મહા પરાક્રમી, અપાર શક્તિશાળી, અર્જુન અને સુભદ્રાનો પુત્ર અભિમન્યુ ચંદ્રદેવના પુત્રનો અવતાર હતો!

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
મહા પરાક્રમી, અપાર શક્તિશાળી, અર્જુન અને સુભદ્રાનો પુત્ર અભિમન્યુ ચંદ્રદેવના પુત્રનો અવતાર હતો! 1 - image


- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

- અભિમન્યુ અસાધરણ, અતિ શક્તિશાળી યોદ્ધા હતો. તેણે કૌરવોએ રચેલા ચક્રવ્યૂહના સાતમાંથી 10 દ્વાર ભેદ્યા હતા

મ હાભારતનો એક અસાધારણ સૂરવીર યુવાન યોધ્ધા અભિમન્યુ અપાર શક્તિશાળી હતો. સોમવંશના પુરુ કુળમાં ઉત્પન્ન થયેલા અજમીઢ રાજાના વંશમાં જન્મેલા કુરુના પુત્ર જહનુ રાજાના કુળના પાંડુના પુત્ર અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણ અને બળરામની બહેન સુભદ્રાનો પુત્ર અભિમન્યુ આજાનબાહુ હતો. આજાનબાહુ એટલે જેના હાથ ઢીંચણ સુધી પહોંચતા હોય તેવી વ્યક્તિ. સામુદ્રિક શાસ્ત્ર કહે છે કે જે આજાનબાહુ હોય તે અત્યંત બળવાન, પરાક્રમી અને મહાપ્રતાપી હોય છે. અનીતિ અને અન્યાય થતા હોય ત્યાં તેનો પુણ્ય, પ્રકોપ ફૂટી નીકળતો. તેથી તેનુ નામ અભિમન્યુ રખાયું હતું.

અભિમન્યુ તેના પિતા અર્જુન પાસેથી દસ પ્રકારની વિદ્યા અને દિવ્ય શસ્ત્ર - અસ્ત્રની વિદ્યા પણ શીખ્યો હતો. એ વિદ્યાઓમાં તે એટલો કુશળ થયો હતો કે એના મામા બળરામે એને 'રૌદ્ર' નામનું દિવ્ય ધનુષ્ય આપ્યું હતું. એનું બાળપણ તેના મોસાળ દ્વારિકામાં વીત્યું હતું. એના લગ્ન મહારાજ વિરાટની પુત્રી ઉત્તરા અને બળરામની પુત્રી વત્સલા સાથે થયા હતા. ૧૫ વર્ષની ઉંમરે ફાગણ મહિનામાં એના લગ્ન ઉત્તરા સાથે થયા હતા અને ૧૬ વર્ષની ઉંમરે અષાઢ મહિનામાં જે દિવસે મહાભારતના યુદ્ધમાં તેને વીરગતિ પ્રાપ્ત થઇ તેના એક દિવસ પહેલાં જ ઉત્તરાએ ગર્ભધારણ કર્યો હતો. દ્વાપર યુગમાં સૌથી નાની ઉંમરે લગ્નજીવનનું સુખ અને સંતાનની પ્રાપ્તિ કરનારા તે એકમાત્ર હતા. તેમના પુત્ર પરીક્ષિતે આખા ભારત વર્ષમાં ચક્રવર્તી રાજાના રૂપે શાસન કર્યું હતું. શમીક ઋષિના પુત્ર શૃંગીએ સાતમા દિવસે તક્ષક નાગ કરડવાથી શરણ થવાનો શાપ આપવાથી તેમણે વ્યાસપુત્ર શુકદેવજી પાસેથી શ્રીમદ્ભાગવતની કથા સાંભળી સાતમા દિવસે તક્ષક આવીને દંશ મારે તે પહેલાં આત્મ સ્વરૂપનું ધ્યાન કરી મોક્ષ પ્રાપ્ત કરી લીધો હતો.

અભિમન્યુનું સોળ વર્ષનું અલ્પ આયુષ્ય કેમ હતું તે વિશે પૌરાણિક સંદર્ભ જોવા મળે છે. એવું કહેવાય છે કે બધા દેવીએ એમના પુત્રોને અવતારના રૂપમાં ધરતી પર મોકલ્યા હતા. પરંતુ ચંદ્રદેવે કહ્યું કે તે એમના પુત્રનો વિયોગ સહન નહીં કરી શકે એટલે એમના પુત્રને માનવ યોનિમાં માત્ર ૧૬ વર્ષનું જ આયુષ્ય અપાય. ચંદ્ર દેવનો પુત્ર જ અભિમન્યુ રૂપે અર્જુન - સુભદ્રા થકી અવતરિત થયો હતો.

અભિમન્યુ અસાધરણ, અતિ શક્તિશાળી યોદ્ધા હતો. તેણે કૌરવોએ રચેલા ચક્રવ્યૂહના સાતમાંથી ૧૦ દ્વાર ભેદ્યા હતા. કથા પ્રમાણે અભિમન્યુએ તેની માતાના ગર્ભમાં હતો ત્યારે જ તેના પિતા અર્જુનના મુખેથી ચક્રવ્યૂહભેદનનું રહસ્ય જાણી લીધું હતું પરંતુ તેની માતા સુભદ્રા આ વખતે વચ્ચેનો થોડો સમય નિદ્રાધીન થઇ જવાથી તે વ્યૂહથી બહાર આવવાની વિધિ સાંભળી શક્યો નહોતો. ચક્રવ્યૂહ ભેદીને પાછા આવવાની કળા સંપૂર્ણ આવડતી ન હોવા છતાં પણ તેણે તે અસંભવ જેવું કામ કરવાની જવાબદારી લીધી હતી તે તેની સાહસિકતા બતાવે છે.

અભિમન્યુના મૃત્યુનું કારણ જયદ્રથ હતો. જેણે અન્ય પાણ્ડવોને વ્યૂહમાં પ્રવેશ ન કરી શકે તેવી રીતે રોકી લીધા હતા. તે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને વ્યૂહના અંતિમ ચરણમાં ગૌરવ પક્ષના બધા મહારથીઓએ યુદ્ધનાં નિયમોનો ભંગ કરીને તેના પર તૂટી પડયા હતા કેમ કે કૌરવ પક્ષનો કોઇપણ યોધ્ધા દ્વન્દ્વ યુદ્ધમાં નિયમ અનુસાર લડીને અભિમન્યુને હરાવી શક્વા સમર્થ નહોતો. એના મામા બળરામજીએ આપેલા રૌદ્ર ધનુષ્ય આગળ કૌરવોનો કોઇ પણ યોદ્ધા કર્ણ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા કે દુર્યોધન પણ ટકી શક્યો નહોતો.

કર્ણએ છળ કપટથી તેના વિજય ધનુષ્યથી પાછળથી પ્રહાર કરીને રૌદ્ર ધનુષ્યને કાપી નાખ્યું હતું. દ્રોણાચાર્યે તેનો રથ તોડી નાંખ્યો હતો. કૃતવર્માએ ઘોડાઓને મારી નાંખી એને રથ વગરનો કરી લીધો હતો. કૃપાચાર્યે ચક્રરક્ષકોને મારી નાંખ્યા હતા. તેમ છતાં અભિમન્યુ આકાશમાં કૂદી કૂદીને તલવારથી યુદ્ધ કરવા લાગ્યો હતો. આ રીતે પણ તેણે શકુનિના ભાઇ કાલકેય, તેના સિત્તોતેર સેવકો, બીજા સત્તર મહારથીઓને મારી નાંખ્યા હતા. તે પછી દુર્યોધનનો પુત્ર ગદા લઇને અભિમન્યુ સાથે યુદ્ધ કરવા લાગ્યો હતો. તે વખતે બન્ને જમીન પર પડી ગયા ત્યારે એકલા હાથે આખા કૌરવ સૈન્યના યોદ્ધાઓ સાથે લડતાં થાકી ગયેલા અભિમન્યુને ઊભા થતાં વાર લાગી. તેને કારણે દુ:શાસનના પુત્રે તેને માથા પર ગદાનો પ્રહાર કરી દીધો હતો. આ રીતે કૌરવોએ યુદ્ધના નિયમનો ભંગ કરી, છળ કપટથી અભિમન્યુને વીરગતિ પ્રાપ્ત કરાવી હતી. ચંદ્રદેવનો પુત્ર સોળ વર્ષે નિયત થયું હતું તે પ્રમાણે પાછો દેવલોકમાં સિધાવી ગયો હતો.


Google NewsGoogle News