ધૃતરાષ્ટ્રનો મોહ દૂર કરવા મહાત્મા વિદુરે આપેલો ઉપદેશ
- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
- જીવનની છેલ્લી અવસ્થામાં પણ હસ્તિનાપુરને વળગી રહેલા ઘૃતરાષ્ટ્રના મોહને ભાંગવા વિદુરે તેમના પર આકરા વાગ્પ્રહારો કર્યા હતા.
મહાભારતમાં વિદુર એક મહત્ત્વપૂર્ણ પાત્ર છે. તે કુરુવંશના પ્રધાનમંત્રી અને કૌરવો-પાણ્ડવોના પૈતૃક કાકા હતા. વિદુરનો જન્મ નિયોગ પદ્ધતિથી મહર્ષિ વેદવ્યાસ અને રાજા વિચિત્રવીર્યની પત્નીઓ અંબિકા અને અંબાલિકાની દાસી પરિશ્રમી દ્વારા થયો હતો. વિદુર પાણ્ડવોના સલાહકાર હતા અને તેમણે દુર્યોધન દ્વારા રચાયેલા અનેક ષડયંત્રોથી પાણ્ડવોને સજગ કરી તેમને મૃત્યુના મુખમાંથી બચાવ્યા હતા. કૌરવોના દરબારમાં યુતપ્રસંગે દ્રૌપદીના વસ્ત્ર હરણના પ્રસંગે વિદુરે તેનો વિરોધ કર્યો હતો. મહાભારતના યુદ્ધ દરમિયાન પણ વિદુર ધર્મ અને પાણ્ડવોના પક્ષમાં હતા. યુદ્ધ પૂર્વે ઘૃતરાષ્ટ્રે તેમને મંત્રણા કરવા બોલાવ્યા ત્યારે તેમણે સરસ સમજૂતી આપી હતી જેને વિદુર નીતિ તરીકે ઓળખવામાં આવે છે. એ વખતે વિદૂરે ઘૃતરાષ્ટ્રને એ યુદ્ધ નિવારવા જે ઉપદેશ આપ્યો હતો તે તેમની નિષ્પક્ષતા, નિડરતા, ડહાપણનું દર્શન કરાવે છે.
શ્રીમદ્ ભાગવત મહાપુરાણના તૃતીય સ્કંધના પ્રથમ અધ્યાયમાં વિદુર ઘૃતરાષ્ટ્રને કહે છે - અજાતશત્રો પ્રતિપચ્છ દાયં તિતિક્ષતો દુર્વિષહં તવાગ : । સહાનુજો યત્ર વૃકોદરાહિ શ્વસન્ રુષા યત્ત્વમલં નિભેષિ ।। સ એષ દોષ : પુરુષદ્વિડાસ્તે ગૃહાન્ પ્રવિષ્ટો યમપત્યમત્ય । પુષ્ણાસિ કૃષ્ણાદ વિમુખો ગતશ્રીસ્ત્યાશ્વશૈવં કુલ કૌશલાય ।। અજાતશત્રુ યુધિષ્ઠિરનો ભાગ તમે આપી દો. તમારાં અસહ્ય પાપોને સહન કરતો ભીમસેન રૂપી સર્પ તેના ભાઈઓ સાથે ફૂંફાડા મારી રહ્યો છે. જેમની બુદ્ધિ રૂપી લક્ષ્મી નાશ પામી છે એવા તમે શ્રીકૃષ્ણથી વિમુખ છો. તમારો એ જ મોટો દોષ છે કે મહાપુરુષોનો દ્વેષ કરનારો તમારા ઘરમાં જ પ્રવેશેલો છે તેને તમે સંતાન બુદ્ધિથી અનુમોદન આપો છો કુળના કલ્યાણ માટે એ અભદ્ર દુર્યોધનનો તમે ત્યાગ કરો.
આ સાંભળી ગુસ્સે ભરાયેલો દુર્યોધન કહેવા લાગ્યો હતો - 'આ કપટી દાસીપુત્રને અહીં કોણે બોલાવ્યો છે ? જેનું અન્ન ખાઈને એ પુષ્ટ થયો છે તેની વિરુદ્ધ જઈને શત્રુનું કાર્ય કરે છે ! એનું સર્વસ્વ લૂંટી લઈને હું એને મારી નાંખુ એ પહેલાં એને નગરમાંથી કાઢી મૂકો.' પણ કોઈ એવું કરે એ પહેલાં જ વિદુરજીએ સ્વયં પ્રધાન પદના પ્રતીક રૂપે અપાયેલા ધનુષ્યને દ્વાર પર મૂકી નગરનો ત્યાગ કરી દીધો અને પછી તરત ભારતભરની તીર્થયાત્રા કરવા નીકળી ગયા. તેમણે ૩૬ વર્ષ તીર્થયાત્રા કરી.
આ દરમિયાન મહર્ષિ મૈત્રેય પાસેથી આત્મસ્વરૂપ શ્રીકૃષ્ણનું સ્વધામગમન સાંભળી આત્મજ્ઞાાન પ્રાપ્ત કરી હસ્તિનાપુર આવ્યા. વિદૂરજીને આવેલા જોઈ ધર્મપુત્ર યુધિષ્ઠરે ભાઈઓ સાથે તેમનું સ્વાગત કર્યું અને તે દરમિયાન કહ્યું - 'ભવદ્વિધા ભાગવતાસ્તીર્થભૂતા: સ્વયં વિભો । તીર્થીકુર્વન્તિ તીર્થાનિ સ્વાન્ત: સ્થેન ગદાભૃત ।। આપના જેવા ભગવદ્ ભક્તો તીર્થરૂપ જ છે. તેમના હ્ય્દયમાં સ્વયં ગદાધારી પ્રભુનો વાસ હોવાથી તેઓ તીર્થને પણ તીર્થરૂપ પવિત્ર કહે છે.'
યમના અવતાર રૂપ વિદુરજીએ એક દિવસ ઘૃતરાષ્ટ્રને કહ્યું - 'રાજન્, હવે જલદીથી સંસાર ત્યાગ કરો. આ નજીક આવી રહેલા ભયને જુઓ. ક્યાંયથી કોઈ પણ રીતે જેનો ઉપાય નથી એ કાળ આપણા બધા માટે આવી પહોંચ્યો છે જેનાથી ગ્રસ્ત માનવ પોતાના પ્રિયતમ પ્રાણથી પણ વિમુખ થાય છે તો ધન વગેરેની તો વાત જ શી ? તમારા પૂજ્ય વડીલો, ભાઈઓ, સંબંધીઓ, પુત્રો સર્વ હણાયા, તમારી ઉંમર થઈ, શરીર વૃદ્ધ થયું છતાં તમે પારકે ઘેર પડી રહ્યા છો. ખરેખર માણસને જીવવાની ઈચ્છા કેવી બળવાન હોય છે કે જેનાથી ભીમે ફેંકેલો રોટલાનો ટુકડો કૂતરાની જેમ સ્વીકારો છો.'ળ
જીવનની છેલ્લી અવસ્થામાં પણ હસ્તિનાપુરને વળગી રહેલા ઘૃતરાષ્ટ્રના મોહને ભાંગવા વિદુરે તેમના પર આ રીતે આકરા વાગ્પ્રહારો કર્યા હતા. વિદુરજીના ઉપદેશથી ઘૃતરાષ્ટ્રના હ્ય્દયમાં વૈરાગ્ય જાગ્યો. તે હસ્તિનાપુરનો ત્યાગ કરી તેમની પત્ની ગાંધારી સાથે ઉત્તરાખંડના સપ્તશ્રોત નામના સ્થાને આશ્રમ બનાવી રહેવા લાગ્યા. યુધિષ્ઠિરે તેમના વિશે પ્રશ્ન કર્યો ત્યારે નારદજીએ એમની દિવ્ય દ્રષ્ટિથી જોઈને કહ્યું - આજથી પાંચમા દિવસે વનમાં આગ લાગવાથી તેમાં બળી જતાં તેમનું મરણ થશે. તેમની સાધ્વી પત્ની ગાંધારી પણ તેમાં પ્રવેશી પોતાના પ્રાણનો ત્યાગ કરશે. તે પછી વિદુરજી ફરી તીર્થયાત્રાએ નીકળી ગયા હતા.