સૂરદાસજીના પ્રયાસથી બહિર્મુખ, દ્રવ્ય લોભી, વેપારી વણિક ભગવદ્ ભક્ત બની ગયો !
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
ભ ગવાન શ્રીકૃષ્ણના અનન્ય ઉપાસક, વ્રજભાષાના શ્રેષ્ઠ કવિ મહાત્મા સૂરદાસને હિન્દી સાહિત્યના સૂર્ય માનવામાં આવે છે. તે પુષ્ટિમાર્ગના પ્રસ્થાપક શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના સેવક અને અષ્ટછાપ કવિઓમાંના એક હતા. આચાર્યજીના સમયે શ્રીનાથજીના પ્રથમ નિયમિત કીર્તનકાર સૂરદાસજી હતા.
સૂરદાસજીએ એક બહિર્મુખ સંસારાસક્ત વેપારી વણિક ગૃહસ્થને સરસ રીતે ભક્તિના માર્ગે ચડાવ્યો હતો. શ્રીનાથજીના મંદિરની નીચે આવેલા ગોપાલપુર ગામમાં તે રહેતો હતો. ગોપાલપુરમાં પર્વતની નીચે તેની દુકાન હતી. તે દ્રવ્યનો એવો લોભી હતો કે દુકાન છોડીને ક્યારેય શ્રીનાથજીના દર્શન કરવા જતો નહોતો. જે વૈષ્ણવો દર્શન કરીને આવ્યા હોય તેમાંથી કોઈને તે દિવસે શ્રીનાથજીના કેવા શણગાર થયેલા છે તે પૂછી લેતો અને પછી જાણે તે પોતે જ દર્શન કરીને આવ્યો છે તેમ જણાવી બીજા બધા આગળ તેનું વર્ણન કરતો. વૈષ્ણવ વેશ ધારણ કરી વૈષ્ણવી તિલક પણ કરતો તેના દંભી સ્વાંગથી તે વૈષ્ણવ છે, શ્રીનાથજીનો ભક્ત છે એમ માની વૈષ્ણવો તેની દુકાનેથી સેવાની સામગ્રી ખરીદવા આવતા હતા.
એક દિવસ સૂરદાસજી તેમની દુકાન આગળથી પસાર થતા હતા ત્યારે પેલા વેપારી વણિકે તેમને ઉભા રાખ્યા અને તેમની સાથે તે વાતચીત કરવા લાગ્યો. તેમણે કહ્યું - સૂરદાસજી, તમેં ઘણીવાર આજુબાજુની દુકાનેથી સેવાની સામગ્રી અને બીજી વસ્તુઓ ખરીદો છો તો કોઈવાર મારી દુકાનેથી પણ ખરીદો ને ? સૂરદાસજીએ કહ્યું - 'ભાઈ, મેં એવો નિયમ લીધો છે કે વૈષ્ણવની દુકાનેથી જ સામગ્રી ખરીદવી.' પેલા વેપારીએ કહ્યું - 'તમને આંખે દેખાતુ નથી એટલે કદાચ ખ્યાલ નહીં હોય, પણ હું ય વૈષ્ણવ જ છું. હું વૈષ્ણવી બંડી પહેરું છું, ગળામાં તુલસીની કંઠી પહેરું છું, કપાળમાં વૈષ્ણવી તિલક જ કરું છું.' સૂરદાસજીએ તેનો ઉધડો લઈ લેતા કહ્યું - એટલા માત્રથી વૈષ્ણવ ના થઈ જવાય. વૈષ્ણવ એને કહેવાય જે વિષ્ણુને ભજે. ભગવાનની પ્રેમથી સેવા અને સ્મરણ કરે. ભગવાનના નિત્ય દર્શન અને સંકીર્તન કરે નિત્ય સેવા, સ્મરણ તો દૂર રહ્યા, તું તારી સાઈઠ વર્ષની જિંદગીમાં એક પણ વાર મંદિરમાં દર્શન કરવા ગયો નથી. એટલે હું તારી દુકાને ખરીદી કરવા આવતો નથી.
પછી તેને ભગવદ્ અભિમુખ કરવા સૂરદાસજીએ કહ્યું - 'જો તું કાલે મારી સાથે દર્શન કરવા આવે તો હું જરૂર તારી દુકાનેથી સામગ્રી ખરીદીશ. તેણે કહ્યું - 'હા, કાલે, હું તમારી સાથે આવીશ.'
બીજે દિવસે સવારે ઉત્થાપનના સમયે સૂરદાસજી મંદિરે જઈ રહ્યા હતા ત્યારે તેને લેવા ગયા અને કહ્યું - 'ચાલ, મારી સાથે દર્શન કરવા. તેણે કહ્યું - 'આ સમય તો સોદાનો સમય છે. અનેક લોકો સોદો કરવા આવે છે. અત્યારે મારાથી નહીં અવાય.' સૂરદાસજી ફરીથી ભોગના સમયે તેને લેવા ગયા. તેણે બીજું કારણ બતાવી કહ્યું - 'આ તો ગાયોના આવવાનો સમય છે. હું અત્યારે આવું તો ગાયો દુકાનનું અનાજ ખાઈ જાય. મારાથી અત્યારે નહીં અવાય. સાંજે સેન-સંધ્યા આરતીના સમયે તે ફરી પાછા તેને લેવા ગયા. તે વણિકે ફરી બહાનું બતાવતા કહ્યું - 'આ તો દીવો કરવાનો સમય છે. દીવાબત્તીના સમયે લક્ષ્મી પધારતા હોય છે. દુકાન બંધ હોય તો તે પાછા ફરી જાય.'
તેના પછીના દિવસે પણ સૂરદાસજીએ તેમને પ્રયત્ન છોડયો નહીં. વહેલી સવારે મંગળાના સમયે તે તેની પાસે પહોંચી ગયા અને દર્શન માટે સાથે આવવા કહ્યું. તે વણિક વેપારીએ કહ્યું - 'અરે ! તમે આ સમયે ક્યાંથી આવ્યા ? આ તો બોણીનો સમય છે. બોણીના સમયે ગ્રાહક પાછો જાય તો આખો દિવસ નકામો જાય. મારે હજુ દુકાન માંડવાની પણ બાકી છે.' ત્યાર પછી સૂરદાસજી શૃંગાર-રાજભોગના સમયે પાછા તેને બોલાવવા ગયા. તેણે અફસોસ વ્યક્ત કરતાં કહ્યું - 'આ સમયે તો કોઈપણ સંજોગોમાં ના અવાય. દર્શન કરીને બધા વૈષ્ણવો પર્વત પરથી નીચે ઉતરે છે ત્યારે ખરીદી કરતા હોય છે. આ તો સખત ઘરાકીનો સમય છે.'
તે વેપારી વણિકની આવી વૃત્તિ જોઈને સૂરદાસજી સમજી ગયા કે આ લોભી જીવ દુકાન છોડીને ક્યારેય દર્શન કરવા આવે એમ નથી. તેમણે તેને બોધ આપતાં એક પદ રચ્યુ - 'આજ કામ કાલ કામ, પરસોં કામ કરના । પહલે દિન બહુત કામ, વિમુખ ભયો ચરના । જાગત કામ સોવત કામ, કામ હિ મેં પચિ મરના ।થ્ છાંડિ કામ સુમરિ શ્યામ સૂર પકડી શરના ।। આજે કામ કાલે કામ, પરમ દિવસે કામ, પહેલે દિવસે કામ, બીજે દિવસે કામ, જાગતા કામ, સૂઈ જતાં કામ, આમ તું લૌકિક કામમાં રચ્યો પચ્યો રહી મરી જવાનો ! ભગવાનના ચરણથી વિમુખ રહી આમ તારી જિંદગી નકામી જવાની. હવે કામ છોડી 'સૂરદાસ'નો હાથ પકડી શ્યામનું સ્મરણ કર. એ સિવાય તારો ઉદ્ધાર નથી.' પછી તે ચીમકી આપી થોડો ડરાવ્યો - 'હું બધા વૈષ્ણવોને કહી દેવાનો છું કે આ વણિક વેપારીએ એના જીવનમાં ક્યારેય ભગવાનના દર્શન કર્યા નથી. તે સેવા કે સ્મરણ કરતો નથી. વૈષ્ણવતાનો ખાલી ઢોંગ કરે છે. એટલે કોઈએ તેની દુકાનેથી સેવાની સામગ્રી ખરીદવી નહીં.' આ સાંભળી તે ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો - 'ના, ના, એવું કોઈને કહેશો નહીં. હું દુકાન બંધ કરીને અત્યારે જ તમારી સાથે દર્શન કરવા આવું છું.' તે તરત જ સૂરદાસજી સાથે શ્રીનાથજીના દર્શન કરવા ચાલી નીકળ્યો. આ ઘટનાથી પ્રસન્ન થઈ શ્રી વિઠ્ઠલનાથજી-શ્રી ગુસાંઈજીએ સૂરદાસજીની પ્રશંસા કરતા કહ્યું - 'વાહ સૂરદાસજી, તમે સાઈઠ વરસના બળદને જબરો નાથ્યો !' તે પછી એ વણિક વેપારી સુધરી ગયો અને નિત્ય ભગવત્સેવા, સ્મરણ, દર્શન કરવા લાગ્યો.