આદ્યા શક્તિ ત્રિપુર સુંદરી સાધકને ભોગ અને મોક્ષ બન્ને સમાન રીતે પ્રદાન કરે છે
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
ત્રિપુર સુંદરી દસ મહાવિદ્યાઓ રૂપ દસ દેવીઓમાંથી એક છે. તેમને મહાત્રિપુર સુંદરી, ષોડશી, લલિતા, લીલાવતી, લલિતામ્બિકા, લલિતા ગૌરી, પમાક્ષી, રેણુકા અને રાજરાજેશ્વરી વગેરે નામથી પણ ઓળખાવાય છે. તે દસ મહાવિદ્યાઓમાં સર્વાધિક મહિમાવાન મુખ્ય દેવી છે. તેમનુ સ્વરૂપ અત્યંત સુંદરતમ છે. ત્રણે લોકમાં તેમના જેટલી સુંદર કોઇ દેવી કે સ્ત્રી નથી. એટલે જ તેમને ત્રિપુરસુંદરી નામથી ઓળખવામાં આવે છે. દેવી ભાગવત પુરાણમાં ત્રિપુરસુંદરીના ૩ રૂપ દર્શાવવામાં આવ્યા છે. તેમના બાલ રૂપને બાલા, કિશોરરૂપને ષોડશી અને યુવાન રૂપને લલિતા કહેવાય છે. તેમને મીનાક્ષી, કામાક્ષી, શતાક્ષી, કાનેશ્વરી નામથી પણ ઓળખવામાં આવે છે.
દેવી ભાગવતમાં કહેવાયું છે કે તેમનું સ્વરૂપ સૌમ્ય છે, તેમનું હૃદય કૃપા ્ને કરૂણાથી ભરેલું કહે છે અને તે સદા સર્વદા વરદાન આપવા તત્પર રહે છે. એમનો અપરંપાર અને અવર્ણનીય છે. તંત્રશાસ્ત્રમાં તેમને પંચવક્ત્ર એટલે કે પાંચ મુખવાળા કહેવાયા છે. તેમના ચાર મુખ ચાર દિશાને જોનારા અને એક ઉપરની તરફ ઉઠેલું છે. તે ૧૬ કલાથી પરિપૂર્ણ છે. એટલે પણ તેમને ષોડશી કહેવાય છે. તે સોળ વર્ષની કિશોરી જેવું રૂપ ધારણ કરે છે તેને લીધે પણ ષોડશી કહેવાય છે.
એકવાર પાર્વતીએ ભગવાન શિવજીને પૂછયું : 'હે ભગવત્ , તમારા દ્વારા વર્ણિત તંત્ર સાધનાથી જીવના આધિ - વ્યાધિ - ઉપાધિ, શોક - સંતાપ - દુ:ખ, દીનતા - હીનતા વગેરે દૂર થઇ જાય છે પરંતુ ગર્ભવાસ, મરણ સમયનું દુ:ખ, જન્મ - મરણના ભવ ફેરામાંથી મુક્તિ સાથે મોક્ષ પદની પ્રાપ્તિનો કોઇ સરળ ઉપાય બતાવો. ત્યારે પાર્વતીની આ વિનંતીથી ભગવાન શિવે ત્રિપુર સુંદરી શ્રી વિદ્યા સાધના પ્રણાલીને પ્રકટ કરી હતી. ભૈરવ યામલ અને શક્તિલહરીમાં ત્રિપુરસુંદરી ઉપાસનાનું સવિસ્તાર વર્ણન પ્રાપ્ત થાય છે. દુર્વાસા મુનિ ત્રિપુરસુંદરીના પરમ ઉપાસક હતા. તે તેમની ઉપાસના શ્રીચક્રમાં કરતા. આદિ શંકરાચાર્યજીએ તેમના ગ્રંથ સૌંદર્યલહરીમાં ત્રિપુરસુંદરી રૂપ શ્રી વિદ્યાની ઉત્તમ સ્તુતિ કરી છે. એવું કહેવાય છે કે, ભગવતી ત્રિપુરસુંદરીના આશિષથી સાધકની સર્વ મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે. તેને ભોગ અને મોક્ષ બન્ને સહજ રીતે પ્રાપ્ત થઇ જાય છે. બીજી મહાવિદ્યાઓ રૂપ દેવીઓમાંથી કેટલીક ભોગ આપે છે તો કેટલીક મોક્ષ. પણ ત્રિપુરસુંદરી સમાન રૂપે બન્ને પ્રદાન કરે છે. તેમને ધન, ઐશ્વર્ય, ભોગ અને મોક્ષની અધિષ્ઠાત્રી દેવી કહેવાય છે.
પૌરાણિક કથા પ્રમાણે દેવી સતીના પ્રાણત્યાગના શોકમાં ભગવાન શિવ ડૂબેલા રહેતા. ત્યારે સૃષ્ટિના હિત માટે દેવરાજ ઇન્દ્રએ કામદેવને શિવજીના ધ્યાન- સમાધિનો ભંગ કરી તેમના હૃદયમાં કામ, આકર્ષણ, પ્રેમ ઉત્પન્ન કરવા મોકલ્યો હતો. તેણે પુષ્પધન્વા ધનુષ્યથી પંચસાયક પાંચ બાણ છોડયા હતાં. તેનાથી શિવજીની સમાધિનો ભંગ થયો હતો અને તેમના મનમાં સહેજ વાર કામનો પ્રભાવ પડવાથી મન વિચલિત થયું હતું. આનું કારણ ખબર પડતાં તેમણે પોતાનું ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મીભૂત કરી નાંખ્યો હતો. આ દરમિયાન શિવના એક ગણે કામદેવની ભસ્મમાંથી એક પુરુષ ઉત્પન્ન કર્યો હતો. તેનું નામ ભાંડ રાખવામાં આવ્યું હતું. શિવના ક્રોધમાંથી તે બનેલો હોવાને કારણે તેનામાં અસુરના ગુણો હતા. બધા તેને ભાંડાસુર કહેતા હતા. તેણે પોતાની આસુરી શક્તિઓથી સ્વર્ગના દેવો અને મનુષ્યો પર આત્યાચાર કરવાના શરૂ કરી દીધા. ત્યારે દેવરાજ ઇન્દ્ર નારદમુનિને એને પરાસ્ત કરવાનો ઉપાય પૂછયો હતો. તેમણે ઇન્દ્રને આદ્યા શક્તિની પૂજા કરવાનો રસ્તો બતાવ્યો હતો. ઇન્દ્રે નારદજીના બતાવ્યા પ્રમાણે આદ્યા શક્તિની આરાધના અને પૂજા કરી હતી. તેનાથી પ્રસન્ન થઇ આદ્યા શક્તિ દુર્ગાં દેવીએ ત્રિપુરાસુંદરી (ત્રિપુરસુંદરી)નું રૂપ ધારણ કરી ભાંડાસુરને માર્યો હતો અને દેવોને તેના ત્રાસમાંથી છૂટકારો અપાવ્યો હતો.
એવું કહેવાય છે કે તાંત્રિક સિદ્ધિઓને માટે તે વખતથી ત્રિપુરાસુંદરીની આરાધના શરૂ થઇ હતી. ભગવાન શિવની નાભિ પર કમલપુષ્પ પર બેઠેલા ત્રિપુરાસુંદરીની સાચા હૃદયથી આરાધના કરવામાં આવે તો તે સાધકના આધિ-વ્યાધિ - ઉપાધિ દૂર કરી તેની બધી ભૌતિક અને આધ્યાત્મિક ઇચ્છાઓને પૂર્ણ કરે છે. માગસર મહિનાની પૂનમના રોજ ત્રિપુરસુંદરી દેવી જયંતી મનાવવામાં આવે છે.