સંત કબીરના પુત્ર કમાલની અનાસક્તિ .
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
- કબીરના પુત્ર કમાલને કોઈ કશું આપવા આવે તો તે કહેતા - 'મારે કશાની જરૂર નથી. મારે આમાંનું કશું કામનું નથી. છતાં તમે આપવા આવ્યા છો, તમારે એની જરૂર નથી તો તમારી ઈચ્છા હોય તો તે મૂકી જાઓ.'
અધ્યાત્મ જગતમાં સંત કબીરના નામથી કોણ અજાણ હોય ? તે રહસ્યવાદી કવિ અને અનાસક્ત, ત્યાગી ગૃહસ્થ હતા. તેમના પુત્ર કમાલ પણ સંસારથી અલિપ્ત અને અપરિગ્રહી હતા. આમ તો બન્નેય વિરક્ત છતાં એમની વચ્ચે થોડો ફરક હતો. કબીરને કોઈ નાની-મોટી, કીમતી કે સાધારણ ભેટસોગાદ આપવા આવે તો તે કદી પણ સ્વીકારતા નહીં. તે તેમને કહેતા - 'હું તો વિરક્ત અને અપરિગ્રહી છું. જરૂર કરતાં કશાનો વધારે સંગ્રહ કરતો નથી. મારે કુટુંબ ચલાવવા જેટલું જોઈએ એટલું આ વણકરના વ્યવસાયથી કમાઈ લઉં છું. કોઈ ગમે તેટલો આગ્રહ કરે તોય તેનું દાન કે કોઈ ભેટ સુદ્ધાં ન લે એટલે ન જ લે. તેમનો જ દોહો છે - સાંઈ ઈતના દીજિયે જા મેં કુટુંબ સમાય । મૈં ભી ભૂખા ના રહું ઔર સાધુ ન ભૂખા જાય ।।
કબીરના પુત્ર કમાલને કોઈ કશું આપવા આવે તો તે કહેતા - 'મારે કશાની જરૂર નથી. મારે આમાંનું કશું કામનું નથી. છતાં તમે આપવા આવ્યા છો, તમારે એની જરૂર નથી તો તમારી ઈચ્છા હોય તો તે મૂકી જાઓ.' તે એવું વિચારતા કે ધન-સંપત્તિ વ્યર્થ જ છે તો એને સ્વીકારવા કે ન સ્વીકારવા આટલો બધો દુરાગ્રહ અને સમયની બરબાદી શા માટે કરવી ? નકામી વસ્તુ માટે હા કહેવું વ્યર્થ તેમ ના કહેવું પણ વ્યર્થ. ભેટમાં આવેલી વસ્તુ ઝૂંપડીના એક ખૂણામાં ઢગલામાં મૂકાવી દેતા અને કહેતા - આમાંથી જેને જે લઈ જવું હોય તે મને પૂછયા વિના લઈ જઈ શકે છે.'
એક દિવસ કાશીના રાજા એમને મળવા એમની ઝૂંપડી પર આવ્યા. તેમણે એક અતિ મૂલ્યવાન હીરો તેમને ભેટ આપવા માંડયો. કમાલ તો કમાલ હતા. તેમણે રાજાને કહ્યું - 'હું તો કોઈની પાસેથી કશું ભેટમાં લેતો નથી. પણ આ શું લાવ્યા છો ? પથરો હોય એવું લાગે છે.' રાજાએ કહ્યું - 'અરે ! આ તો અત્યંત કીમતી હીરો છે.' કમાલે તેમને કહ્યું - 'તમારી અને મારી નજરમાં ફરક છે. તમે એને કીમતી કહો છો, મારી નજરે એની કશી જ કિંમત નથી ! રાજાએ એ હીરો સોનાની રત્નજડિત ડબ્બીમાં પાછો મૂકવા માંડયો એટલે કમાલે હસીને કહ્યું - 'મહારાજ હજુ તમે ભૂલ કરી રહ્યા છો. તમે અજ્ઞાાની છો કેમ કે એક પથ્થરને આટલો મૂલ્યવાન સમજી રહ્યા છો. જ્ઞાાની તો એને કહેવાય કે જેને હીરા અને પથ્થર વચ્ચે કોઈ તાત્વિક ભેદ ન લાગે. આ પથ્થરને પાછો લઈ જશો ? એ બીજી ભૂલ નથી શું ? રાજાથી સહજ બોલાઈ ગયું - 'તમારી વાત તો સાચી છે. હીરો મૂળભૂત રીતે તો ખાણનો પથ્થર જ છે. હવેથી હું એ બન્નેને સરખા સમજીશ.' રાજાએ જતા જતા તેમને પૂછયું - 'કમાલ સાહેબ, એટલું તો કહો. આને હું ક્યાં મૂકું ?' તેમણે હસીને કહ્યું - 'હજુ તમારી નજરમાં આ કીમતી હીરો છે એટલે આવું પૂછો છો. પથ્થરને ક્યાં મૂકવાનો હોય ? ઝૂપડીમાં ખૂણામાં નકામી વસ્તુઓનો ઢગલો પડયો છે એમાં તે નાંખી દો.' જો કે રાજાને એ મોંઘો હીરો ઢગલામાં ફેંકી દેવાનો જીવ ન ચાલ્યો. એટલે તેમણે ઝૂંપડીના સળેખડાં અને ઘાસ હતા તેમાં એક જગ્યાએ તે હીરો મૂકી દીધો અને ત્યાંથી ચાલી નીકળ્યા.
પાછા ફરતાં રાજાએ વિચાર્યું - 'કમાલસાહેબને હીરો રાખવો તો હશે, પણ મારે કશા કામનો નથી એ તો પથરો છે એમ કહી ખોટો વૈરાગ્ય બતાવ્યો હશે. પછી ઘાસમાંથી ઉઠાવી લીધો હશે. થોડા દિવસો પછી કાશીના રાજા ફરી તેમને મળવા આવ્યા. તેમની સાથે સત્સંગ કરી તેમને પૂછવા લાગ્યા - થોડા દિવસ પહેલાં હું અહીં આવ્યો ત્યારે મેં આપને આપવા માટે એક હીરો ઝૂંપડીની ઘાસની દીવાલમાં મૂકી દીધો હતો. તમને એ ગમ્યો ? એ તમારો કામ આવ્યો ?'
સંત કમાલે એનો જવાબ આપતાં કહ્યું - 'લોકો અહીં આવી એમની મરજીમાં હોય તે મૂકી જાય છે. હું હા કે ના પાડતો નથી. મારે તો એ કશું કામનું હોતું નથી. હું એ બધું ભેગું કરાવી ઢગલામાં મૂકાવી દઉં છું. જેને જોઈતું હોય તે ત્યાંથી લઈ જાય છે ! રાજાએ કહ્યું - 'એ અત્યંત મોંઘો હીરો હતો એટલે મેં ત્યાં ઘાસમાં છુપાવીને મૂક્યો હતો.' કમાલ એ સાંભળીને કહેવા લાગ્યા - 'તમે મૂક્યો હતો તો તમને ખબર. મને શું ખબર છે ? તમે જ્યાં મૂકયો હશે ત્યાં જ તે હશે. એ પથ્થર મારે પહેલાં પણ કામનો નહોતો, અત્યારે પણ કામનો નથી અને અને ભવિષ્યમાં પણ ક્યારેય કામમાં આવવાનો નથી ! કાશી નરેશે ઝૂંપડીની ઘાસની દીવાલમાં જ્યાં હીરો મૂક્યો હતો ત્યાં જઈને ઘાસ આઘુપાછું કરીને જોયું તો તે હીરો ત્યાં જ પડેલો હતો જ્યાં તેમણે મૂક્યો હતો. સંત કમાલની આવી અનાસક્તિ અને અલિપ્તતા જોઈ રાજા તેમના ચરણોમાં નમી પડયા. તેમના માટે પોતે પાછા જતાં જે વિચાર્યું હતું તે બદલ પારાવાર પશ્ચાત્તાપ થયો. આવા અપરિગ્રહી સંત પોતાના રાજ્યમાં વસે છે તે બદલ હર્ષ થયો. તેમના ઉપદેશથી રાજાની ધનલાલસા છૂટી ગઈ.