સાંખ્યશાસ્ત્રના પ્રવર્તક ભગવાન કપિલદેવે માતા દેવહુતિને અધ્યાત્મ-યોગનો સુંદર ઉપદેશ આપ્યો
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં દર્શાવ્યા પ્રમાણે ભગવાન કપિલાચાર્ય બ્રહ્માના પુત્ર કર્દમ પ્રજાપતિ અને તેમની પત્ની દેવહુતિના પુત્ર હતા. બ્રહ્માજીએ કર્દમને સંતાન ઉત્પન્ન કરવા માટે કહ્યું તેને અનુસરીને તે સરસ્વતી નદીના તટ પર ચાલ્યા ગયા. ત્યાં કઠોર તપશ્ચર્યા કરી. ભગવાન વિષ્ણુએ તેમને દર્શન આપી દર્શાવ્યું કે તે સ્વયં તેમને ત્યાં પુત્ર રૂપે અવતરિત થશે. બ્રહ્માના પુત્ર મનુ એમની પત્ની શતરૂપા સાથે એમની પુત્રી દેવહુતિ સાથે આવશે અને તેના લગ્નનો પ્રસ્તાવ મૂકશે. તમે તે સ્વીકારી લેજો. તમારા અને દેવહુતિના થકી હું પ્રગટ થઈશ. કર્દમ મુનિને પ્રથમ ૯ પુત્રીઓ જન્મી જેમના નામ કલા, અનસૂયા, શ્રદ્ધા, હવિર્ભૂ, ગતિ, ક્રિયા, ખ્યાતિ, અરુંધતિ અને શાંતિ હતાં તેમના લગ્ન અનુક્રમે મરિચી, અત્રિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ અને અથર્વણ સાથે થયા હતા. ભગવાન વિષ્ણુએ કપિલના રૂપે કર્દમ મુનિના દસમા સંતાન રૂપે અવતાર ધારણ કર્યો હતો.
શ્રીમદ્ ભાગવત મહાપુરાણના તૃતીય સ્કંધમાં આવતા કપિલેયોપાખ્યાન નામના પચ્ચીસમા અધ્યાયમાં ભગવાન કપિલે માતાને જે ઉપદેશ આપ્યો છે તેને 'કપિલ ગીતા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના આરંભમાં ભગવાન કપિલ કહે છે - 'યોગ આધ્યાત્મિક: દુ:ખસ્ય ચ સુખસ્ય ચ ।। ચેત: ખલ્વસ્ય બન્ધાય મુક્તયે ચાત્મનો મતમ્ । ગુણેષુ સક્તં બન્ધાય રતં થ પુંસ્તિ મુક્તયે ।। હે માતા ! અધ્યાત્મ યોગ (આત્મ વિદ્યા) એ જ મોક્ષ આપનાર છે જેમાં સુખ અને દુ:ખની સર્વથા નિવૃત્તિ થાય છે. ખરું બંધન કે મુક્તિનું કારણ તો પોતાનું જ મન છે એને ગુણોમાં આસક્ત રાખીએ તો બંધનકર્તા છે જ્યારે પરમપુરુષ ઈશ્વરમાં લીન કરીએ તો મોક્ષ આપે છે.' હું અને મારું એવા અભિમાનથી ઉત્પન્ન થનાર કામ-ક્રોધ-લોભ વગેરે ષડ્રિપુથી એ મન રહિત થાય ત્યારે તે સુ:દુ:ખાથી પર, સમાન અને શુદ્ધ બને છે. પરમાત્મામાં યોજેલા ભક્તિયોગ જેવો એક પણ માર્ગ કલ્યાણકારી નથી. તે યોગીઓને પણ બ્રહ્મસિદ્ધિ કરાવનાર છે. 'પ્રસઙ્ગમજરં પાશમાત્મન: કવયો વિદુ: । સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વાર મપાવૃતમ્ ।। વિષયોમાં અત્યંત આસક્તિ એ અજર અને અમર પાશ (બંધન) છે. એ જ આસક્તિ સત્પુરુષોમાં રાખવામાં આવે તો તે ખુલ્લું મુક્તિનું દ્વાર છે.
ભગવાન કપિલ માતા દેવહુતિને આગળ કહે છે - 'જેમ સ્વપ્નનો અનર્થ (ખરાબ સ્વપ્નની અસર) મિથ્યા હોવા છતાં જાગ્યા વિના દૂર થતો નથી. તેમ વિષયો પણ મિથ્યા હોવા છતાં તેના નિરંતર ધ્યાનને લીધે જીવનો સંસાર દૂર થતો નથી. એટલા માટે હે માતા ! અસત્માર્ગમાં રહેલા મનને ધીમે ધીમે તીવ્ર ભક્તિયોગ તથા વૈરાગ્યથી વશ કરવું. શ્રદ્ધાપૂર્વક યમ-નિયમ વગેરે યોગમાર્ગનો અભ્યાસ કરવો, મારામાં સત્યભાવ રાખવો, મારી કથાનું શ્રવણ કરવું, પ્રાણીમાત્ર પર સમતા રાખવી, વેર અને સંગનો ત્યાગ કરવો, બ્રહ્મચર્ય અને મૌન રાખવું, સ્વધર્મનું પાલન કરવું, સ્વાભાવિક રીતે જે કંઈ મળે તેમાં સંતોષ રાખવો, એકાંતમાં રહેવું, શાંતિ અને દયા રાખવી, પ્રાણીમાત્રના મિત્ર બનવું, જિતેન્દ્રિય અને સ્વમાની બનવું. શરીર પ્રત્યે મિથ્યા અહંભાવ ન રાખવો. પુરુષ અને પ્રકૃતિના વિવેકવાળું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું.'
આ રીતે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાથી પર રહેલો આત્મા માત્ર પોતાનો જ દ્રષ્ટા બને છે. બીજું કંઈ જ જોતો નથી અને જેમ આંખમાં રહેલા સૂર્યના તેજથી માનવી સૂર્યને જુએ છે તેમ આત્માથી પરમાત્માનો, અસત્યમાં નિર્વિકાર સત્યનો સાક્ષાત્કાર કરે છે.
ભગવાન કપિલે પોતાની માતા દેવહુતિને આત્મગતિનો ઉપદેશ આપ્યો તેને અનુસરી તે યોગિની બન્યા હતા અને અંતે બ્રહ્મનિર્વાણની ગતિને પ્રાપ્ત થયા હતા. જ્યાં તેમને સિદ્ધિ પ્રાપ્ત થઈ તે વિખ્યાત સિદ્ધપદ (સિદ્ધપુર) નામનું પુણ્યક્ષેત્ર બન્યું. તેમના યોગથી પવિત્ર બનેલો દેહ, સિદ્ધોએ સેવેલી, સિદ્ધિ આપનારી 'સિદ્ધિદા' સરિતા રૂપ બન્યો.