Get The App

રાજા ભર્તૃહરિ વિરક્ત થઈ સંન્યાસી બની ગયા

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
રાજા ભર્તૃહરિ વિરક્ત થઈ સંન્યાસી બની ગયા 1 - image


- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

મહારાજ ભર્તૃહરિ એક મહાન સંસ્કૃત કવિ, સિદ્ધયોગી અને શિવભક્ત હતા. સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ભર્તૃહરિ એક નીતિકારના રૂપે પ્રસિદ્ધ છે. એમના નીતિશતક, શ્રૃંગાર શતક અને વૈરાગ્યશતક એ ત્રણ ગ્રંથો એમના નામમાં દર્શાવ્યા પ્રમાણે દરેક સો-સો શ્લોકો ધરાવે છે. આ શતકત્રય ઉપરાંત તેમનો વાક્યપદીય નામનો વ્યાકરણનો ગ્રંથ પણ છે. મહારાજ ભર્તૃહરિ વિક્રમની પહેલી સદીના ઉપસ્થિત હતા તે નિ:સંદેહ છે. તે ઉજ્જૈનના અધિપતિ હતા. તેમના પિતા ગંધર્વસેન ઉત્તમ શાસક હતા. તેમને ૨ પત્નીઓ હતી. પહેલી પત્નીથી મહારાજ ભર્તૃહરિ અને બીજી પત્નીથી મહારાજ વિક્રમાદિત્ય જન્મ્યા હતા. પિતાના મૃત્યુ બાદ મહારાજ ભર્તૃહરિએ રાજગાદી સંભાળી હતી પણ ભોગ પ્રધાન વિલાસી જીવન બની ગયું હોવાથી રાજકાજનો ભાર વિક્રમાદિત્યના માથે ચડાવી દીધો હતો. વિક્રમાદિત્યને મહારાજ ભર્તૃહરિની કામુકતા અને વિલાસિતા ગમતી નહોતી એટલે એમની સામે વિદ્રોહ કર્યો. એ સમયે દેશ વિદેશીઓ અને અન્ય ધર્મના પ્રચારકોથી ભયાક્રાન્ત હતો ત્યારે રાજસિંહાસન પર બેસનાર રાજાને આવો વિલાસ છાજે નહીં. એવી વાત વિક્રમદિત્યે કરી એટલે મહારાજ ભર્તૃહરિએ ગુસ્સે ભરાઈને એમનો દેશ નિકાલ કરી દીધો હતો. પણ વિધિના લેખ કંઈ જુદા જ લખાયેલા હતા. પાછળથી તેમણે ગુરુ ગોરખનાથના શિષ્ય બની વૈરાગ્ય ધારણ કરી લીધો હતો. એટલે એમને લોકો બાબા ભરથરી નામે પણ ઓળખે છે.

ભર્તૃહરિની એક કથા બહુ પ્રસિદ્ધ છે જે એ દર્શાવે છે કે તે કેવી રીતે સંન્યાસી બન્યા. તેમણે નીતિશતકના શરૂઆતના શ્લોકમાં આ બાબતને સાંકેતિક રીતે કહી છે - 

'યાં ચિન્તયામિ સતતં મયિ સા વિરકતા

સાપ્યન્યમ્ ઇચ્છતિ જનં સ જનોડન્યસક્ત: ।

ધિક્ તાં ચ તં ચ મદનં ચ ઇમાં ચ માં ચ ।।

હું જેનું સતત ચિંતન કરું છું તે (અનંગસેના કે પિંગલા) મારા પ્રત્યે ઉદાસીન છે. તે (અનંગસેના) પણ જેને પ્રેમ કરે છે તે (અશ્વપાલ) તો કોઈ બીજી સ્ત્રી (રાજનર્તકી)માં આસક્ત છે. તે (રાજનર્તકી) મારા તરફ સ્નેહભાવ રાખે છે. તે (અનંગસેના) ને ધિક્કાર છે. તે અશ્વપાલને ધિક્કાર છે. તે રાજનર્તકીને ધિક્કાર છે. તે કામદેવને ધિક્કાર છે અને મને પણ ધિક્કાર છે !

ભર્તૃહરિની એક બીજી રાણી અનંગસેના હતી જેને રાજા ખૂબ પ્રેમ કરતા હતા. એને રાજા ભર્તૃહરિના ઘોડાના રખેવાળ ચંદ્રચૂડ પરત્વે પ્રેમ થઈ ગયો હતો અને સેનાપતિને પણ તે પ્રેમ કરતી હતી. એ સેનાપતિ નગરવધૂ (ગણિકા) રૂપ લેખના ઘેર આવતો-જતો હતો કેમકે તેનો તેની સાથે સંબંધ હતો. રાજા ભર્તૃહરિ પણ તે રૂપ લેખના ઘેર ચંદ્રચૂડ અશ્વપાલ સાથે એની ઘોડાગાડીમાં બેસીને જતા હતા. આમ, ચંદ્રચૂડ અને સેનાપતિ બન્નેનો રાણી અનંગસેના અને રૂપલેખા સાથે પ્રેમનો સંબંધ હતો. આ વાત યોગી ગોરખનાથજીએ જાણી એટલે કોઈ બ્રાહ્મણ પાસે રાજાને અમરફળ મોકલ્યું.

રાજા ભર્તૃહરિએ તે અમરફળ રાણી અનંગસેનાને આપ્યું. રાણી અનંગસેનાએ તે ચંદ્રચૂડને આપી દીધું. ચંદ્રચૂડે તે પોતાની પાસે રાખ્યું અને જ્યારે તે રાજા ભર્તૃહરિને રૂપ લેખા પાસે લઈ ગયો અને રાજા મદહોશ બની ગયા ત્યારે ચંદ્રચૂડે રૂપ લેખાને પ્રેમ કરી તે અમરફળ તેને આપી દીધું અને કહ્યું- તું આ ફળ ખાઈ લે જે એટલે અમર બની જશે અને ચિરકાળપર્યંત તારું યૌવન ટકી રહેશે. તે ફળ રૂપલેખાએ રાજા ભર્તૃહરિને આપી દીધું અને કહ્યું- ' મને મારા આ જીવન તરફ ઘૃણા ઉપજી છે. મારે ચિરકાળ યુવાન અને અમર રહેવું નથી એ અમરફળ જોઈને રાજા ભર્તૃહરિ ગુસ્સે ભરાઈ ગયા કેમ કે તેમણે તો તે અનંગ સેનાને આપ્યું હતું.

તેમણે તે તેની પાસે ક્યાંથી આવ્યું તે પૂછયું તો તેણે તે ચંદ્રચૂડે આપ્યું તેમ જણાવ્યું. ચંદ્રચૂડને પૂછયું તો તેણે જણાવ્યું કે તે રાણી અનંગસેનાએ તેને આપ્યું હતું. તેણે અનંગસેનાના તેની સાથેના અને તે રીતે સેનાપતિ સાથેના સંબંધોની વાત પણ કરી દીધી. એ દિવસ અમાસની રાત હતી. રાજાએ અનંગસેનાને સાચેસાચું જે હોય તે કહી દેવા જણાવ્યું. તેણે તે બંધુ કબૂલી લીધું. પછી તેણે આત્મદાહ કરી જીવનનો અંત લાવી દીધો. અશ્વપાલ ચંદ્રચૂડનો દેશ નિકાલ કરી દીધો. સેનાપતિને મૃત્યુદંડ ફરમાવી દીધો. એકવાર રાજા શિકાર કરવા ગયો તે દરમિયાન એક સૈનિકનું મરણ થઈ ગયું. તેની પત્ની તેના શરીર સાથે સતી થઈ ગઈ. રાજા ભર્તૃહરિ વિચારમાં પડી ગયા. એક સ્ત્રી હતી અનંગસેના. એક સ્ત્રી છે રૂપલેખા. એક સ્ત્રી છે આ સૈનિકની પત્ની. દરેકના ચરિત્ર અલગ અલગ. એક દંતકથા એવી છે કે અહીં જે અમરફળની વાત જણાવી છે તે અનંગસેના નહીં પણ પિંગલા થકી બની હતી. એટલે ભર્તૃહરિને સંસાર પરત્વે જે વૈરાગ્ય જાગ્યો તેનું કારણ અનંગસેના નહીં, પણ રાણી પિંગલા હતું. અંતે બાબા ગોરખનાથે ભર્તૃહરિને પિંગલા પાસે ભિક્ષા મંગાવી સંન્યાસી બનાવી દીક્ષા આપી હતી. તેમના શિષ્ય બન્યા બાદ ભર્તૃહરિ મહાન કવિ, અદ્વૈત વેદાન્તાચાર્ય અને યોગી બની ગયા હતા.


Google NewsGoogle News