નવરાત્રિ દરમિયાન કરવામાં આવતી નવદુર્ગાની ઉપાસનાનો મહિમા
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
દુર્ગે સ્મૃતા હરસિ ભીતિમશેષ જન્તો :
સ્વસ્થૈ: સ્મૃતા મતિમતી વ શુભાં દદાસિ ।
દારિદ્રય દુ:ખ ભયહારિણી કા ત્વદન્ય ।
સર્વોપકારકરણાય સદાર્દ્રચિત્તા ।।
હે દેવી દુર્ગા ! તમે સ્મરણ કરવામાં આવે ત્યારે બધા પ્રાણીઓનો ભય હરી લો છો અને સ્વસ્થ પુરુષો દ્વારા ચિંતન કરવામાં આવે ત્યારે તેમને પરમ કલ્યાણમયી બુદ્ધિ પ્રદાન કરો છો. દુ:ખ, દરિદ્રતા અને ભય હરનારા દેવી તમારા વિના બીજું કોણ છે જેમનું ચિત્ત બધા પર ઉપકાર કરવા માટે હમેશાં કરુણાર્દ્ર રહેતું હોય !
- દુર્ગા સપ્તશતી, અધ્યાય-૪, શ્લોક-૧૭
નવરાત્રિ એ શક્તિપૂજાનું પર્વ છે. શાસ્ત્રો પ્રમાણે નવરાત્રિ પર્વ વર્ષમાં ચાર વાર આવે છે. એમને વાસંતિક, આષાઢીય, શારદીય અને માધીય નવરાત્રિ કહે છે. આમાં ચૈત્રીય અને શારદીય એટલે કે આશ્વિની નવરાત્રિ વધારે પ્રસિદ્ધ અને મહિમાવાન ગણાય છે. બાકીની બે નવરાત્રિઓને 'ગુપ્ત નવરાત્રિ' કહેવાય છે. શારદીય નવરાત્રિમાં દુર્ગાપૂજા મહાપૂજા તરીકે ઓળખાય છે. આ નવ પુણ્યરાત્રિઓ દરમિયાન ત્રણ દેવીઓ પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીના નવ સ્વરૂપોની પૂજા થાય છે જેમને નવદુર્ગા કહેવામાં આવે છે. આદ્યાશક્તિના લોકકલ્યાણકારી રૂપને દુર્ગા કહેવાય છે. તંત્ર, આગમ તેમને 'દુર્ગા દુર્ગતિનો નાશ કરનારી અને દુ:ખને દૂર કરનારી મહાદેવી છે. દુર્ગા સપ્તશતીના ચોથા અધ્યાય શક્રાદય સ્તુતિમાં પણ તેમને 'દારિદ્રય દુ:ખભયહારિણી દરિદ્રતા, દુ:ખ અને ભયને હરી લેનારા કહેવાયા છે. તે રીતે 'દુર્ગાસિ દુર્ગ ભવસાગર નૌરસઙગા દુર્ગમ ભવસાગરથી પાર ઉતારનારી નૌકાનું રૂપક પણ અપાયું છે. દુર્ગા દેવી માટે કહેવાયું છે- સૈષા પ્રસન્ના વરદા નૃણાં ભવતિ મુક્તયૈ । તે પ્રસન્ન થાય છે ત્યારે મનુષ્યોને વરદાન આપનારા બનીને મુક્તિ પ્રદાન કરે છે.
શક્રાદય સ્તુતિના નવમા શ્લોકમાં કહેવાયું છે- યા મુક્તિહેતુરવિચિન્ત્ય મહાવ્રતા ત્વં અભ્યસ્યસે સુનિયતેનિદ્રયતત્ત્વસારૈ : । મોક્ષાર્થિભિર્મુનિ ભિરસ્ત સમસ્તદૌષૈર્વિધાસિ સા ભગવતિ પરમા હિ દેવી ।। હે દેવી । તે વિદ્યા જે મોક્ષ આપનારી છે, જે અચિન્ત્ય મહાજ્ઞાાન સ્વરૂપા છે તત્ત્વોના સારને વશમાં કરનારા, સંપૂર્ણ દોષોને દૂર કરનારા, મોક્ષની ઇચ્છાવાળા મુનિજન જેનો અભ્યાસ કરે છે તે તમે જ છો.
નવરાત્રિ દરમિયાન નવદુર્ગાના આ નવ સ્વરૂપોની પૂજા કરાય છે- પ્રથમાં શૈલપુત્રી દ્વિતીયં બ્રહ્મચારિણી, તૃતીયં ચંદ્રઘંટેતિ, કૃષ્માણ્ડેતિ ચુતર્થકમ્, પંચમં સ્કંદમાતેતિ ષષ્ઠં કાત્યાયનીતિ, સપ્તમં કાલરાત્રીતિ, મહાગૌરીતિ ચાષ્ટમમ્, નવમં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિત ।। શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘણ્ટા, કુષ્માણ્ડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી નામના આ નવ સ્વરૂપો નવરાત્રિ દરમિયાન પૂજા સાથે આરાધના કરાય છે. મંત્ર, તંત્ર અને યંત્રના માધ્યમથી શ્રદ્ધા-ભક્તિપૂર્વક કરાતી નવરાત્રિના નવ દિવસોની દુર્ગા મહાપૂજા તમામ ઇચ્છાઓ પૂરી કરી અગણિત વરદાનો પ્રદાન કરે છે.
દુર્ગા દેવી દયાર્દ્ર, કરુણાદ્ર અને કૃપા પરિપૂર્ણ છે એટલે ભક્તો માટે જે કલ્યાણકારી છે તે તેમના વગર માગ્યે આપી દે છે. તેમના આ ગુણ માટે શાસ્ત્રમાં કહેવાયું છે- ' ઇચ્છાધિકમપિ સમર્થા વિતરણે- દુર્ગાદેવી ઇચ્છાથી પણ વધારે ફળ આપવા સમર્થ છે. ' દેવી ભાગવતમાં દુર્ગાદેવી કહે છે કે આખા જગતમાં શક્તિરૂપે હું જ વ્યાપેલી છું. 'સર્વ દેવમયી દેવી સર્વદેવીમયં જગત । અતોડહૂં વિશ્વરૂપાંત્વાં નમામિ પરમેશ્વરીમ્ ।। દેવી દુર્ગા સર્વદેવયુક્ત છું. તે પરમેશ્વરીને હું નમન કરું છું. દુર્ગા સપ્તશતીના અગિયારમા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં ભગવાન પોતે કહે છે- 'સ્ત્રિય: સમસ્તાં સકલા જગત્સુ । હે દેવી ! બધી સ્ત્રીઓ દેવી સ્વરૂપ છે.' આપણા સાસ્ત્રોની આ વાત સ્ત્રી-મહિમાને કેટલી ગૌરવાન્વિત કરે છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ ।। જે દેવી સર્વ પ્રાણીઓમાં શક્તિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. વારંવાર નમસ્કાર હો.