પ્રેમ અને આનંદના સાકારરૂપ સમા શ્રી રાધા-શ્રીકૃષ્ણ એકબીજાની અનવરત આરાધના કરતા રહે છે !
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
'બ્રહ્મ મૈં ઢૂંઢયો પુરાનન માનન, વેદ-રિયાસુનિ ચૌગુને ચાયન દેખ્યો સુન્યો ન કહૂં કબર્હૂ વહ કૈસો સુરુપ ઔ કેસે સુભાયન । ટેરત હેરત હારિ પર્યો રસખાનિ બતાયો ન લોગ-લુગાયન દેખ્યો દુરૌ વહ કુંજ કુટીરમેં બૈઠો પલોટત રાધિકા-પાયન ।। મેં બ્રહ્મને પુરાણોના ગીતોમાં શોધ્યું, વેદ ઋચાઓને ચાર ગણા રસથી સાંભળી કે જેથી બ્રહ્મની જાણકારી મળી જાય. પણ મારા બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. મેં એને ન તો ક્યાંય સાંભળ્યું કે ન તો એને ક્યાંય જોયું. હું એ પણ જાણી ના શક્યો કે એનું સ્વરૂપ અને સ્વભાવ કેવો છે. એને બોલાવતાં, એને સોધતાં હું થાકી ગયો અને કોઈ પણ પુરુષ કે સ્ત્રીએ એનું ઠેકાણું બતાવ્યું નહીં. છેવટે તે બ્રહ્મ મને દૂરની કુંજ-કુટીરમાં છુપાઈને બેઠેલા રાધાના પગ દબાવતા શ્રીકૃષ્ણ રૂપે જોવા મળી ગયું.'
- ભક્ત કવિ રસખાન
જે કૃષ્ણને આનંદ આપે તે રાધા. કૃષ્ણકે આહ્લાદે તાતે નામ આહ્લાદિની. ભગવાન શ્રીકૃષ્ણની આહ્લાદિની શક્તિનું નામ શ્રીરાધા છે. તે બન્ને એકમેકને આનંદ અને પ્રેમ પ્રદાન કરનારા છે. આહ્લાદનીર સાર અંશ પ્રેમ તાર નામ જે એનો સાર અંશ છે. એનું નામ પ્રેમ છે. જ્યાં પ્રેમ છે ત્યાં આનંદ છે અને જ્યાં આનંદ છે ત્યાં પ્રેમ છે. આ પ્રેમનો જે પરમ સાર છે તે છે રાધાનો મહાભાવ. આનંદ એવ આકાર સમર્પક : ઇતિ સ્થિતિ : એ વચન પ્રમાણે શ્રીકૃષ્ણ આનંદનો આકાર છે. પરમ પ્રેમ સ્વરૂપા રાધા, ગોપી પ્રેમકી ધ્વજા એ વિધાન પ્રમાણે શ્રીરાધા પ્રેમનો આકાર છે. આનંદ અને પ્રેમ એકમેકમાં ઓતપ્રોત છે. એ રીતે રાધા અને કૃષ્ણ એકમેક માં ગૂંથાયેલા છે. રાધા-કૃષ્ણ એક જ છે. સદાય અભિન્ન છે. જેમ શિવ-પાર્વતી અર્ધનારીશ્વર છે તેમ રાધા-કૃષ્ણ અર્ધરાધાકૃષ્ણ છે.
રાધા મહાભાવની અધિષ્ઠાત્રી શ્રીરાધા સાકારરૂપા પ્રેમની મહાદેવી છે. પ્રેમનું જે ઘનીભૂત રૂપ છે. એણે જ રાધારૂપ ધારણ કરી લીધું છે. શ્રી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પરમોત્કૃષ્ટ પ્રિયતમા છે એ રીતે ભગવાન શ્રીકૃષ્ણ શ્રીરાધાના પરમોત્કૃષ્ટ પ્રિયતમ છે. બન્ને એકમેકની અનન્યતાથી આરાધના કરે છે. એટલે પ્રેમની પરાકાષ્ઠામાં રાધા કૃષ્ણ બની જાય છે અને કૃષ્ણ રાધા બની જાય છે. એટલે જ ગર્ગસંહિતામાં કહેવામાં આવ્યું છે- 'શ્રીકૃષ્ણ કૃષ્ણેતિ ગિરા વદન્ત્ય : શ્રીકૃષ્ણપાદામ્બુજલગ્ન માનસા :। શ્રીકૃષ્ણ રૂપાસ્તુ બભુવુરંગનાશ્ચિત્રં ન પેશસ્કૃતમેત્ય કીટવત્ ।। કૃષ્ણ-કૃષ્ણ એ રીતે ભગવાનના નામનું સ્મરણ કરતી કરતી અને એમના ચરણકમળમાં ચિત્ત લગાવતી ગોપીઓ શ્રીકૃષ્ણ રૂપ બની ગઈ. આમાં કોઈ આશ્ચર્ય નથી કેમ કે નાનો કીટ મોટા કીટનું ચિંતન કરતા કરતા એના જેવો જ બની જાય છે.
બ્રહ્મવૈવર્તપુરાણના પ્રકૃતિખંડના ૪૮મા અધ્યાયમાં દર્શાવાયું છે- રાધા ભજતિ શ્રીકૃષ્ણ સ ચ તાં ચ પરસ્પરમ્ ।' તે રીતે ઉજ્જવલ-નીલમણિ કહે છે- તપોરમ્યુભર્યોમધ્યે રાધિકા સર્વથાધિકા । મહાભાવસ્વરૂપેયં ગુણૈરતિ ગરીયસી ।। શ્રી રાધાજી શ્રીકૃષ્ણની ઉપાસના કરે છે અને ભગવાન શ્રીકૃષ્ણ શ્રીરાધાજીની ઉપાસના કરે છે. ગોપીઓમાં શ્રીરાધાજી સર્વશ્રેષ્ઠ હતા કેમકે તે સ્વયં મહાભાવ સ્વરૂપિણી હતાં.
શ્રીકૃષ્ણના નામનું સ્મરણ કરતાં એમના સ્વરૂપનું ધ્યાન કરતા શ્રીરાધાજી. એવા પ્રેમ નિમજ્જ થઈ જાય છે કે પોતે શ્રીકૃષ્ણ રૂપ બની જાય છે - ' શ્યામ શ્યામ રટત પ્યારી આપ હિ શ્યામ ભઇ । પૂછત નિજ સખિયન સોં પ્યારી કહોં ગઈ ।। એ રીતે ભગવાન શ્રીકૃષ્ણ પણ રાધા-રાધાનું રટણ કરતા રહે છે. એમની વાંસળીના સૂરમાંથી પણ રાધાનું નામ જ પ્રકટ કરતા રહે છે - 'નામસંકેત કૃતસંકેત વાદયતિ મૃદુ વેણુમ્ । ગોપીઓ રાધાજીને કહે છે તેરો નામ હી ગાત રી । હે રાધા, શ્રીકૃષ્ણ વેણુ દ્વારા તારું નામ જ ગાતા રહે છે. ગુજરાતી કવિ શ્રી સુરેશ દલાલે પણ એમના ગીતમાં આની સુંદર પ્રસ્તુતિ કરી છે. રાધાનું નામ તમે વાંસળીના સૂર મહી વ્હેતું ના મેલો, ઘનશ્યામ ! સાંજને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ ! વણગૂથ્યા કેશ અને અણઓજી આંખડી કે ખાલી બેડાની કરે વાત, લોકો કરે છે શાને દિવસને રાતડી મારા મોહનની પંચાત. વળી વળી નીરખે છે, કુંજ ગલી પૂછે છે કેમ અલી ? ક્યાં ગઈ'તી આમ ? કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ, વહે અંતરની વાતએ તો આંખ્યું ની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ. મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ.'