ભગવાન બુદ્ધે બતાવ્યો આત્માની ખેતી કરવાનો માર્ગ .
- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
'ધ્યાન કરો. પવિત્રતાથી જીવો. શાંત રહો.
પોતાનું કામ નિપુણતાથી કરો. ચંદ્રની જેમ વાદળોની પાછળથી બહાર નીકળી આવો. ચમકો.'
' એક સાધુ એના ચિંતન અને મનનથી જે બાબતનું અનુસરણ કરે છે, તે જ તેની ચેતનાનો ઝુકાવ બની જાય છે.'
'દરેક સવારે આપણે ફરીથી જન્મ લઈએ છીએ. આજે આપણે જે કરીએ છીએ, તે જ સૌથી વધારે મહત્વનું હોય છે.'
- ભગવાન બુદ્ધ
ભગવાન બુદ્ધ કાશીમાં હતા ત્યારે એક ધનવાન અને સમૃદ્ધ ખેડૂતને ઘેર ગયા અને તેની પાસે ભિક્ષા માંગવા લાગ્યા. ખેડૂતે હાથમાં ભિક્ષાપાત્ર લઈને ઉભા રહેલા ભિક્ષુ પ્રવર તરફ જોયું અને વ્યંગ-કટાક્ષ કરતાં કહ્યું- 'શ્રમણ' હું મહેનત કરીને ખેતર ખેડું છું અને બીજ વાવું છું. ત્યારે અનાજ મળે છે જેનાથી મારી ભૂખ દૂર કરું છું. જ્યારે તમે ખેતી કર્યા વગર જ ભોજન મેળવવા ઇચ્છો છો ? તમારે પણ હળ ચલાવવું જોઈએ અને બીજ વાવવા જોઈએ. તે પછી ભોજન કરવું જોઈએ.'
આ સાંભળી ભગવાન બુદ્ધે તેને જવાબ આપતા કહ્યું- ' હું પણ ખેડૂત છું અને ખેતી જ કરું છું !' ભગવા વસ્ત્રધારી ભિક્ષુ તરફ નજર કરીને તે ખેડૂત બોલી ઉઠયો- તમે ખેડૂત છો અને ખેતી કરો છો ? એવું જરાય લાગતું તો નથી. ક્યાં છે તમારું ખેતર એ તો કહો. ન તો તમારી પાસે કોઈ હળ કે કોદાળી દેખાય છે, ના કોઈ બળદ, તમારી પાસે આ ભિક્ષાપાત્ર સિવાય બીજું કંઈ દેખાતું નથી. તમે ક્યાં અને શેની ખેતી કરો છો ?'
ભગવાન બુદ્ધે તેને પ્રત્યુત્તર આપતાં કહ્યું- 'હું ખેતી તો કરું છું પણ તમારા કરતાં જરા જુદા પ્રકારની કરું છું. શરીર અને જીવન એ મારું ખેતર છે. હું આત્માની ખેતી કરું છું. હું શ્રદ્ધા રૂપી બીજ આ ખેતરમાં વાવું છું. તપશ્ચર્યાના જળથી એનું સિંચન કરું છું. જ્ઞાન, વિવેક, વિચાર વગેરે મારા હળ, કોદાળી, પાવડો, દોરડું જેવા સાધનો છે. અપ્રમાદ મારા બળદ છે જે ગમે તેવી મુસીબતમાં પણ પીછેહઠ કરતા નથી. હું વચન અને કર્મમાં સંયત રહું છું. હું સાર-અસાર વિવેકથી આ ખેતીના નકામા ઘાસ-કૂસને છૂટું કરું છું. સારરૂપ અનાજ છે તેને ગ્રહણ કરું છું. જાતિ સ્મરણ અને આત્મ-જાગૃતિ, સ્વયં હોશ અને પૂર્ણ જાગરૂકતા થકી પરમ આનંદ અને શાંતિનો પાક ઉપજે નહીં ત્યાં સુધી જીવન-ક્ષેત્ર ખેડવાનો પરિશ્રમ કરતો રહું છું. આ આત્માની ખેતીથી હું અમૃત ભોજન પ્રાપ્ત કરું છું.
પરિશ્રમ, પ્રયાસ, પુરુષાર્થનું ગાડું મને એ ગંતવ્ય તરફ લઈ જાય છે જ્યાં નથી દુ:ખ કે નથી સંતાપ. સદ્ભાવ અને પ્રેમના માર્ગ પરથી પસાર થાય છે આ જીવનરૂપી ગાડું. છેવટે તે પહોંચે છે મુક્તિના ધામ પર.'
રાજપુત્ર ગૌતમને આ ખેતીએ જ તથાગત બુદ્ધ બનાવી દીધા. આત્માની ખેતી કરવાનો આ માર્ગ બધાને માટે ખુલ્લો છે. ભગવાન બુદ્ધ કહે છે- આ પ્રકારે શાંત, નિર્મળ, દોષરહિત, કોમળ, કાર્ય કરવા યોગ્ય, સ્થિર અને અવિચળ મન સાથે મેં મારા મનને પ્રવાહના વિનાશના જ્ઞાન તરફ નિર્દેશિત કર્યું. મેં પ્રત્યક્ષ રૂપે જાણ્યું કે આ વાસ્તવમાં કેવું છે. આવું જોવાથી અને જાણવાથી મારું મન વિષયાસક્તિના પ્રવાહથી મુક્ત થઈ ગયું અને મારું મન અજ્ઞાનના પ્રવાહથી મુક્ત થઈ ગયું. મુક્ત થયા પછી એ જ્ઞાન થયું કે હું મુક્ત થઈ ગયો છું. અને મેં પ્રત્યક્ષ રૂપે જાણ્યું કે જન્મ સમાપ્ત થઈ ગયો છે, પવિત્ર જીવન જીવી લીધું છે, જે કરવાનું હતું તે કરી લીધું છે. હવે આ અવસ્થાથી આગળ બીજું કંઈ નથી.'
ભગવાન બુદ્ધ કહે છે કે મનુષ્યે ચારિત્ર્યવાન, સમાધિમાન, ઉદ્યમશીલ અને પ્રજ્ઞાવાન થઈને જીવવું જોઈએ. તે સત્યને સૌથી પહેલો ધર્મ કહે છે અને ધર્મનું આચરણ નિષ્ઠાપૂર્વક કરવાની સલાહ આપે છે. મનુષ્ય પોતે પોતાનો સ્વામી છે. તેણે પોતે જ પોતાને પ્રેરિત કરી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. જીવનમાં સંસાર વારંવાર દુ:ખોનું કારણ બને છે. દુ:ખોના નિવારણ માટે સન્માર્ગે ચાલવું જોઈએ, આત્મ-નિરીક્ષણ કરવું જોઈએ પ્રમાણિકતા અને નૈતિકતાનું પાલન કરવું જોઈએ. જીવનમાં બધા પ્રકારની નકારાત્મકતાને દૂર કરવી જોઈએ.