રામકૃષ્ણ પરમહંસે બતાવ્યો મુક્તિનો સરળ માર્ગ
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
- જીવનમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ વિના કૃતાર્થતા અનુભવવી અસંભવ છે. જ્ઞાન આત્મબોધ આપી યથાર્થ દર્શન કરાવે છે. વૈરાગ્ય નિરથર્ક, નકામું હોય તેની નિવૃત્તિ કરાવે છે. ભક્તિ સારભૂત સત્ય સ્વરૂપ ઈશ્વરના સુંદર, મધુર સાકાર રૂપનો સંબંધ કરાવે છે. જ્ઞાની જેમ જેમ સમજતો જાય છે તેમ તેમ તેને ખ્યાલ આવે છે કે ઈશ્વરને સમજવા શક્ય નથી. એનો મહિમા અપાર, અનંત છે. તે અગમ અગોચર તત્વ છે. તેને ગ્રહણ કરવા બુદ્ધિ ઓછી પડે, ઈન્દ્રિયો ટૂંકી પડે. કીડી ખાંડની વખારને ખાઈ જવાનો કે ખાલી કરી દેવાનો મનસૂબો રાખે તો કદી પાર ન પડી શકે.
મોક્ષદ્વારે દ્વારપાલાશ્ચત્વાર: પરિકીર્તિતા:
શમો વિચાર: સંતોષશ્ચતુર્થ: સાધુ સગમઃ ।
એતે સેવ્યા: પ્રયત્નેન ચત્વારૌ દ્વૌ ત્રયોઢથવા
દ્વાર મુદ્ઘાટયન્ત્યેતે મોક્ષરાજગૃહે તથા ।।
એ મુક્તિના દ્વાર પર નિવાસ કરનારા ચાર દ્વારપાળો દર્શાવવામાં આવે છે. જેમનાં નામ છે - શમ (મનની આંતરિક શાંતિ), વિચાર, સંતોષ અને સત્સંગ. મનુષ્યે આ ચારેયનું પ્રયત્નપૂર્વક સેવન કરવું જોઈએ કેમ કે તેમનું યોગ્ય રીતે સેવન કરાય ત્યારે તે મુક્તિ (મોક્ષ) રૂપી રાજમહેલનાં દ્વાર ખોલી નાંખે છે.'
- યોગવાસિષ્ઠ રામાયણ
એકવાર રામકૃષ્ણ પરમહંસ એમના શિષ્યો સાથે વિહરતા વિહરતા નદીના તટ પર આવ્યા - ત્યાં માછીમારો જાળ ફેંકી માછલીઓ પકડી રહ્યા હતાં. એક માછીમાર પાસે રામકૃષ્ણ ઊભા રહી ગયા અને શિષ્યોને કહેવા લાગ્યા - 'આ માછલીઓ શું કરી રહી છે તેને ધ્યાનથી જુઓ તેમણે થોડીવાર ધ્યાનથી એમનું નિરીક્ષણ કર્યું. તેમણે જોયું તો કેટલીક માછલીઓ એવી હતી જે જાળમાંથી નીકળવાનો પ્રયત્ન કરતી હતી પણ નીકળી શકતી નહોતી. કેટલીક માછલીઓ એવી હતી જે કંઈ જ કર્યા વિના પાણીમાં પડી રહી હતી. કેટલીક માછલીઓ એવી હતી જે જાળમાંથી બહાર નીકળીને પાણીમાં ક્રીડા કરવા લાગી હતી.'
આનો અર્થ સમજાવતાં રામકૃષ્ણ પરમહંસે કહ્યું - જેમ તમે જોયુેં કે માછલીઓ ત્રણ પ્રકારની છે. તેમ મનુષ્યો પણ ત્રણ પ્રકારના હોય છે. એક એવા પ્રકારના હોય છે જેમના આત્માએ બંધન સ્વીકારી લીધું છે અને ભવ (સંસાર) રૂપી જાળમાં પડી જ રહે છે. તેમાંથી બહાર નીકળવાનો કોઈ પ્રયત્ન જ કરતા નથી. બીજા એવા પ્રકારના છે જે મુક્તિનો પ્રયત્ન તો કરે છે પણ તેમાં સફળ થઈ શકતા નથી. ત્રીજા એવા પ્રકારના છે જે ભારે પ્રયત્ન કરી છેવટે મુક્તિ પ્રાપ્ત કરી જ લે છે. તે ભવની જાળમાંથી બહાર આવી મુક્તિનો આનંદ માણતા હોય છે. રામકૃષ્ણ પરમહંસની આ વાત સાંભળી એમના એક શિષ્યે કહ્યું - 'ગુરુદેવ, એક ચોથા વર્ગના લોકો પણ હોય છે જેમના વિશે તમે જણાવ્યું જ નહીં!' રામકૃષ્ણ પરમહંસે કહ્યુ - 'હા વત્સ, તારી વાત બિલકુલ સાચી છે. ચોથા પ્રકારની માછલીઓ જેવા બહુ થોડા લોકો પણ છે તો ખરા જ, જે જાળની પાસે આવતા જ નથી, તેથી તેમાં કદી ફસાતા નથી !'
જીવનમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ વિના કૃતાર્થતા અનુભવવી અસંભવ છે. જ્ઞાન આત્મબોધ આપી યથાર્થ દર્શન કરાવે છે. વૈરાગ્ય નિરથર્ક, નકામું હોય તેની નિવૃત્તિ કરાવે છે. ભક્તિ સારભૂત સત્ય સ્વરૂપ ઈશ્વરના સુંદર, મધુર સાકાર રૂપનો સંબંધ કરાવે છે. જ્ઞાની જેમ જેમ સમજતો જાય છે તેમ તેમ તેને ખ્યાલ આવે છે કે ઈશ્વરને સમજવા શક્ય નથી. એનો મહિમા અપાર, અનંત છે. તે અગમ અગોચર તત્વ છે. તેને ગ્રહણ કરવા બુદ્ધિ ઓછી પડે, ઈન્દ્રિયો ટૂંકી પડે. કીડી ખાંડની વખારને ખાઈ જવાનો કે ખાલી કરી દેવાનો મનસૂબો રાખે તો કદી પાર ન પડી શકે. જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિમાં પરિણમવા જોઈએ. એટલે જ શાસ્ત્રમાં કહેવાયું છે -'મોક્ષકારણ સામગ્યાં ભક્તિરેવ ગરીયસિ ા સ્વ સ્વરૂપાનુસંધાનં ભક્તિરિત્યભિધીયતે ાા મોક્ષ પ્રાપ્ત કરવાના સાધનોમાં માત્ર ભક્તિ જ સૌથી ચડિયાતી છે. આત્મ-સ્વરૂપ (સ્વ-સ્વરૂપ)ના અનુસંધાનને જ્ઞાન નિષ્પન્ન ભક્તિ કહેવાય છે.'
રામકૃષ્ણ ૫રમહંસ કહેતા હતા - 'જ્યાં સુધી આપણા મનમાં ઈચ્છાઓ રહેશે ત્યાં સુધી આપણને ન તો શાંતિ પ્રાપ્ત થઈ શકે છે કે ન તો ઈશ્વરની ભક્તિ.' 'હોડી પાણીમાં જ રહે છે એમ છતાં ક્યારેય હોડીમાં પાણી ના હોવું જોઈએ. બરાબર એ જ રીતે ભક્તિ કરનારા લોકો આ દુનિયામાં રહે છે પણ એમના મનમાં આ દુનિયાની વસ્તુઓ માટે મોહ ના હોવો જોઈએ.' 'ભગવાનના અનેક રૂપ છે, અનેક નામ છે, અનેક રીતે એમની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. આપણે એમની પૂજા કયા નામ, રૂપ કે વિધિથી કરીએ છીએ એ વધારે મહત્વપૂર્ણ નથી. મહત્વપૂર્ણ એ છે કે આપણે આપણી અંદર ભગવાનને કેટલા અનુભવ કરીએ છીએ. ' જે દ્રઢ વિશ્વાસથી કહે છે અને એવું પ્રતીત કરે છે કે હું બંધાયેલો નથી, મુક્ત છું તે મુક્ત થઈ જાય છે, જે હંમેશા એવું રટણ કર્યા કરે છે અને માની લે છે કે હું બંધાયેલો છું તે તેવો જ રહી જાય છે.