ભગવાન બુદ્ધને ચામર ઢોળી રહી છે. યોગનિદ્રા એટલે કે સંમોહનની એ સ્વાન જેવી અવસ્થામાં પળે પળે દ્રશ્યો પલટાઈ રહ્યા છે. એ અપ્સરાઓની બાલ્યાવસ્થા, કિશોર અવસ્થા, યૌવન અવસ્થા અને ઘડપણની અવસ્થાના એને દર્શન થયા. એ મોહક સુંદરીઓની ઘડપણની દશા જોઇને તેના શરીરમાંથી કંપારી છૂટી ગઇ. આગળથી એકદમ વાંકુ વળી ગયેલું શરીર, શિથિલ થઇ ગયેલા અંગોપાંગો, કરચલીઓ પડી ગયેલી ચામડી, ધોળા થઇ ગયેલા વાળ, દાંત પડી ગયેલા બોખા મુખ અને અંતે સ્મશાનના અગ્નિમાં બળી રહેલું શરીર આ બધુ જોઇ ઉદાસ, વ્યગ્ર, વિષાદગ્રસ્ત થઇ ગઇ. તેની યોગનિદ્રા તૂટી ગઈ પણ તે સાથે તેનો મોહ છૂટી ગયો.
ક્ષેમા દોડીને ભગવાન બુદ્ધ પાસે આવી અને તેમના ચરણોમાં નમન કરી ક્ષમા માંગવા લાગી. તેણે બુદ્ધને કહ્યું - 'હે ભગવાન્, મને આત્મોદ્ધારનો માર્ગ બતાવો. હવે મારે એ માર્ગે જ જવું છે.' ભગવાન બુદ્ધે તેમના ધીર, ગંભીર, શાંત અવાજે કહ્યું - 'બેટી ક્ષેમા ! આત્મોદ્ધાર અને આત્મકલ્યાણનો માર્ગ તને મળી ગયો જ છે. તું તારા બાહ્ય સૌંદર્યને ભૂલીને ભીતરના સૌંદર્યની શોધ કર. તને તારી બહાર નહીં, અંદર સુખ મળશે. શરીરના સંબંધથી નહીં, આત્માના સંબંધથી સુખ, શાંતિ અને સંતોષ મળશે. સંસારથી અલિપ્ત અને અનાસક્ત રહીશ એટલે આત્મસુખ સતત અનુભવ થતું રહેશે. તારું હૃદય પરિવર્તન થઇ ગયું છે એટલે તું આત્મોદ્ધારના પથ પર આવી જ ગઈ છે.