જગદ્ગુરુ રેણુકાચાર્યજી દ્વારા પ્રસારિત વીરશૈવધર્મ થકી કરાતી શિવ- ઉપાસના

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
જગદ્ગુરુ રેણુકાચાર્યજી દ્વારા પ્રસારિત વીરશૈવધર્મ થકી કરાતી શિવ- ઉપાસના 1 - image


- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

જગદ્ગુરુ રેણુકાચાર્ય એ પાંચ આચાર્યોમાંથી એક હતા. જે કળિયુગમાં વીરશૈવ ધર્મનું જ્ઞાાન આપવા અને તેનો પ્રસાર કરવા અવતરિત થયા હતા. રેણુકાચાર્યને રેવણાસધ્ય કે રેવણાસિદ્ધના નામથી પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે સોમશ્વર લિંગમાંથી એમનું પ્રાગ્ટય થયું હતું. સોમેશ્વર મંદિર ભારતના તેલંગાનાના યદાદ્રી જિલ્લાના આલેર શહેરમાં કોલીપાકી કે કોલાનુપાકામાં સ્થિત છે.

પૌરાણિક ગ્રંથોમાં આ મહાન સંતને રામાયણ કાલીન બતાવવામાં આવ્યા છે કેમ કે તે પંચવટીના મહાન ઋષિ અગસ્ત્યના ગુરુ હતા. એવું માનવામાં આવે છે કે, રેણુકાચાર્યજીએ રાવણના મરણ બાદ રાવણના ભાઇ વિભીષણના કહેવાથી ૩૦ લાખ શિવલિંગોની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. તેમણે ભારતના રાજ્ય કર્ણાકટના ચિકમંગલૂર જિલ્લાના નરસિંહ રાજપુરા તાલુકાના બાલેહોન્નૂર નામના ગામમાં રંભાપુરી મઠની સ્થાપના કરી હતી. વીરશૈવોના રેણુકાગોત્રનું નામ એમના નામ પરથી જ રાખવામાં આવ્યું છે.

શ્રૃંગેરી શારદા પીઠમ્ દ્વારા પ્રકાશિત 'ગુરુવંશકાવ્ય'માં એવો ઉલ્લેખ છે કે શ્રૃંગેરી મઠની પીઠમાં રહેલી દેવ પ્રતિમાઓમાનું એક પવિત્ર ચંદ્રમૌલેશ્વર શિવલિંગ રંભાપુરી પીઠના જગદ્ગુરુ રણુકાચાર્યજીએ ઇ.સ.પૂર્વે ૮મી શતાબ્દીમાં આદિ શંકરાચાર્યજીને દીક્ષા આપી પ્રદાન કર્યું હતું. શિવયોગી શિવાચાર્યના 'સિધ્ધાંત શિખામણિ'માં દર્શાવાયું છે કે ઋષિ અગસ્ત્યે રેણુકાચાર્યને વીરશૈવ સિધ્ધાંતનો પ્રસાર કરવા એને લગતું મૂળભૂત જ્ઞાાન આપ્યું હતું. વિશ્વગુરુ, ભક્તિ ભંડારી બસવેશ્વરજીએ આ સિધ્ધાંતનો પ્રસાર અને પ્રચાર કર્યો હતો. તેમણે ૮૦૦ વર્ષ પૂર્વે નારી પ્રતાડનાનો અંત લાવવા લડાઇ લડી મઠો અને મંદિરોમાં વ્યાપેલી કુરિવાજો, અંધ વિશ્વાસોને દૂર કરવા માટે પ્રયાસો કર્યા. લિંગાયત ધાર્મિક સંપ્રદાયના સ્થાપક બની જ્ઞાાતિજન્ય ભેદભાવોને મિટાવ્યા. તેમણે લોક સંસદની સર્વ પ્રથમ રચના કરી અને તેનું ઉત્તમ સંચાલન પણ કર્યું. તેમણે ભગવાન શિવની ઉપાસનાને સર્વોપરિ માની તેનો પ્રસાર કર્યો. 

વીરશૈવધર્મના ઉપાસકો પરશિવ બ્રહ્મને 'સ્થળ' નામથી ઓળખાવે છે. એમના સિધ્ધાંત અનુસાર 'સ્થળ' રૂપી પર શિવ બ્રહ્મ લીલા મુજબ અંગ સ્થળ અને લિંગ સ્થળ એમ બે વિભાગોમાં અલગ થાય છે. ચિદ્ શક્તિ વિશિષ્ટ જીવ 'અંગ' પદથી ઓળખાય છે. તો ચિદ્ શક્તિ વિશિષ્ટ પર શિવ બ્રહ્મ જ 'લિંગ' પદથી ઓળખાય છે. લિંગ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરના ભેદથી ઇષ્ટલિંગ, પ્રાણલિંગ અને ભાવ લિંગ આ ત્રણ પ્રકારનું માનવામાં આવે છે. ઇષ્ટલિંગના આચારલિંગ અને ગુરુલિંગ, પ્રાણલિંગના શિવલિંગ અને જંગમલિંગ અને ભાવલિંગના પ્રસાદલિંગ એ મહાલિંગ આમ છ પ્રકાર બતાવ્યા છે.

વીરશૈવ સંપ્રદાયમાં ગુરુ શિષ્યોને વેધાદીક્ષાથી કારણ શરીર પર ભાવલિંગ, મંત્ર દીક્ષાથી સૂક્ષ્મ શરીર પર પ્રાણલિંગ અને ક્રિયાદીક્ષાથી સ્થૂળ શરીર પર ઇષ્ટલિંગનો સંબંધ કરાવે છે. વીર શૈવ ધર્મના દીક્ષિત સાધકો આ ઇષ્ટ લિંગને હંમેશા ગળામાં ધારણ કરી રાખે છે. જેમ નિરાકાર વસ્તુની પ્રાપ્તિ માટે પણ સાકાર વસ્તુ જરૂરી છે, તે રીતે પર શિવ બ્રહ્મને જાણવા માટે ઇષ્ટલિંગને ધારણ કરવાની અને તેની પૂજા કરવાની જરૂર રહે છે.

આ સંપ્રદાયમાં ગુરુ,લિંગ, જંગમ, વિભૂતિ, રૂદ્રાક્ષ, મંત્ર, પાદોદક અને પ્રસાદ એ અષ્ટાવરણને મુખ્ય સાધન દર્શાવવામાં આવ્યા છે. અષ્ટ આવરણ એટલે આઠ આચ્છાદન, પર શિવ રૂપ બ્રહ્મનો સાક્ષાત્કાર કરવા આ આઠેય બાબતોનો સાધનરૂપે ઉપયોગ કરવાનો અનુરોધ કરાય છે. વીરશૈવ ઉપાસકો ગળામાં હંમેશા શિવલિંગ ધારણ કરી રાખે છે, મસ્તક સહિત પંદર જગ્યાએ ભસ્મ લગાવી રાખે છએ તે રીતે સદૈવ રૂદ્રાક્ષ પણ ધારણ કરી રાખે છે. 'સિધ્ધાંત શિખામણિ'માં કહેવાયું છે - 'રૂદ્રાક્ષધારણદેવ સ રૂદ્રો નાત્ર સંશય: । સર્વપાપવિનિર્મુક્ત પ્રયાતિ પરમાં ગતિમ્ ।। રૂદ્રાક્ષ ધારણ કરવાથી જ તે ઉપાસક રૂદ્ર બની જાય છે. એમાં કોઇ સંશય નથી. તે બધા દોષો અને પાપોમાંથી મુક્ત થઇ પરમ ગતિને પ્રાપ્ત થાય છે.' આમ, વીરશૈવધર્મની શિવ ઉપાસના જીવને શિવ બનાવી દે છે. મર્ત્ય અમૃતમય બનાવી દે છે.


Google NewsGoogle News