પંચદેવ ઉપાસનામાં શ્રીગણેશની ઉપાસનાનો મહિમા

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
પંચદેવ ઉપાસનામાં શ્રીગણેશની ઉપાસનાનો મહિમા 1 - image


- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

- પૃથ્વીના અધિપતિ શિવ છે, જળના અધિપતિ ગણેશ છે, અગ્નિના અધિપતિ શક્તિ (દુર્ગાદેવી) છે. વાયુના અધિપતિ સૂર્ય (અગ્નિ) છે અને આકાશના અધિપતિ વિષ્ણુ છે.

આદિત્ય ગણનાથં ચ દેવીં રૂદ્રં ચ કેશવમ્ ।

પંચદૈવતમિત્યુકતં સવંકર્મસુ પૂજયેત્ ।।

આદિત્ય, ગણનાથ (ગણપતિ), દેવી, રૂદ્ર (શિવ)

અને કેશવ આ પંચદેવોને બધા કર્મોમાં પૂજવા

જોઇએ એમ કહેવામાં આવ્યું છે.'

- શબ્દકલ્પદ્રમ કોશ

પંચદેવોની ઉપાસનાનું રહસ્ય પંચમહાભૂતો સાથે સંકળાયેલું છે. પંચમહાભૂતોમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશનો સમાવેશ થાય છે અને તેમના આધિપત્યને કારણે સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુ આ પંચદેવોની પૂજા કરાય છે. આ પાંચેય તત્વોના સ્વામી પાંચ દેવો છે. આકાશસ્યાધિપો વિષ્ણુરગ્નેશ્ચૈવ મહેશ્વરી । વાયો: સૂર્ય: ક્ષિતેરીશો જીવનસ્ય ગણાધિપ: ।। ક્રમાનુસાર પૃથ્વીના અધિપતિ શિવ છે, જળના અધિપતિ ગણેશ છે, અગ્નિના અધિપતિ શક્તિ (દુર્ગાદેવી) છે. વાયુના અધિપતિ સૂર્ય (અગ્નિ) છે અને આકાશના અધિપતિ વિષ્ણુ છે.

આખું જગત પંચભૂતાત્મક છે. એટલે તે સંબંધી પંચદેવોની ઉપાસના જરૂરી છે. પ્રત્યેક પૂજામાં પંચદેવોપાસનાનું વિધાન છે. નારદપુરાણના ત્રીજા અધ્યાયના ૬૫મા શ્લોકમાં કહેવાયું છે - ગણેશાદિપંચદેવતાભ્યો નમ : । પંચદેવોમાં સર્વ પ્રથમ ગણેશની પૂજા કરવી જરૂરી છે. ગણપતિ અર્થવશીર્ષ ઉપનિષદમાં ગણપતિને સર્વ દેવમય માનવામાં આવ્યા છે અને એમની પૂજાથી બધા દેવોની પૂજા થઇ જાય છે. એવું કહેવામાં આવ્યું છે - 'ત્વં બ્રહ્મા ત્વં વિષ્ણુસ્ત્વં રૂદ્રસ્ત્વનિન્દ્રસ્ત્વમગ્નિસ્ત્વં વાયુસ્ત્વં સૂર્યસ્ત્વં ચંદ્રમાસ્ત્વં બ્રહ્મ ભૂર્ભુવ: સ્વરોમ્ ।। એ રીતે ગણપતિ અથર્વશીર્ષ ઉપનિષદમાં ગણેશપૂજનું ફળ દર્શાવતાં કહેવામાં આવ્યું છે - મહાવિધ્નાત્ પ્રમુચ્યતે । મહા પાપાત્ પ્રમુચ્યતે । સર્વદોષાત પ્રમુચ્યતે । સ સર્વવિદ્ ભવતિ । (૧૧) જે ગણેશની પૂજા કરે છે તે બધા વિધ્નોથી મુક્ત થઇ જાય છે, મોટા પાપોથી છૂટી જાય છે અને બધા દોષોથી મુક્ત થઇ જાય છે તે સર્વજ્ઞા બની જાય છે.

ગણેશગીતામાં ભગવાન ગણેશ સ્વયં કહે છે - 

'શિવે વિષ્ણૌ ચ શકતૌ ચ સૂર્યે મયિ નરાધિપ ।

યાડભેદ બુદ્ધિર્યોગ: સ સમસ્યગ્યોગી મતો મમ ।।

શિવ, વિષ્ણુ, શક્તિ, સૂર્ય અને મારામાં (ગણેશમાં)

અભેદબુદ્ધિ રાખનાર જ યોગી છે એવો મારો મત છે.'

આપણે આધિભૌતિક જગતથી પરિચિત છીએ પણ આધ્યાત્મિક અને આધિદૈવિક જગતથી બિલકુલ પરિચિત નથી. યોગ આપણને આપણી અંતર્નિહિત શક્તિની પ્રાપ્તિ કરાવે છે. ગણેશ શબ્દનો અર્થ છે - ગણોના સ્વામી. આપણા શરીરમાં પાંચ જ્ઞાાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને અંત:કરણ ચતુષ્ટય (ચાર અંત:કરણ) છે. એની પઆછળ જે શક્તિઓ છે તેમને ચૌદ દેવતા કહેવાય છે. આ દેવોના મૂળ પ્રેરક છે - શ્રીગણેશ. ગણપતિ ઇચ્છા, જ્ઞાાન, ક્રિયા ત્રણે શક્તિઓમાં વ્યાપ્ત છે. તે મૂલાધાર ચક્રમાં સ્થિત છે. 'ત્વં મૂલાધારસ્થિતોડસિ નિત્યમ્ ।  ત્વં શક્તિત્રયાત્મક : । ત્વાં યોગિનો ધ્યાયયન્તિ નિત્યમ્ ।।

ભગવાન ગણેશ ષટચક્ર સાધના યોગનો આધાર છે. આ મૂલાધાર ચક્રથી જ કુંડલિનીને જાગૃત કરવાની સાધનાનો આરંભ થાય છે. આ કુંડલિનીને સુસુપ્ત સર્યિણી સાથે સરખવવામાં આવી છે તે સ્વયંભૂ લિંગને વળગીને સૂતેલી હોય છે. નારદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૂલાધાર ચક્રમાં રહેલા ગણેશજીની યૌગિક સાધનાનો આરંભ કરી યોગી ષટચક્રોનું ભેદન કરી સહસ્ત્રાર ચક્ર- કૈલાસના શિવનો સાક્ષાત્કાર કરી પરમ પદને પ્રાપ્ત કરી લે છે. તે સહસ્ત્રાર પદ્મના અમૃતનું પાન કરી સંસારના વિષયોથી મુક્ત થઇ જાય છે. આ ફળની પ્રાપ્તનો આરંભ મૂલાધારના ભેદનથી થાય છે. શિવ સંહિતા કહે છે - 'મૂલપદ્મં યદા ધ્યાયેદ્ યોગી સ્વયંભૂલિંગકમ્ । તદા તત્ક્ષણમાત્રેણ પાપૌદ્યં નારાયેદ્ ધ્રુવમ્ (૫/૯૬) - જ્યારે યોગી મૂલાધાર પદ્મ (ચક્ર)ના સ્વયંભૂલિંગનું ધ્યાન કરે છે, ત્યારે તેના પાપસમૂહોનો ક્ષણમાત્રમાં નાશ થઇ જાય છે.' મૂલાધારમાં રહેલા ગણેશની ઉપાસના કરવાથી યોગી અનેક યોગસિદ્ધિઓનો સ્વામી બની જાય છે. ગણપતિ યોગવિદ્યાના પરમ તત્વજ્ઞા છે. એમની વાણીમાં કહેવાયેલી ગણેશગીતાને યોગમાર્ગ પ્રકાશિની કહેવામાં આવી છે. 'એકદનાથ વિદ્મહે વક્રતુણ્ડાય ધીમહિ । તત્નો દન્તી પ્રચોદયાત્ ।'  આ ગણેશગાયત્રી મંત્ર ગણેશસાધનામાં સિધ્ધિદાયક છે.


Google NewsGoogle News