Get The App

ભગવાન શ્રી જગન્નાથ અને તેમની રથયાત્રાના દર્શન જીવનને પવિત્ર બનાવી પરમ પદની પ્રાપ્તિ કરાવે છે

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
ભગવાન શ્રી જગન્નાથ અને તેમની રથયાત્રાના દર્શન   જીવનને પવિત્ર બનાવી પરમ પદની પ્રાપ્તિ કરાવે છે 1 - image


- વિચાર-વીથિકા - દેવેશ મહેતા

'મહામ્ભોધેસ્તીરે કનકરૂચિરે નીલ શિખરે

વસન પ્રસાદાન્તઃ સહજ બલભદ્રેણ બલિના ।

સુભદ્રા મધ્યસ્થઃ સકલ સુરસેવાવસરદો

જગન્નાથઃ સ્વામી નયનપથગામી ભવતુ મે ।।

વિશાળ સાગરના કિનારે, સુંદર નીલાંચલ પર્વતના

શિખરોથી ઘેરાયેલા અતિ સ્વર્ણિમ આભાવાળાશ્રી

જગન્નાથપુરી ધામમાં તમે તમારા બળવાન ભાઇ

બળભદ્રજી અને તમારી બન્નેની વચ્ચે બહેન સુભદ્રા

સાથે વિદ્યમાન થઇ બધા દેવો, સંતો અને ભક્તોને

તમારી કૃપાદ્રષ્ટિથી સેવાનો અવસર આપી રહ્યા છો એવા

હે જગન્નાથ પ્રભુ, તમે મારા નયનપથગામી -

દ્રષ્ટિપથ પર બિરાજમાન રહેનારા એટલે કે મારી

દ્રષ્ટિની સન્મુખ રહેનારા બનો.

રથારૂઢો ગચ્છનાથિ મિલિતભૂદેવ પટલૈ ઃ

સ્તુતિ ર્પ્રાદુર્ભાવં પ્રતિપદમુપાકર્વ્ય સદયઃ ।

દયાસિંધુર્બંન્ધુઃ સકલ જગતા સિંધુસુતયાં

જગન્નાથ ઃ સ્વામી નયનપથગામી ભવતુ મે ।।

હે પ્રભુ, જ્યારે તમે રથયાત્રા દરમિયાન રથ પર

બિરાજમાન થઇ સામાન્ય લોકોની વચ્ચે આવો છો

ત્યારે અનેક બ્રાહ્મણો, સાધુ - સંતો અને ભક્તિ દ્વારા

સ્તુતિ કરાવો છો. એ સ્તોત્ર-મંત્રો અને સ્તુતિ સાંભળી

પ્રસન્નચિત્ત બની એમના પર અનુગ્રહ કરી પ્રેમવર્ષા

કરો છો. સમુદ્ર મંથનથી ઉદ્ભવેલા સમુદ્રપુત્રી

લક્ષ્મીજીના સ્વામી હે જગન્નાથ પ્રભુ, તમે મારા

નયનપથગામી- દ્રષ્ટિપથ પર બિરાજમાન રહેનારાં

એટલે કે મારી દ્રષ્ટિની સન્મુખ રહેનારા બનો.'

- આદિ શંકરાચાર્ય 

(શ્રી જગન્નાથાષ્ટકમ્, શ્લોક ૩,૫)

જ્યારે આદિ શંકરાચાર્ય પ્રથમ વાર પુરી ધામમાં આવેલ જગન્નાથ (ભગવાન શ્રીકૃષ્ણ)ના દર્શન કરવા આવ્યા ત્યારે તેમની સન્મુખ ઊભા રહી તેમના  સ્વરૂપને અનિમેષ નજરે નીરખતાં તેમની સ્તુતિ રૂપે તેમણે આ અષ્ટકમ્ (આઠ શ્લોકો)ની રચના કરી. ભગવાન જગન્નાથની સ્તુતિ રૂપે રચાયેલ હોવાથી તેનું નામ 'જગન્નાથ અષ્ટક્મ્' પડયું. પદ લાલિત્ય, રાગ, લય, તાલ અને ભાવ બધાની દ્રષ્ટિએ તે ઉત્કૃષ્ટ હોવાથી ભગવાન શ્રી જગન્નાથજીનું આ સર્વાધિક પ્રસિદ્ધ સ્તોત્ર છે.

જ્યારે ચૈતન્ય મહાપ્રભુ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા આવ્યા ત્યારે તેમણે ભગવાનના દિવ્ય સ્વરૂપમાં તેમના મનને તલ્લીન કરીને, ભાવ વિભોરબનીને આ અષ્ટક ગાયું હતું. આ અત્યંત પવિત્ર અને શક્તિશાળી સ્તોત્ર છે. જેનો જગન્નાથજીના દર્શન સાથે પાઠ કરવાથી ભગવત્પ્રીતિ સંપાદિત થઇ જાય છે, તેનાથી ભગવાન પ્રસન્ન થઇ જાય છે, તેનો અંતશત્મા પાપોથી મુક્ત થઇ વિશુદ્ધ થઇ જાય છે અને અંતે મુક્તિ પ્રાપ્ત કરી વિષ્ણુલોકમાં પહોંચી જાય છે.

પુરીનું શ્રી જગન્નાથ મંદિર પ્રાચીન હિંદુ મંદિર છે જે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. તે ભારતના ઉડિસા રાજ્યના તટવર્તી શહેર પુરીમાં આવેલું છે. આ મંદિર હિંદુઓના ચાર ધામના તીર્થોમાંનું એક પરમ મહિમા ધરાવતું તીર્થ છે. એવું મનાય છે કે ભગવાન શ્રી વિષ્ણુ આ ચાર ધામોમાં જુદી જુદી દિનચર્યાની ક્રિયાઓ કરે છે. હિમાલયના બદ્રીનાથ ધામમાં ભગવાન જગન્નાથ સ્નાન કરે છે, પશ્ચિમમાં ગુજરાતના દ્વારિકા ધામમાં વસ્ત્રાભૂષણ, અલંકાર વગેરે ધારણ કરી શૃંગાર કરે છે, પૂર્વમાં પ્રસિદ્ધ જગન્નાથ પુરીમાં ભોજન કરે છે અને દક્ષિણમાં રામેશ્વરમ્માં વિશ્રામ અને શયન કરે છે.

ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર અને મૂર્તિ સાથે અનેક રહસ્યો જોડાયેલા છે એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણે દેહોત્સર્ગ લીલા કરી તે પછી તેમના દેહને પાંડવોએ અગ્નિદાહ આપી અંત્યેષ્ટિ સંસ્કાર કર્યા હતા તે વખતે ભગવાન શ્રીકૃષ્ણના હૃદયનો ભાગ જીવંત રહ્યો હતો. તે લાકડાના ગઠ્ઠા જેવો આકાર ધારણ કરી તેવા રંગે પરિવર્તિત થઇ ગયો હતો. જગન્નાથ પુરીના મંદિરમાં દર ૧૨ વર્ષે મૂર્તિ નવી બનાવાય છે ત્યારે પૂજારી દ્વારા આંખો બંધ રાખી અંધારામાં હૃદયનો ભાગ નવી મૂર્તિમાં પ્રસ્થાપિત કરાય છે એ વખતે પૂજારીને એવું સ્પષ્ટ અનુભવાય છે કે હૃદય જ છે કેમ કે તે લાકડાની વસ્તુ જેવો કઠણ, બરછટ અને નિર્જીવ નહીં, પણ વ્યક્તિના હૃદય જેવો પોચો, સુંવાળો, કોમળ અને ધબકતો લાગે છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે અષાઢ સુદ બીજને રોજ ધામધૂમથી મોટા ઉત્સવ સાથે નીકળે છે. આ રથયાત્રા દસ દિવસ ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણ, એમના મોટાભાઇ બલબદ્ર (બલરામ) અને બહેન સુભદ્રાનને ત્રણ અલગ અલગ રથોમાં વિરાજમાન કરી ગુંડીચા મંદિરમાં લઇ જવામાં આવે છે. આ રથોને ખેંચનારા, રથયાત્રામાં સામેલ થનારા અને તેના દર્શન કરનારા દેહાંતે પરમ પદને પ્રાપ્ત 

થાય છે.


Google NewsGoogle News