શબરીના ગુરુ મતંગઋષિ વિરકત તપસ્વી અને સમદર્શી મહાત્મા હતા

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
શબરીના ગુરુ મતંગઋષિ વિરકત તપસ્વી અને સમદર્શી મહાત્મા હતા 1 - image


- વિચાર-વીથિકા દેવેશ મહેતા

શબરીના ગુરુ મતંગઋષિ વિરકત તપસ્વી અને સમદર્શી મહાત્મા હતા 2 - imageમતંગ રામાયણકાલીન એક ઋષિ હતા જે શબરીના ગુરુ હતા. તે એક બ્રાહ્મણીના ગર્ભથી ઉત્પન્ન એક નાપિત (નાઈ, હજામ)ના પુત્ર હતા. બ્રાહ્મણીના પતિએ તેમનુ પોતાના પુત્રની જેમ જ પાલન-પોષણ કર્યું હતું. જ્યારે તેમને આ વાતની જાણ થઈ કે હું બ્રાહ્મણ પુત્ર નથી ત્યારે તેમણે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવા માટે ઘોર તપશ્ચર્યા કરી હતી. ઇન્દ્રના વરદાનથી મતંગ 'છન્દોદેવ' નામથી પ્રસિદ્ધ થયા હતા. વાલ્મીકિ રામાયણ અનુસાર ઋષ્યમૂક પર્વત પાસે એમનો આશ્રમ હતો જ્યાં ભગવાન શ્રીરામ લક્ષ્મણ સાથે પધાર્યા હતા.

શબરીના પિતા ભીલોના રાજા હતા. પિતાએ શબરીના લગ્ન એક ભીલ જાતિના યુવક સાથે કરવાનું નક્કી કર્યું હજારો ભેંસો અને બકરાં લગ્નમાં બલિદાન આપવા લાવવામાં આવ્યા. આ જોઈ શબરીનું મન અત્યંત ઉદ્વિગ્ન થઈ ગયું અને તે લગ્ન નિમિત્તે કરનારી પશુહિંસાને નિવારવા અડધી રાતે ઘર છોડીને ભાગી ગઈ. ભાગતા ભાગતાં એક દિવસ તે દણ્ડકારણ્યમાં પમ્પાસર પહોંચી ગઈ. ત્યાં મતંગઋષિ એમના શિષ્યોને જ્ઞાાન આપી રહ્યા હતા. તેનાથી શબરીના મન પર ખૂબ અસર પડી અને તે એમના તે આશ્રમથી થોડે દૂર પોતાની નાની સરખી ઝૂપડી બનાવીને રહેવા લાગી. તે અછૂત હતી એટલે રાત્રે છુપાઈને જે રસ્તે મતંગ ઋષિ આવતા જતા હતા. ત્યાંથી કાંટા - કાંકરા વીણી લઈને તેને સાફ કરીને લીંપી લેતી હતી. એકવાર ઋષિના શિષ્યોએ આ જોઈ લીધું એટલે તેને મતંગ ઋષિ પાસે લઈ આવ્યા. તેમને એમ કે મુનિ એને ઠપકો આપશે. એના બદલે મુનિએ તેની ભક્તિ અને સેવાભાવનાની પ્રશંસા કરી અને કહ્યું- 'ભગવદ્ ભક્તિમાં જાતિ કોઈ મુસીબત સર્જતી નથી. શબરી પવિત્ર અને શુદ્ધ છે. તે કઈ જાતિમાં જન્મી છે તેનું કોઈ મહત્વ નથી. ભગવાનને માટે નાત-જાતનો કોઈ ભેદ નથી. તે પછી તે રોજ મતંગ મુનિના આશ્રમમાં આવી તેને સ્વચ્છ કરતી અને મુનિની સેવા-શૂશ્રૂષા કરતી.

મતંગ મુનિ મહા તપસ્વી, જ્ઞાાન, ત્યાગી અને વિરકત મહાત્મા હતા. એમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. એમના તપ અને અહિંસાના પ્રભાવથી કુદરતી વેર ધરાવતા પ્રાણીઓ પણ એકબીજા પર હુમલો કર્યા વિના ત્યાં અહિંસક બનીને રહેતા હતા. વાલ્મીકિ રામાયણના અરણ્ય કાણ્ડના ૭૩ અને ૭૪ મા સર્ગમાં માતંગ ઋષિનું વિશેષ ચરિત્ર વર્ણન કરાયું છે. ભગવાન શ્રીરામ અને લક્ષ્મણનું કંદમૂળ, બોર અને ફળોથી સ્વાગત કર્યા પછી શબરીએ નજીકમાં આવેલો એના ગુરુનો આશ્રમ બતાવ્યો અને તેમને કહેવા લાગી હતી. ' હે રામ જે સમયે તમે સીતાજી અને લક્ષ્મણ સાથે ચિત્રકૂટમાં પધાર્યા હતા, તે સમયે હું ગુરુજીની સેવા કરતી હતી. તે અત્યંત વૃદ્ધ હતા. તેમણે યોગ સમાધિ દ્વારા તેમના દેહનો ત્યાગ કરવાની ઇચ્છા કરી ત્યારે મેં પણ તેમની સાથે દેહ ત્યાગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તે વખતે મને તે માટે મનાઈ કરતા કહ્યું હતું - 'હે ધર્મજ્ઞો, તું આ આશ્રમમાં જ રહેજે. આ આશ્રમમાં અને તારી પર્ણકુટિમાં પૂર્ણ પર બ્રહ્મ પરમાત્મા, ભગવાન શ્રીરામના રૂપે તેમના ભાઈ લક્ષ્મણ સાથે પધારશે. એમના આતિથ્ય- સત્કાર સાથે પ્રત્યક્ષ દર્શન કરી તું ધન્યભાગી બનશે અને પરમ પદને પ્રાપ્ત થશે.' હે રામ ! એમની ભવિષ્યવાણી સાચી પડી છે. આજે આપના દર્શન કરીને હું કૃતાર્થ બની છું.

મતંગ મુનિ આશ્રમના આ ચબૂતરા પાસે બેસી પૂજા-પાઠ કરતા હતા. આ ચબૂતરામાંથી દસે દિશાઓને પ્રકાશિત કરનારો દિવ્ય પ્રકાશ હજુ પણ નિકળી રહ્યો છે. તેમણે દેવ પ્રતિમા પર ચડાવેલા પુષ્પ તેર વર્ષ વીતી ગયા પછી પણ અત્યારે એવાને એવા તાજા છે. તે કરમાયા નથી. અત્યંત વૃદ્ધ થવાને કારણે તે તીર્થયાત્રા કરવા જઈ શક્યા નહીં. એટલે તીર્થદેવતાઓએ અહીં જ તીર્થજળ પ્રગટ કરી તીર્થક્ષેત્ર ઉભું કરી દીધું હતું. તેમના હસ્તથી તે જે વૃક્ષોને પાણી પીવડાવતા હતા તે અત્યારે પણ સૂકાયા નથી. પ્રભુ શ્રીરામના દર્શન અને સ્તુતિ કરતાં કરતાં શબરીએ યોગબળથી દેહત્યાગ કરી ભગવાનનું સારૂપ્ય પ્રાપ્ત કરી લીધું હતું.

વાલ્મીકિ રામાયણમાં શબરી દ્વારા નિરૂપિત થયેલું મતંગ ઋષિનું ચરિત્ર આદર્શ તપસ્વીનું પ્રતીત થાય છે. તે સાચા અર્થમાં સદ્ગુણ સંપન્ન ક્રોધરહિત, સર્વત્ર, ઇશ્વરદર્શન કરનારા હતા. શબરી જેવી તત્કાલીન સમાજમાં અછૂત મનાતી સ્ત્રીને પણ તેમણે જ્ઞાાનોપાર્જન અને સેવાનો અધિકાર આપ્યો હતો જે એમ દર્શાવે છે કે તે ઉત્તમ સમદર્શી મહાત્મા હતા.


Google NewsGoogle News