દેવ દિવાળી ઉત્સવનો દૈવી મહિમા .
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
- દેવ દિવાળી ભગવાન શિવે ત્રિપુરાસુર પર વિજય મેળવ્યો તેનો આનંદ મનાવવા ઉજવવામાં આવે છે. આ દિવસે દેવાધિદેવ ભગવાન શિવે આ અસુરને માર્યો એની ખુશી વ્યક્ત કરવા દેવોએ સ્વર્ગલોકમાં લાખો દીવાઓ પ્રકટાવી મહોત્સવ કર્યો હતો
- દેવ દિવાળીના દિવસે કરેલું દીપ પૂજન અને દીપ દાન ધન સંપત્તિ આપનારું, જ્ઞાનવૃદ્ધિ કરનારું, અંત:કરણના દુર્ભાવો દૂર કરનારું, મનના પાપ, તાપ, સંતાપ મિટાવનારું અને રોગોને હરી લેનારું કહેવામાં આવ્યું છે.
- શુભં કરોતિ કલ્યાણં આરોગ્ય ધનસંપદા । શત્રુબુદ્ધિ વિનાશાય દીપજયોત નમોસ્તુતે ।। દીપો જ્યોતિ પરં બ્રહ્મ દીપો જ્યોતિર્જનાદન : ।। દીપો હરતુ મે પાપં સંધ્યાદીપ નમોડસ્તુતે ।।
- આ મંત્રોનું પઠન કરી દેવદિવાળીના દિવસે દીપ પૂજન કરવું જોઈએ.
કુવલયમિતિ મૂલે બાલચંદ્રાકુરાભં
તદનુ ખલુ તતોડગ્રે પાકપીતામ્રપીતમ્ ।
અભિનવરવિરોચિધૂમ્રશિખાયા
મિતિ વિવિધ વિકારં દિયુતૈ દૈપમર્ચિ ।।
આરંભમાં નીલકમળ જેવી ભૂરા રંગની, એ પછી બાલસૂર્ય જેવી અરુણ રંગવાળી અને સૌથી ઉપર ધૂમાડા જેવી ધૂમ્રિલ રંગવાળી દીપશિખા જુદા જુદા રંગભેદ સાથે ચમકી રહી હતી.
દેવદિવાળી એક અદ્ભુત, અનુપમ દીપોત્સવ છે. દિવાળી અને દેવ દિવાળી અલગ અલગ હેતુથી ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી રામે વિજયાદશમીના દિવસે રાવણનો વધ કરી આસુરી તત્વ પર વિજય મેળવી અયોધ્યા તરફ પ્રસ્થાન કર્યું હતું. દિવાળીના દિવસે અયોધ્યાવાસીઓએ એમના સ્વાગત માટે હજારો દિવાઓ પ્રકટાવી ઉત્સવ મનાવ્યો હતો. જ્યારે દેવ દિવાળી ભગવાન શિવે ત્રિપુરાસુર પર વિજય મેળવ્યો તેનો આનંદ મનાવવા ઉજવવામાં આવે છે. આ દિવસે દેવાધિદેવ ભગવાન શિવે આ અસુરને માર્યો એની ખુશી વ્યક્ત કરવા દેવોએ સ્વર્ગલોકમાં લાખો દીવાઓ પ્રકટાવી મહોત્સવ કર્યો હતો. આ દિવસે કાર્તિક શુકલ પૂર્ણિમા હતી. પૃથ્વી પર દેવો અને માનવોએ ભગવાન શિવજીની પ્રિય નગરી કાશીમાં પણ લાખો દીવાઓ પ્રજવલિત કરી પ્રકાશનું દિવ્ય પર્વ ઉજવ્યું હતું.
આ દિવસે ભગવાન શિવજીએ અત્યાચારી રાક્ષસ ત્રિપુરારિનો સંહાર કર્યો એટલે તેમને 'ત્રિપુરારિ' નામ પ્રાપ્ત થયું અને તે વખતના તેમના સ્વરૂપને ત્રિપુરારિ રૂપે પૂજવામાં આવ્યું હતું. હિંદુ ધર્મમાં દેવ દિવાળીનો અનેરો મહિમા છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે કરેલું દીપદાન અત્યંત પુણ્યપ્રદ છે. તે દિવસે ગંગાસ્નાન કર્યા પછી દીપ દાન કરવાથી આખા વર્ષ સુધી શુભ ફળ મળે છે. આ એવો દિવસ છે જેમાં ભગવાન શિવ સાથે તમામ દેવ-દેવીઓને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે કારણકે તે બધા દેવો અને દેવીઓના ઉત્સવના ઉલ્લાસને પ્રગટ કરનારો અને તેમની કૃપાને અનાયાસે પ્રાપ્ત કરવાનું પર્વ વિશેષ છે.
ભગવાન શિવજીના કોઈપણ શાસ્ત્રોક્ત સિદ્ધ મંત્રથી આ દિવસે શ્રદ્ધા-ભક્તિ પૂર્વક શિવ અર્ચના કરવી જોઈએ. ભગવાન શિવનો વેદોક્ત મંત્ર ઁ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ । ઉર્વારુકમિન બન્ધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ।। કે પુરાણોક્ત મંત્ર મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ્ શરણાગતમ્ । જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતં કર્મબંધનૈ: ।। આ દિવસે જપવો જોઈએ. એ સિવાય 'ઁ નમ:શિવાય' એ પંચાક્ષરી મંત્રનો જાપ કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે. શિવપુરાણ મુજબ આ મંત્રનો જાપ કરવાથી શરીર હમેશા રોગમુક્ત રહે છે. કોઈ ગંભીર બીમારી થઈ હોય તો એના જાપથી તે દૂર પણ થઈ જાય છે.
દેવ દિવાળીના દિવસે કરેલું દીપ પૂજન અને દીપ દાન ધન સંપત્તિ આપનારું, જ્ઞાનવૃદ્ધિ કરનારું, અંત:કરણના દુર્ભાવો દૂર કરનારું, મનના પાપ, તાપ, સંતાપ મિટાવનારું અને રોગોને હરી લેનારું કહેવામાં આવ્યું છે. શુભં કરોતિ કલ્યાણં આરોગ્ય ધનસંપદા । શત્રુબુદ્ધિ વિનાશાય દીપજયોત નમોસ્તુતે ।। દીપો જ્યોતિ પરં બ્રહ્મ દીપો જ્યોતિર્જનાદન : ।। દીપો હરતુ મે પાપં સંધ્યાદીપ નમોડસ્તુતે ।। આ મંત્રોનું પઠન કરી દેવદિવાળીના દિવસે દીપ પૂજન કરવું જોઈએ.
દેવ દીપાવલીના દિવસે તુલસીનો છોડ વાવવાનું અત્યંત શુભ દર્શાવવામાં આવ્યું છે. આ દિવસે પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુની પ્રતિમા પર ૧૧ તુલસીપત્ર બાંધવાથી જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશી-ખુશાલી આવી જાય છે. આ દિવસે દીપદાન કરવાથી દસ યજ્ઞાો કરવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે. દીપક અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે દીવાની જ્યોત હંમેશાં ઊર્ધ્વગામી હોય છે તે ઊર્ધ્વીકૃત જીવનનો સંદેશ આપે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે- મારી ભક્તિ કરનારાને હું એવો જ્ઞાન રૂપી યોગ આપું છું. જેનાથી એ મને પ્રાપ્ત કરે છે. એમના અંત:કરણમાં રહેલો હું સ્વયં જ એમના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અંધકારને ઝળહળતા જ્ઞાનરૂપી દીવાથી નષ્ટ કરી દઉં છું.